ICC એ ભારતમાં આ વર્ષે યોજાનાર ICC મેન્સ વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. તે પ્રમાણે 46 દિવસ દરમિયાન 10 ટીમો વચ્ચે કુલ 48 મેચ રમાશે. આ ટુર્નામેન્ટ આગામી 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ટીમો 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. જ્યારે ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે થશે. ડ્રાફ્ટ શેડ્યૂલમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે.
Advertisement
Advertisement
આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. તેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝિલેન્ડ, સાઉથ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટ માટે આઠ ટીમો અગાઉથી જ ક્વોલિફાય થઈ ગઈ છે. બાકીના બે સ્થાન માટે ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર રાઉન્ડ રમાઈ રહ્યો છે. તેમાં છ ટીમો સુપર સિક્સમાં જગ્યા બનાવી રહી છે. તેમાંથી બે ટીમ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં ભાગ લેશે. હાલમાં પ્રથમ બે વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાની અણી પર છે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની મુખ્ય રાઉન્ડમાં રમવાની શક્યતા સૌથી વધુ છે. 9 જુલાઈએ જ વિશ્વકપમાં સામેલ થનારી બાકીની બે ટીમો પણ નક્કી થઈ જશે.
આ વર્લ્ડ કપમાં તમામ ટીમો બાકીની નવ ટીમો સાથે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે. તેમાંથી, પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેનારી ચાર ટીમો સેમિફાઈનલમાં સ્થાન મેળવશે. તેમાં વિજેતા થનારી ટીમો ફાઇનલમાં ટકરાશે.
ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 12 નવેમ્બરે રમાશે. તે પછી, સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈ અને 16 નવેમ્બરે કોલકાતામાં યોજાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. બંને સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે 20 નવેમ્બર ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રહેશે. તમામ નોકઆઉટ મેચો ડે-નાઈટ મેચ હશે અને સ્થાનિક સમય મુજબ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
આ ટુર્નામેન્ટની મેચો કુલ 10 મેદાનો પર યોજાશે. તેમાં હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચની યજમાની કરશે.
Advertisement