એશિયા કપ – 2023ના સુપર 4 રાઉન્ડમાં ગઈકાલે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રોકાઈ ગઈ હતી. તેને લીધે રવિવારે આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ACC એ પહેલાથી જ આ મેચ માટે રિઝર્વ ડે નક્કી કર્યો હતો. આ સ્થિતિમાં આજે આ મેચ પૂર્ણ થશે. જોકે, ચિંતાની વાત એ છે કે આજે પણ કોલંબોમાં વરસાદની આગાહી છે. હવામાન અંગેની વેબસાઈટ્સમાં સોમવારે વરસાદની 90 ટકાથી વધુ શક્યતા દર્શાવાઈ છે.
Advertisement
Advertisement
અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. 24.1 ઓવરની રમત પછી વરસાદે ભારતીય ઈનિંગમાં વિઘ્ન ઉભું કર્યું હતું. તે પછી એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. ક્રિકેટચાહકોને આશા છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો આનંદ માણી શકશે. આ મેચ બપોરે ત્રણ વાગ્યે આગળ રમાડવામાં આવશે.
ગઈકાલે રમત જ્યાંથી અટકી હતી ત્યાંથી આગળ શરૂ થશે. ભારતે રવિવારે 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન નોંધાવ્યા હતા. વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રને અણનમ છે. આ બંને આજે ભારતીય ઈનિંગને આગળ ધપાવશે. અગાઉ રોહિત શર્મા 56 રન અને શુબ્મન ગિલ 58 રન નોંધાવીને આઉટ થયાં હતા. પ્રથમ વિકેટ માટે બન્ને વચ્ચે 16.4 ઓવરમાં 121 રનની ભાગીદારી થઈ હતી. જોકે, તો પછી માત્ર બે રનના ગાળામાં બન્ને આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાનના બોલરો શાહીન અને શાદાબને એક-એક વિકેટ મળી હતી.
મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે
વરસાદના કારણે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં આજે તે મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રિઝર્વ ડે પર રમવાની સ્થિતિ સામાન્ય દિવસો જેવી હશે. જો કે, મેચનું પરિણામ જાણવા માટે, બંને ઇનિંગ્સમાં 20 ઓવર થઈ હોવી આવશ્યક છે. મેચ બપોરે 3 વાગ્યે જ શરૂ થશે.
સુપર ફોરમાં પોઈન્ટ ટેબલની સ્થિતિ
સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન એક મેચમાં બે પોઈન્ટ અને +1.051 નેટ રન રેટ સાથે ટોચ પર છે. શ્રીલંકા એક મેચમાં બે પોઈન્ટ અને +0.420 નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. બંને મેચ હાર્યા બાદ ભારત ત્રીજા સ્થાને અને બાંગ્લાદેશ ચોથા સ્થાને છે.
Advertisement