“उमर भर ग़ालिब यही भूल करता रहा,
धूल चहेरे पे थी और आयना साफ करता रहा!”
Advertisement
Advertisement
“કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મારા કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી હતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે.” : કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ અને આંતરિક વિખવાદને લઈને વિશ્વનાથસિંહ વાઘેલાનું નિવેદન.
તુંવર મુજાહિદ/આરીફ આલમ, ગુજરાત એક્સક્લૂઝિવ : કોંગ્રેસની સ્થિતિને મજબૂત બનાવવા માટે 2021માં રાજસ્થાનના રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી બનાવ્યા. રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી રઘુ શર્માને મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના માનવામાં આવે છે. જેઓ ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના પ્રભારી હતા. શર્માને ગુજરાતની સાથે દમણ, દીવ દાદરા નગર હવેલીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ચૂંટણીથી એક વર્ષ પહેલા ગુજરાતના પ્રભારી બનેલા શર્માને ગુજરાત કોંગ્રેસના ઉદ્ધારની જવાબદારી સોંપાઇ હતી. જોકે, રઘુ શર્માના એક વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને ગુજરાત કોંગ્રેસને કેટલી મજબૂત કરી તે એક મોટો પ્રશ્ન છે?
ગુજરાત કોંગ્રેસમાં પાટલી બદલવાનો સમય ત્રણ દશકાઓથી ચાલી રહ્યો છે. રાજીવ ગાંધી ભવનમાં નામિત અડધા ડઝન નેતાઓ અને એક ડઝન મુખ્યમંત્રીઓવાળી કોંગ્રેસ ત્રણ દાયકાઓથી સત્તાથી દૂર છે. ગુજરાત કોંગ્રેસ નબળી થવા પાછળ સૌથી મોટું કારણ દિગ્ગજ નેતાઓ છે. જેના કારણે યુવાઓનો કોંગ્રેસથી મોહ ભંગ થયો છે, અથવા તો બાળમરણ થયું છે.
ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવા માટે સૌથી પહેલા કોંગ્રેસનું ધોવાણ અટકાવવાની જરૂરિયાત હતી. શું રઘુ શર્મા કોંગ્રેસના નેતાઓને અન્ય પાર્ટીમાં જતાં રોકી શક્યા છે? તેનો જવાબ ના છે.
રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતના પ્રભારીનું પદ ખાલી થયું હતું. રાજ્યસભાના સભ્ય સાતવનું કોરોના સંક્રમણને કારણે 46 વર્ષની વયે અવસાન થયું હતું. રઘુ શર્મા હાલમાં રાજસ્થાનની અશોક ગેહલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે. તેઓ અજમેર જિલ્લાની કેકરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. અગાઉ તેઓ લોકસભાના સભ્ય પણ હતા.
રઘુ શર્માના આવ્યા પછી પણ ગુજરાત કોંગ્રેસના અનેક નાના-મોટા યુવા નેતાઓ કોંગ્રેસને છોડી ચૂક્યા છે. આ નેતાઓમાં યુવાઓને ક્નેક્ટ કરતાં નોંધપાત્ર યુવા નેતાઓની સંખ્યા હતી. જેઓ કોંગ્રેસને એક નવું રૂપ આપી શકતા હતા. પરંતુ કોંગ્રેસના વડવૃક્ષોએ તેમનો ગ્રાસ લીધો છે. પાછલા બે દશકામાં કોંગ્રેસને ત્યજેલા નેતાઓ અત્યારે બીજેપીના મહત્વપૂર્ણ નેતા બની ચૂક્યા છે.
રઘુ શર્મા ગુજરાતના પ્રભારી બન્યા ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં ભારે ભાગમભાગ છે. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને વિચારધારાને સમર્પિત ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપ અને AAPમાં જોડાયા છે. જેમાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય અશ્વિન કોટવાલ, દિનેશ શર્મા, અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણીલાલ વાઘેલા જેવા મુખ્ય નામો સામેલ છે.
ભીમ અને મીમના શિકંજામાં મેવાણી! હાથમાંથી વડગામ જશે કે જિજ્ઞેશ વડગામથી જશે?
શું રઘુ શર્મા ગુજરાતના રાજકારણને સમજી શક્યા છે?
ગુજરાતના રાજકારણમાં બીજેપી નેતાઓ દ્વારા મોટા ભાગે ભડકાઉ ભાષણ આપવામાં આવતા નથી. માત્ર કોંગ્રેસ ઉપર જ શાબ્દિક પ્રહાર કરે છે. જમીનથી જોડાયેલા નેતાઓ જે સામાન્ય જનમાનસને સ્પર્શતો હોય છે તેમને બીજેપી પોતાની સાથે કરી લે છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં એક એવું ચિત્ર ઉભુ કરવામાં આવે છે કે કોંગ્રેસ એકદમ ગર્કમાં ધકેલાઇ ગઇ છે. યુવા અને પીઢ નેતાઓ તેમનો સાથ છોડી રહ્યાં છે. ચૂંટણી પહેલા એવું ચિત્ર બનાવી દેવામાં આવે છે કે, ગુજરાતમાં તો બીજેપી સિવાય અન્ય પક્ષને વોટ આપવો બેઇમાની છે. હવે મુખ્ય પ્રશ્ન છે કે, શું રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતની રાજનીતિને સમજી શક્યા છે?
શર્માના કાર્યકાળમાં અનેક નેતા કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ગુજરાતના પ્રભારી તરીકે કોઈ જ મહત્વપૂર્ણ કામગીરી દેખાઇ રહ્યું નથી. જો તેઓ સક્રિય હોત તો કોંગ્રેસના દિગ્ગજ અને પ્રતિષ્ઠત નેતાઓ 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી જતાં અટકાવી શક્યા હોત. મહત્વપૂર્ણ છે કે, રઘુ શર્મા સમગ્ર ગુજરાતમાંથી એમપી, એમએલએ તો જવા દો, બીજી પાર્ટીના એક કોર્પોરેટર કે પાલિકા સભ્ય કે સરપંચને પણ કોંગ્રેસમાં ભેળવી શક્યા નથી.
યુથને સાચવી ના શક્યા રઘુ શર્મા-જગદીશ ઠાકોર
કોંગ્રેસ જીતથી દૂર હોવાનું મહત્વપૂર્ણ કારણ યૂથ વિહોણા રહેવું અથવા તેને નજર અંદાજ કરીને પગ ઉપર કૂહાડી મારી છે. કોંગ્રેસ સતત ત્રણ દશકાઓથી ગુજરાતમાં સરકાર ના બનાવી શકી તેમાં સૌથી મોટું પરિબળ યુથ સાથે ક્નેક્ટ ના થવું છે. યુથ સાથે ક્નેક્ટ થનારા પોતાના નેતાઓને નજર અંદાજ કરવા છે. કોંગ્રેસને પાછલા વર્ષ દરમિયાન અનેક આક્રમક અને ઉત્સાહી યુવા નેતા મળ્યા, પરંતુ તેમને સાચવવામાં કોંગ્રેસના કર્તા-હર્તા નિષ્ફળ ગયા છે. વિશ્વનાથસિંહ વાઘેલા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, નીખિલ સવાણી, શાહનવાજ શેખ, કનુ પટેલ, ધવલ સિંહ ઝાલા, વનરાજસિંહ ચાવડા, કેવલ જોષિયારા જેવા યુવા નેતાઓનો કોંગ્રેસ ઉપયોગ ના કરી શકી.
વિશ્વનાથ અથવા હાર્દિકે પાર્ટી છોડતા સમયે આપેલા નિવેદનોથી સ્પષ્ટ છે કે કોંગ્રેસની અંદર જ યુવાઓને કામ કરવા ના દેવા માટે કોંગ્રેસના સીનિયર નેતાઓ જ કારસાઓ રચીને તેમને ટકવા દેતા નથી. કોંગ્રેસના જૂના જોગીઓ કોઈ નવા યુવાને મોટો નેતા બનવા દેતા નથી. વર્ષોથી તેઓ પોતાનું પેટીયુ રળી ખાઇ રહ્યાં છે અને ખાતા રહેવા માંગે છે.
ભાગવત સાથે મુસ્લિમ બુદ્ધિજીવીઓની મુલાકાત; “નફરતથી કંટાળી ગયા છીએ”
હાર્દિક પટેલે કોંગ્રેસથી દાયકાઓથી છટકાયેલા સ્વર્ણ પાટીદાર મતોને લામબંધ કર્યા હતા, તો અલ્પેશ ઠાકોરે ઓબીસી સમાજને કોંગ્રેસ માટે જૂસ્સા સાથે લડવા પ્રેરિત કર્યો હતો. હાલમાં જ ભાજપમાં ગયેલા વિશ્વનાથસિંહ વાઘેલાએ એકલા હાથે મહેનત કરીને યુથ કોંગ્રેસમાં ત્રણ લાખ 40 હજાર લોકોને જોડ્યા હતા. વિશ્વનાથે મોટા પ્રમાણમાં લોકોના ફોર્મ ભરીને ફોર્મના પૈસા જમા કરાવ્યા હતા. છતાંય કેટલાક સીનિયર નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું. બે લાખથી વધારે ફોર્મને કંપનીના ધારા-ધોરણ અનુસાર ના હોવા અને ટેકનિકલ એરર ગણાવીને રદ્દ કરાવી દેવામાં આવ્યા. અથાગ મહેનત પછી પણ વિશ્વનાથસિંહ વાઘેલાને શું મળ્યું? તેમના પ્રત્યે અવિશ્વાસ દર્શાવીને તેમના મનોબળને તોડી નાંખવામાં આવ્યું. તે પછી તેમને બીજેપી તરફ પગરણ માંડ્યા..
કેવલ જોષિયારા બીજેપીમાં પોતાના 500 યુવા કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. કોંગ્રેસમાંથી જ્યારે પણ કોઈ નેતા બીજેપીમાં જાય છે, ત્યારે કોંગ્રેસના જૂના જોગીઓ નિવેદન આપે જ છે કે, આનાથી કોંગ્રેસ પક્ષને કોઈ ફરક પડતો નથી. પરંતુ પરિણામે કોંગ્રેસ ત્રણ દશકાઓથી સત્તામાંથી બહાર છે.
વિપક્ષ ગ્રાઉન્ડ પર ઉતરીને જનમાનસની સમસ્યા માટે લડી શકતું નથી
ગુજરાતમાં કોંગ્રેસને તારવાની જવાબદારી જેને આપવામાં આવી છે, તે વર્ષમાં એકાદ બે દિવસ સર્કિટ હાઉસે દર્શન આપી દે છે. ગુજરાતના આગળ પડતા નેતાઓ ક્યારેક પોતાના કપડા પર સળ પડવા દેતા નથી. સામાન્ય જનથી વિમુખ ચોકડી ગુજરાત કોંગ્રેસના 30 વર્ષથી તારણહાર છે. વર્તમાનમાં પ્રતિદિવસ ગાંધીનગરમાં આંદોલન થઈ રહ્યાં છે પરંતુ કોંગ્રેસ તેમાં સક્રિય રીતે ભાગ પણ લેતી નથી.
રાજસ્થાનના રઘુ શર્માને ખ્યાલ હશે કે બીજેપીના કાર્યકર્તાઓએ વર્તમાનમાં રાજસ્થાનને લમ્પી વાયરસને લઈને માથે લઈ રાખ્યું છે. જો કે, કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લમ્પી વાયરસ પર રાજીવ ગાંધી ભવનમાં બેસીને રિસર્ચ ચલાવી રહી છે. જનમાનસની સમસ્યાઓથી દૂર ગુજરાત કોંગ્રેસ એકાદ બે ટ્વિટથી ચૂંટણી જીતવા નિકળી છે.
કોંગ્રેસને ભારત જોડો નહીં પરંતુ કોંગ્રેસ જોડો કેમ્પેન કરવાની જરૂરત
કોંગ્રેસમાં પ્રતિદિવસ ભંગાણ પડવાના સમાચાર આવી રહ્યાં છે. કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે. યાત્રાના બીજા જ દિવસે ગોવા કોંગ્રેસમાં સેંધ પડવાના સમાચાર સામે આવી ગયા. કોંગ્રેસને ભારત જોડો યાત્રાની નહીં પરંતુ કોંગ્રેસ તૂટવાથી બચાવવા માટે મહાસંમેલનની જરૂર છે.
હિજાબ અંગે ઈરાન અને ભારતીય મહિલાઓની માંગ અલગ પરંતુ મુદ્દો એક જ છે
કોંગ્રેસની સીનિયર લોબીએ જિજ્ઞેશ મેવાણીનો કેમ ભોગ લીધો નથી?
જિજ્ઞેશ મેવાણી માત્રને માત્ર દલિત નેતા બનીને ફરી રહ્યાં છે, જે વખતે તેઓ યુથના નેતા બનીને મેનસ્ટ્રીમ એટલે કે કોંગ્રેસના ઉચ્ચ પદ પર આવવાની કોશિશ કરશે તો કદાચ તેમની સ્થિતિ પણ હાર્દિક-અલ્પેશ જેવી થઈ શકે છે.
37 વર્ષ પછી કેમ જયરાજસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો?
કોઈપણ વ્યક્તિની એક મર્યાદા હોય છે. જયરાજ સિંહ પરમાર 37 વર્ષ સુધી સતત કોંગ્રેસ માટે કામ કરતાં રહ્યાં અને તેમને સતત નજર અંદાજ પણ કરવામાં આવતા રહ્યાં. કોંગ્રેસ માટે ઘસાતા વ્યક્તિની કદર કરવામાં આવતી નથી. ઉલ્લેખનિય છે કે, જયરાજ સિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એવા કોંગ્રેસી નેતા હતા જેઓ ગામથી ગાંધીનગર સુધી જનસમસ્યાઓને મજબૂતાઇથી મૂકતા હતા. શિક્ષિત-સમજૂ અને વિચારક હતા પરંતુ કોંગ્રેસે તેમનો ઉપયોગ ટીક-ટોક સ્ટાર સમજીને ટીવી સ્ક્રિન સુધી સીમિત કરી દીધુ હતું. ગુજરાતમાં કોંગ્રેસના ઉચ્ચ પદો પર બેસેલા પીઢ નેતાઓ તેમની નીતિઓના કારણે ગુજરાત કોંગ્રેસની અધોગતિ કરી રહ્યાં છે.
કોંગ્રેસથી ભાજપમાં જોડાયેલા પ્રમુખ ચહેરાઓ:
- નરહરિ અમીન 2012 ચૂંટણીમાં કોંગેસ છોડીને ભાજપમાં જોડાયા હાલ રાજ્યસભાના સાંસદ બન્યા.
- વિઠ્ઠલ રાદડિયા 2012મા કોંગેસ છોડીને ભાજપમાં આવ્યા અને તેમના પુત્ર જયેશ રાદડિયા 2017માં મત્રી બન્યા.
- લીલાધર વાઘેલા 2012 કોંગેસ છોડીને ભાજપમાં આવ્યા અને પાટણના સાંસદ પણ ભાજપમાંથી બન્યા.
- પરબત પટેલ 2012માં કોંગેસ છોડીને ભાજપમાં જોડાયા અને રાજયકક્ષાના મંત્રી બન્યા હાલ બનાસકાંઠાના સાંસદ છે.
- પરિવારની લડાઈમા પૂનમ માડમ 2012 કોંગેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે.
- દેવુંસિંહ ચૌહાણ 2007માં કોંગેસમાંથી ભાજપમાં આવ્યા અને નરહરિ અમીન હરાવ્યા ત્યાર બાદ હાલ કેન્દ્રીય રાજયમંત્રી છે.
- રામસિંહ પરમાર 2017માં ભાજપમાં જોડાયા અને હાલ અમૂલ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
- કુંવરજી બાવળિયા કોંગસ છોડીને ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીતી કેબિનેટ મંત્રી બન્યા.
- રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા.
- જવાહર ચાવડા કોંગેસ છોડી ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીત મેળવી રૂપાણી સરકારમાં મત્રી બન્યા.
- રાજ્ય સભાની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોંગેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા. કમશી પટેલના પુત્ર કનુ પટેલ સાણંદના mla બન્યાં. 2017માં તેજશ્રીબેન વિરમગામ
- બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડ્યા અને હાર્યા. બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમને તરીકે સ્થાન મળ્યું હાલમાં તેમણે રાજીનામુ આપ્યું.
- રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ કોગેસના વર્તમાન ધારાસભ્ય પદે રાજીનામુ આપ્યું. જેમાં
- પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમાં પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું.
- અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરી પેટા ચૂંટણીમાં mla બન્યા.
- લુણાવાડાના પૂર્વ mla હીરા પટેલ પણ ભાજપના ભરતી અભિયાનમાં જોડાયા.
- કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલા દિલ્લી ભાજપમાં જોડાયા.
Advertisement