પ્રવાસી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ T20 મેચની શ્રેણીની ત્રીજી મેચમાં વિજય મેળવીને ભારતે શ્રેણી જીવંત રાખી છે. ગયાના ખાતે રમાયેલી ત્રીજી T20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું હતું. 44 બોલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 83 રન ફટકારનારા સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં જબરદસ્ત વાપસી કરી છે. હાલ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં 2-1થી આગળ છે. બન્ને ટીમો વચ્ચે શ્રેણીની ચોથી T20 મેચ શનિવારે રમાશે.
Advertisement
Advertisement
ટોસ જીતીને ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 159 રન બનાવ્યા હતા. વિન્ડિઝ માટે બ્રાન્ડન કિંગે 42 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 42 રન નોંધાવ્યા હતા. જ્યારે કાયલ મેયર્સે 20 બોલમાં 25 રન, જોન્સન ચાર્લ્સે 14 બોલમાં 12 રન અને નિક્લસ પૂરને 12 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રોવમેન પોવેલે 19 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 40 રનની આક્રમક ઇનિંગથી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 150 રનની પાર પહોંચાડ્યો હતો. શિમરોન હેટમાયર નવ રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
વિજય માટે 160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 34 રનના સ્કોરે બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ એક અને શુબમન ગિલ છ રન નોંધાવીને આઉટ થયા હતા. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ત્રીજી વિકેટ માટે 51 બોલમાં 87 રનની મહત્ત્વની ભાગીદારી નોંધાવીને ભારતના વિજયનો પાયો નાખ્યો હતો.
સૂર્યા 44 બોલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 83 રનની ઝડપી અને આક્રમક ઈનિંગ રમીને અલ્ઝારી જોસેફની બોલિંગમાં બ્રાન્ડન કિંગના હાથે કેચઆઉટ થયો હતો. તિલક 37 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 49 રન નોંધાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં એક ફોર અને એક સિક્સર સાથે 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને વિજય લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલઝારી જોસેફે ભારતની બે વિકેટ ઝડપી હતી.
Advertisement