પ્રવાસી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના રોસેઉ ખાતે રમાઈ રહી છે. ગઈકાલે પ્રથમ દિવસની રમતના અંતે ભારતે તેની પ્રથમ ઈનિંગમાં વિના વિકેટે 80 રન નોંધાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને નવોદિત યશસ્વી જયસ્વાલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ દાવના આધારે ભારત વિન્ડીઝ કરતાં માત્ર 70 રન પાછળ છે. રોહિત 30 રને અને યશસ્વી 40 રને ક્રિઝ પર છે.
Advertisement
Advertisement
આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. જોકે, રવિચંદ્રન અશ્વિનની આગેવાની હેઠળ બોલરોના પ્રભાવશાળી દેખાવને કારણે વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. અશ્વિને 24.3 ઓવરમાં 60 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જ્યારે સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 14 ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વિન્ડીઝ તરફથી બ્રેથવેઈટ અને ટી ચંદ્રપૌલે ઈનિંગની શરૂઆત કરી હતી.
જોકે, 31 રનના સ્કોરે અશ્વિનની બોલિંગમાં ટી ચંદ્રપૌલ 12 રન નોંધાવીને બોલ્ડ થતાં વિન્ડીઝે પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે પછી કુલ 38 રનના સ્કોરે બ્રેથવેઈટ અંગત 20 રને રોહિત શર્માના હાથે કેચઆઉટ થતાં યજમાન ટીમની બીજી વિકેટ પડી હતી. વિન્ડીઝે માત્ર 76 રને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, છઠ્ઠી વિકેટ માટે એથેનેઝ અને હોલ્ડર વચ્ચે 41 રનની મહત્ત્વની ભાગીદારી નોંધાઈ હતી. એથેનેઝ અડધી સદી ચૂક્યો હતો અને 47 રને અશ્વિનની બોલિંગમાં ઠાકુરના હાથે કેચઆઉટ થયો હતો. તે પછીના બેટ્સમેનો ટપોટપ આઉટ થતાં વિન્ડીઝની પ્રથમ ઈનિંગ 150 રેન સમેટાઈ ગઈ હતી.
33મી વખત અશ્વિનની પાંચ વિકેટ
અશ્વિને 33મી વખત ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. અશ્વિને 24.3 ઓવરમાં 60 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ દરમિયાન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 700 વિકેટ પૂરી કરી હતી. અનિલ કુંબલે (956) અને હરભજન સિંહ (711) પછી આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય બોલર બન્યો છે. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 271 મેચમાં 702 અને 351 ઇનિંગ્સમાં 702 વિકેટ ઝડપી છે.
Advertisement