ભાજપ Vs ક્ષત્રિયોની લડાઇ પોતાના ચરમ પર આવી ગઈ છે. બીજેપી અને ક્ષત્રિયો બંનેમાંથી એકપણ નમતું જોખવા માટે તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી પોતાના નિર્ણય પર અડગ હોવાના કારણે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવા કોઈ જ એંધાણ દેખાતા નથી. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં જરાપણ કચાશ રાખવા માંગતુ નથી. વિરોધની જવાળા ગામડાઓ સુધી પ્રસરી ગઈ છે.
Advertisement
Advertisement
ગુજરાતભરની નજર વર્તમાન સમયમાં બેરોજગારી, નોકરી-ધંધો, આર્થિક મંદી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર નહીં પરંતુ રૂપાલા Vs ક્ષત્રિયો વચ્ચેની લડાઇમાં જ જોવા મળી રહ્યુ છે. આમ બીજેપીને ફાયદો-નુકશાન બંને થઈ રહ્યુ છે. કેમ કે ક્ષત્રિય સમાજ ખરી રીતે બીજેપીને ધતકારે છે તો 2024ની લોકસભાની ચૂંટણીમાં અસર થયા વગર રહે નહીં. તો બીજી તરફ મોંઘવારીના ચક્રમાં ફસાયેલા બેરોજગારો પોતાના માટે અવાજ ઉઠાવવાની જગ્યાએ રૂપાલાની લડાઇમાં જ વ્યસ્ત થઈ ગયા છે. આમ ગ્રાઉન્ડ લેવલે રહેલી મુશ્કેલીઓને પ્રજા ભૂલી બેઠી છે.
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ગામડાઓ સુધી પ્રસરતું જોવા મળી રહ્યુ છે. ભલે શહેરમાં વિરોધ પ્રદર્શન જોવા મળતું ન હોય પણ ગામડાઓમાં પોસ્ટર વોર શરૂ થયું છે. તો સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલું થયા છે. સૌથી પહેલા આ આંદોલન ફક્ત ગરાસિયા રાજપૂતો સાથે જ જોડાયેલું હતુ પરંતુ ગુજરાતના ગરાશિયા સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કારડિયા, કાઠી, નાડોદા, જાગીરદાર અને પાલવી ક્ષત્રિયો સુધી પહોંચ્યું છે. જે ગુજરાતના સમીકરણોમાં ધરખમ ફેરફારો કરી શકવા માટે સક્ષમ છે. રાજપૂત સમાજ માત્ર 5 ટકાની આસપાસ છે પરંતુ સમસ્ત રાજપૂત સમાજ એક થાય તો તેઓ 17 ટકાની આસપાસ પહોંચે છે.
ગુજરાતમાં ક્ષત્રિયોમાં ભાગલા પડ્યા હોવાથી ભાજપને આંદોલનથી નુક્સાન જવાનો ડર એકદમ ઓછો છે. ક્ષત્રિય સમાજ ભાજપની કમિટેડ વોંટબેંક હોવા છતાં તેમના અપમાન કરનારાને છાવરનાર બીજેપી આખા સમાજને નજર અંદાજ કરી રહી હોવાના કારણે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેથી હવે વટનો સવાલ હોવાથી રાજપૂત સમાજ પણ ઝૂકવાના મૂડમાં નથી.
ગામે ગામ ભાજપ વિરોધી પોસ્ટરો લાગવાના શરૂ થયા છે. ક્ષત્રિયો ભાજપને વોટ ન આપવા માટે કુળદેવીના સોગંધ લઈ રહ્યા છે. રાજકોટમાંથી રૂપાલા 16મીએ ફોર્મ ભરવાના છે. ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ છે. રૂપાલા ભલે 5 લાખની લીડથી જીતી જાય પણ રૂપાલાને કારણે લાખો વોટ તૂટી શકે છે. આ આંદોલન તમામ ક્ષત્રિયો સુધી પહોંચ્યું તો ભાજપ માટે ખતરો બની શકે છે.
ક્ષત્રિયોના આંદોલનથી બીજેપી પર કેટલી નકારાત્મક અસર થશે?
ભાજપના વોટ તોડવા માટે ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સોશિયલ મીડિયા પર રીતસરનું કેમ્પેઇન ચલાવીને બીજેપીને વોટ ન આપવાની હાંકલ કરવામાં આવી રહી છે. હાલમાં સોશિયલ મીડિયાના ગ્રૂપો ક્ષત્રિયોના આંદોલનથી ભરાયેલા છે. હવે આ વિવાદનો ઉકેલ ન આવ્યો તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન થવાની પૂરી સંભાવના છે. સીઆર પાટીલ લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતવા માટે 50થી 55 લાખ મત વધારવાનો ટાર્ગેટ મૂકી રહ્યાં છે પણ આ આંદોલન સરકારના હાથમાંથી નીકળી ગયું તો અંદાજિત 50 લાખ વોટનો ભાજપને ફટકો પડશે. ભાજપે લોકસભામાં 2.30 કરોડ મતનો ટાર્ગેટ મૂક્યો છે.
ગત વિધાનસભામાં ભાજપને 1.67 કરોડ, આપને 40 લાખ અને કોંગ્રેસને 80 લાખ મત મળ્યા હતા. ક્ષત્રિયો ભાજપની કમિટેડ વોટબેંક ગણાય છે. જો ગુજરાતના ક્ષત્રિય સમાજના 75 લાખમાંથી 50 લાખ મતો પણ ભાજપ વિરોધી પડ્યા તો કોંગ્રેસ અને આપના ગઠબંધન વચ્ચે આ આંકડો ભાજપની નજીક પહોંચી જશે. જણાવી દઇએ કે, ભાજપને 26માંથી કોઈ પણ બેઠકમાં હરાવવા માટે ક્ષત્રિયો પાસે પૂરતી વોટબેંક નથી પરંતુ તેમના સાથે અન્ય એકાદ સમાજનો ટેકો રહ્યો તો બીજેપી માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે.
પાછલા કેટલાક વર્ષોથી બીજેપીની વોટબેંક રહેલ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં તો છે પરંતુ તેમની લડાઇ ખુબ જ અઘરી છે. ક્ષત્રિય સમાજને પોતાના સમાજની સાથે-સાથે અન્ય કેટલાક સમાજને પણ પોતાની સાથે આવવા માટે મનાવવા પડશે. ઉલ્લેખનિય છે કે, નાઇ સમાજ અને બ્રહ્મ સમાજે ટેકો આપ્યા છે. પરંતુ તે પૂરતું નથી. આજે બીજેપી સામે ક્ષત્રિય સમાજ એકલો પડી ગયો છે, તેથી તેને એકાદ મોટા સમાજનો સાથ મળે તો બીજેપીને નમતું જોખવું પડી શકે તેમ છે. ઉલ્લેખનિય છે કે, ક્ષત્રિય સમાજની નારાજગીથી ચોક્કસ રીતે ગુજરાત લોકસભાના પરિણામ ઉપર અસર પડવાની છે પરંતુ હાર-જીત નક્કી થઇ શકે તેમ નથી.
બીજેપી હાઇકમાનનો હુકમ… ભલે કોઈ પણ સમાજ નારાજ થાય
ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર પાટીદાર સમાજનો દબદબો રહેલો છે. પાટીદાર આંદોલન સમયે અનેક પાટીદાર યુવકો સામે કેસ અને કેટલાક યુવકોના મૃત્યુ થયા હોવાના કારણે કેટલાક પાટીદારએ ભાજપ સાથેનો પોતાનો છેડો ફાડી નાંખ્યો હતો. પરંતું હવે બીજેપી એવું માની રહી છે કે, ક્ષત્રિય આંદોલનના કારણે લેઉવા અને કડવા મતબેંક ફરીથી એક થઇને બીજેપીના સપોર્ટમાં ઉતરશે. જો એવું થાય છે તો ભાજપની સ્થિતિ મજબૂત થઇ જશે. તેથી ભાજપ ક્ષત્રિય સમાજની માંગને અને તેમના આંદોલનને મહત્વ આપી રહી નથી. ઝી ન્યૂઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાઈકમાન્ડમાંથી સૂચના છે કે રૂપાલાની ટિકિટ નહીં કપાય ભલે કોઈ પણ સમાજ નારાજ થાય…
હવે સ્થિતિ એવી છે કે પાટીદારોને નજીક લાવવામાં ભાજપ ક્ષત્રિયોની કમિટેડ વોટબેંકને નજર અંદાજ કરી રહી છે. હાલમાં આ આંદોલન ગુજરાત પુરતું છે પણ આ આંદોલન વકર્યું તો દેશના 22 કરોડ ક્ષત્રિયોને સીધી અસર કરશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતની ખેડા, આણંદ પર ક્ષત્રિય અને ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. આ સિવાય ગુજરાતની 5 બેઠકો પર ક્ષત્રિય સમાજના 5થી લઈને 15 ટકા મતો છે. ગુજરાતમાં વિકાસના રાજકારણને બદલે હાલમાં જ્ઞાતિવાદનું રાજકારણ હાવી થઈ રહ્યું છે.
મહત્વપૂર્ણ બાબત તે છે કે, બીજેપી સરકારને ગળા સુધી વિશ્વાસ છે કે, વિભિન્ન પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલો રાજપૂત સમાજ ક્યારેય એક થવાનો નથી. તો બીજી તરફ કોઈ અન્ય મોટો સમાજ પણ રાજપૂત સમાજને સપોર્ટ કરે તેવું તેમને લાગતું નથી. તેથી એકલો પડેલા રાજપૂત સમાજની માંગને નજર અંદાજ કરીને કમિટેડ વોટબેંકને તરછોડી દેવામાં આવી રહી છે. સ્પષ્ટ રૂપે બીજેપી પોતાના નફા-નુકશાન તરફ જોઈ રહી છે. ભલે ભૂતકાળમાં રાજપૂત સમાજે બીજેપી માટે ગમે તેટલા બલિદાન આપેલા રહ્યા પરંતુ હાલમાં ચૂંટણી જીતીને સત્તા મેળવવી જ પ્રથમ લક્ષ્ય છે. તેથી બીજેપીને વર્તમાન સમયમાં પાટીદારોને ગળે લગાવવામાં નફો દેખાઈ રહ્યો છે અને રાજપૂત સમાજને દૂર રાખવામાં જ ભલાઇ દેખાઇ રહી છે.
રાજપૂત સમાજ બીજેપી સામે લડવા માટે અક્ષમ
અંગ્રેજો શિખવાડતા ગયા છે કે, ભાગલા પાડો અને રાજ કરો… રાજપૂત સમાજ સાથે પણ અત્યાર કંઇક એવું જ થઇ રહ્યુ છે. એક સમય હતો કે, રાજપૂત સમાજની એકતા અખંડ હતી. પરંતુ વર્તમાન સમયમાં રાજપૂત અનેક પેટાજ્ઞાતિઓમાં વહેંચાઇ ગયો છે. તેથી તે બીજેપી સામે લડવા માટે અસમર્થ હોય તેવું દેખાઈ રહ્યુ છે. પરંતુ જો બળવાન બીજેપી સાથે બાથ ભીડવી હોય તો સમાજને એક થવું પડશે. બીજેપીને નુકશાનનો અહેસાસ થશે ત્યારે જ તેઓ સમાજની વાત સાંભળવા માટે તૈયાર થશે.
રાજ્યમાં પાટીદાર સમાજ 17 ટકા વોટબેંક સાથે રાજકીય રીતે સૌથી મજબૂત સમાજ છે. રૂપાલા કડવા પાટીદાર છે. ભાજપને ડર છે કે રૂપાલાને હટાવવા જતાં પાટીદાર સમાજ નારાજ થશે. હાલમાં ચાલતું આંદોલન ગરાસિયા સહિત કેટલાક અન્ય ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
ગુજરાતમાં રાજપૂત સમાજની વાત કરવામાં આવે તો કારડિયા રાજપૂતોની સંખ્યા ભાવનગર, અમરેલીથી લઈને સૌરાષ્ટ્રમાં છે. કાઠી દરબારો જસદણથી લઈને વીંછિયા સુધીમાં પ્રસરેલા છે. નાડોદા રાજપૂત સમાજ વઢિયાળ પ્રાંતમાં વિરમગામથી લઈને પાટણ સુધી ફેલાયેલો છે. ઉત્તર ગુજરાતથી લઈને ખેડા, આણંદમાં પાલવી રાજપૂતો અને મધ્યમાં બારૈયા દરબારોનો દબદબો જોવા મળી રહ્યો છે.
જો ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ એક થાય તો ભાજપને પાણી પીવડાવી શકે છે. ગુજરાતના દરેક જિલ્લામાં 10થી 15 હજારથી લઈને 40થી 50 હજાર વોટબેંક ક્ષત્રિય સમાજની છે. હાલમાં ચાલી રહેલા આંદોલનમાં કેટલાક રાજપૂત સમાજ હજુ સક્રિય નથી. ઉત્તર ગુજરાતના રાજપૂતો પોતે જ સક્રિય નહોવાના કારણે બીજેપી પોતાની મનમાની કરી રહી છે. જેઓ ભાજપ સાથે જોડાયેલા છે. આ આંદોલન એમની સુધી પહોંચ્યું પણ નથી, જો હાલની સંકલન સમિતી દરેક રાજપૂત સમાજના મોભીઓ સુધી પહોંચી અને આંદોલનને જગાડે તો આગામી લોકસભામાં મોટા સમીકરણો બદલાઈ શકે છે.
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વકરતું જાય છે. ભાજપ 26માંથી 12 બેઠકો પર દબદબો ધરાવતા પાટીદાર સમાજના રૂપાલાને રાજકોટથી લડાવવાના મૂડમાં છે ત્યાં આ આંદોલન દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આજે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આ મામલાનો જલદી ઉકેલ આવશે તેવી બાંહેધરી આપી છે પણ ક્ષત્રિયોનો વિવાદ દેશમાં પહોંચ્યો તો 22 કરોડ મતદારો સુધી આ મામલો પહોંચશે
Advertisement