મોહાલીમાં ગઈકાલે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં પાંચ વિકેટે જીત બાદ ભારત ક્રિકેટના ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ મેચ, વન-ડે અને ટી-20- માં નંબર વન રેન્ક પર પહોંચી ગયું છે. વનડે ફોર્મેટમાં ભારતે પાકિસ્તાન પાસેથી આ સ્થાન છીનવી લીધું છે, જ્યારે ટી-20માં ભારતે ઈંગ્લેન્ડ પાસેથી આ સ્થાન ખૂંચવી લીધું છે. ભારત ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને નંબર વન બની ગયું છે.
Advertisement
Advertisement
આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત ક્રિકેટ ટેસ્ટ, વન-ડે અને ટી-20માં ટોચના રેન્ક પર પહોંચી ગયું છે. તેમણે ઉમેર્યું કે વર્લ્ડ કપ અગાઉ આ સિદ્ધિ ટીમની શ્રેષ્ઠતા અને સખત મહેનત દર્શાવે છે.
મોહાલી વન-ડેમાં ભારતનો 5 વિકેટે વિજય
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે મોહાલીમાં ત્રણ વનડે મેચની સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સમક્ષ વિજય માટે 277 રનનું લક્ષ્ય મૂક્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 276 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમી ભારત તરફથી સફળ બોલર રહ્યો હતો. શમીએ 10 ઓવરમાં 51 રન આપીને ઓસિની પાંચ વિકેટ ઝડપી હતી. મોહમ્દ શમીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ પણ મેળવી લીધી છે.
277 રનના વિજયલક્ષ્યનો પીછો કરવા ઉતરેલા ભારત તરફથી શુબ્મન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે સારી શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર માત્ર 63 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝડપી 74 રન નોંધાવ્યા હતા. ગિલે 37 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જ્યારે ગાયકવાડ 10 ચોગ્ગાની મદદથી 71 રનની શાનદાર ઇનિંગ રમ્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવે 50 રન અને કેએલ રાહુલે અણનમ 58 રન બનાવ્યા હતા. ભારતે 48.4 ઓવરમાં 5 વિકેટે 281 રન નોંધાવીને આ મેચ જીતી લીધી હતી.
બીજી વન-ડેમાં વરસાદની શક્યતા
ભારત – ઓસ્ટ્રેલિયા વન-ડે ક્રિકેટ સિરિઝની બીજી વન-ડે આવતીકાલે 24 સપ્ટેમ્બરને રવિવારે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જોકે આ મેચ વરસાદના કારણે પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજના સમયે વરસાદ પણ થઇ શકે છે.
Advertisement