ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, 22 સપ્ટેમ્બરથી ત્રણ વનડે મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ વન ડેમાં બંને ટીમો મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ભારત પાસે વનડેમાં ટોપ રેન્કિંગ ટીમ બનવા માટે સારી તક છે. ટીમ ઈન્ડિયા પ્રથમ વન ડે જીતશે તો તે બાબર આઝમના સુકાનીપદ હેઠળની પાકિસ્તાની ટીમને પાછળ પાડીને વન ડે રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી જશે. દરમિયાન, ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે.
Advertisement
Advertisement
ભારત પાસે આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સહિત ઘણાં સ્ટાર ખેલાડીઓ નથી. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ શ્રેણી શ્રેયસ અય્યર માટે પણ વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પરત ફરવાની એક તક છે. એશિયા કપમાં શાનદાર ફોર્મમાં રહેલા જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ભારતની બોલિંગનું નેતૃત્વ કરશે.
બીજી તરફ, દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા પુનરાગમન કરવા માંગશે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ સતત ત્રણ મેચમાં 100 કરતાં વધુ રનના તફાવતથી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમને શ્રેણીની પ્રારંભિક મેચ માટે ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્કની સેવા નહીં મળે. કાંડાના ફ્રેક્ચરને કારણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ન રમનાર પેટ કમિન્સ મેદાન પર પાછો ફરવા માટે તૈયાર છે.
મોહાલીમાં વરસાદની કેટલી સંભાવના ?
શુક્રવારે મોહાલીમાં વરસાદની કોઈ શક્યતા નથી. રમત માટે સંજોગો અનુકૂળ રહેશે અને સ્વચ્છ આકાશ અને સૂર્યપ્રકાશ સાથેનો દિવસ મોહાલીમાં ટીમોનું સ્વાગત કરશે. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 13 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે ખેલાડીઓ માટે આરામદાયક હવામાન બનશે. જો કે, ભેજ 80ના ઉચ્ચ સ્તરે રહેશે. મેચ શરૂ થતાં સુધીમાં આકાશ સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે.
Advertisement