એક ચશ્માવાળો વેલ પ્રોફેશનલ ચહેરો…અજમા સાથે બાંધેલા ચણાંના લોટના ગુલ્લાને પાટલા પર ખેંચી ઘસ્યા પછી એક પાતળી પટ્ટીના ચપ્પાથી ઉપાડતાંની સાથે જ ઢીલોઢફ કાચો ફાફડો ઉકળતાં સિંગતેલના તવામાં જતાં જ જુવાન બની જાય. થોડીવારમાં આ ફાફડાં ઝારામાંથી તાસમાં ઠલવાય.એ પછી મોઢામાં પાણી આવતી ગ્રાહકોની આતૂર આંખો સાથેની પ્રક્રિયા જોતા જોતા લાઈનમાં આપણો પણ વારો આવી જાય.
હર્ષ સોજિત્રા, ઉંમર વર્ષ 25…આમ તો મેટલર્જીના એન્જિનિયર છે. પણ 9થી 6ની નોકરીની માથાકૂટ ના ગમતાં દાદાનો જૂનો વ્યવસાય રિવાઈવ કર્યો. ધંધો અને નોકરીની ડિબેટો લાંબી છે પણ ગમતું કરવું દરેકનો અધિકાર છે. હર્ષે એનું ગમતું કામ કર્યું છે. હર્ષે એક વાત સરસ કરી કે બધાંને પોતાનો ગમતો વ્યવસાય કરવો જ હોય છે પરંતુ શરુઆત કરવાની હિંમત ઘણાં ઓછા લોકોમાં હોય છે.
હર્ષની વાતોમાં દમ છે તેમ તેના ગાંઠિયા,ફાફડા અને જલેબીમાં પણ સ્વાદ અને શુદ્ધતાની મહેક છે. ચોખ્ખું ઘી, સિંગતેલ અને સાથે સુંદર વાતો પણ પીરસે. સવારે ગાંઠિયા બનાવે છે અને બપોરે નોકરીએ પણ જાય છે. પરંતુ અંદરથી નોકરીની કડાકૂટમાંથી મુકત થવાની સ્પષ્ટતા તેના વ્યક્તિત્ત્વમાં દેખાય છે.
સૌરાષ્ટ્રની ધરતીની મહેક ત્યાંના વ્યક્તિત્ત્વોમાં પણ દેખાય એમ હર્ષની વાતોમાં પણ તેમનું વતન ઉપલેટા નીતરી આવે. જેને ગાંઠિયા-ફાફડાં ખાવા ના હોય એને પણ ખવરાવે.
એક એન્જિનિયરના હાથના ગાંઠિયા-ફાફડાંએ મોજ કરાવી.
એક તરફ આઈએએસ અને આઈપીએસની નોકરી માટે ઘણાં યુવાનો સતત પરિશ્રમ કરે છે અને સફળ પણ થાય છે પરંતુ આજના નવા યુવાનોમાં એન્ટરપ્રિન્યોરશીપનો ક્રેઝ અનોખો છે.
કોઈ માલિક ના હોય, કોઈના વિચારોનું પ્રભુત્ત્વ ના હોય અને પોતાના સપનાંના સર્જન કરવાની એક અનોખી મજા આજના જનરેશનમાં પ્રમુખ છે.
ભારતના આ નવા યુથમાં એન્ટરપ્રિન્યોરશિપનો પવન ખરેખર મજાનો છે. સાયન્સ સિટી રોડ પાસેના ડિવાઈન રોડ પર શ્રી રંગ ડેરી પાર્લર પાસે હર્ષે સરસ લોગો સાથે આઉટલેટ ગોઠવ્યું છે.
Advertisement