કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી એશિયા કપની સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. સુપર-4 રાઉન્ડમાં ભારતની આ બીજી મેચ હતી. આ સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ભારતનો મુકાબલો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે 17 સપ્ટેમ્બરે રમાનારી ફાઈનલમાં થશે. જો કે આ અગાઉ ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે.
Advertisement
Advertisement
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા હતા અને જવાબમાં શ્રીલંકાની ટીમ 172 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 49.1 ઓવરમાં 213 રન નોંધાવ્યા હતા. 214 રનના વિજયલક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતની ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન નોંધાવ્યા હતા. કે એલ રાહુલે 39 રન અને કિશને 33 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી ડુનિથ વેલાલેગે પાંચ અને ચારિથ અસલંકાએ ભારતની ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાએ એક તબક્કે 99 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ડ્યુનિથ વેલાલાગે અને ધનંજય ડી સિલ્વા વચ્ચે સાતમી વિકેટ માટે 50 રનની ભાગીદારી થતાં શ્રીલંકાની ટીમ મેચમાં પાછી ફરી હતી. ભારતીય બોલરો પર દબાણ વધી ગયું હતું. જોકે, ભારતીય બોલરો આ વધતી ભાગીદારીને તોડવામાં સફળ રહ્યા હતા. વેલાલેગે સૌથી વધુ 42* રન બનાવ્યા હતા. ધનંજય ડી સિલ્વાએ 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી.
એશિયા કપની ફાઈનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચના વિજેતા સાથે થાય તેવી શક્યતા છે. જો કે વરસાદને કારણે આ મેચ રદ્દ થાય તો સમીકરણો બદલાઈ શકે છે. પરંતુ, બાંગ્લાદેશની ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને ફાઈનલમાં ભારતીય ટીમનું સ્થાન નિશ્ચિત છે.
Advertisement