ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટ્રિનિદાદમાં રમાયેલી વન – ડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે 200 રને શાનદાર વિજય મેળવ્યો હતો. શુબમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે ઈશાન કિશન પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યા હતા. આ શ્રેણીના વિજય સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી વનડે સીરિઝ જીતી છે.
Advertisement
Advertisement
ભારતે 5 વિકેટે 351 રન નોંધાવ્યા
ટ્રિનિદાદમાં રમાયેલી શ્રેણીની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 351 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી ચાર બેટ્સમેનો શુબમન ગિલ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને સંજુ સેમસને અડધી સદી ફટકારી હતી. શુબ્મન ગિલે 11 ચોગ્ગા સાથે 85 રન બનાવ્યા હતા અને ઓપનર ઇશાન કિશન સાથે 143 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. કિશન 64 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે આક્રમક 77 રન ફટકારીને આઉટ થયો હતો. ગિલે મીડલ ઓવર્સમાં સંજુ સેમસન સાથે 69 રનની ભાગીદારી નોંધાવી હતી. સેમસન 41 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ઝડપી અડધી સદી પૂરી કર્યા પછી અંગત 51 રને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 30 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 35 રન નોંધાવીને આઉટ થયો હતો. તે સમયે ભારતનો સ્કોર 5 વિકટે 309 રન થયો હતો. હાર્દિક પંડ્યાએ 52 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 70 અને રવિન્દ્ જાડેજા 8 રને અણનમ રહ્યા હતા.
વિન્ડિઝની ઈનિંગ 151 રને સમેટાઈ
352 રનના વિજયલક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝની શરૂઆત સારી રહી ન હતી. કુલ 1 રનના સ્કોરે વિન્ડિઝે ઓપનર બ્રેન્ડન કિંગની વિકેટ ગુમાવી હતી. તે પછી તેની વિકેટો ટપોટપ પડતી જ રહી હતી. વિન્ડિઝની ટીમ 35.3 ઓવરમાં 151 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. વિન્ડિઝ તરફથી ગુડાકેશ મોટીએ 39, એલિક એથેન્ઝે 32 અને અલ્ઝારી જોસેફ 26 રન નોંધાવ્યા હતા.
ભારત તરફથી મુકેશ કુમારે વેધક બોલિંગ કરીને ટોચના બેટ્સમેનોને પેવેલિયન ભેગાં કરી દીધાં હતા. પટેલે સાત ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે પણ 6.3 ઓવરમાં 37 રન આપીને ચાર વિકેટ અને કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી, જ્યારે જયદેવ ઉનડકટે વિન્ડિઝની એક વિકેટ લીધી હતી.
ભારતે 13મી વનડે સીરિઝ જીતી
વેસ્ટ ઈન્ડિઝ પર ભારતીય ટીમનું છેલ્લાં 16 વર્ષથી એકતરફી વર્ચસ્વ ચાલી રહ્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમે નિર્ણાયક મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રને હરાવી સીરિઝ 2-1થી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં ભારતની આ બીજી મોટી જીત છે. આ પહેલા ભારતે 2018માં વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી હરાવ્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે જીતેલી છેલ્લી 13 ODI સીરીઝમાં 6 વખત વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ભૂમી પર 7 વખત હરાવ્યું છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી વનડે સીરિઝ જીતી છે જે એક જ ટીમ સામે સતત સૌથી વધુ વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ છે.
Advertisement