અમેરિકાના ફ્લોરિડાના લૌડરહિલ ખાતે રમાયેલી પાંચમી અને નિર્ણાયક T20 મેચમાં ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને બેટિંગ લીધા બાદ ભારતે વિન્ડીઝને વિજય માટે 166 રનનું લક્ષ્ય આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને આસાનીથી તે હાંસલ કરી લીધું હતું. મેચમાં ઘણી વખત વરસાદને લીધે વિક્ષેપ થયો હતો. રોવમેન પોવેલના નેતૃત્વમાં વિન્ડિઝની ટીમે પાંચ મેચની T20 શ્રેણી 3-2થી જીતીને ઈતિહાસ રચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝે 17 વર્ષમાં પ્રથમ વખત ભારત સામે સિરીઝ જીતી છે. રોમારિયો શેફર્ડને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે નિકોલસ પૂરનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.
Advertisement
Advertisement
આ પહેલા ભારતે ટોસ જીતીને બેટિંગ લેતાં નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 165 રન નોંધાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 45 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમી હતી. તિલક વર્માએ 18 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. તિલકે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ બે સિવાય કોઈપણ ભારતીય ખેલાડી 15 રનનો આંક પાર કરી શક્યો ન હતો. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે નિરાશાજનક શરૂઆત કરી હતી. ત્રીજી ઓવર સુધી યશસ્વી જયસ્વાલ (5) શુભમન ગિલ (9) પેવેલિયન પરત ફર્યા હતા. સૂર્યા અને તિલકે ત્રીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરીને ભારતને 60 રનને પાર પહોંચાડ્યું હતું. .
સંજુ સેમસન (13) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (14) પણ કંઈ ખાસ દેખાવ કરી શક્યા ન હતા. સૂર્યા 18મી ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. અર્શદીપ સિંહ (8) અને કુલદીપ યાદવ (0) રને આઉટ થયા હતા. અક્ષર પટેલ (13) છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે રોમારિયો શેફર્ડે ચાર જ્યારે અકીલ હુસૈન અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતે જોરદાર વાપસી કરી હતી. ભારતે શનિવારે ચોથી T20 મેચ 9 વિકેટે જીતી લીધી હતી પરંતુ ભારતીય ટીમને પાંચમી અને નિર્ણાયક મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
166 રનના વિજયલક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ કાયલ મેયર્સ (10) અર્શદીપનો શિકાર બન્યો હતો. તે પછી બ્રાન્ડન કિંગ અને નિકોલસ પૂરને ઇનિંગ સંભાળી હતી અને બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી નોંધાવી હતી. પુરને 1 ચોગ્ગો અને 4 છગ્ગા સાથે 35 બોલમાં 47 રન બનાવ્યા હતા. 14મી ઓવરમાં તિલક વર્માએ પુરનને આઉટ કર્યો હતો. તે પછી કિંગ અને શાઈ હોપે 52 રનની અણનમ ભાગીદારી નોધાવી હતી. કિંગ 55 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 85 રન જ્યારે હોપ 13 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 22 રને અણનમ રહ્યો હતો.
Advertisement