એશિયા કપ 2023ના સુપર-4માં આજે રવિવારે (10 સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મુકાબલો થશે. આ સ્ટેડિયમમાં 2004 પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે ક્રિકેટ મેચ રમાશે.
Advertisement
Advertisement
રિઝર્વ ડેની વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે આ મેચ માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ વરસાદને કારણે મેચ આજે પૂરી ન થાય તો તેના માટે સોમવારનો દિવસ પણ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. તેથી રવિવારે મેચ રમાય અને વરસાદને લીધે જ્યાં અટકી હશે ત્યાંથી બીજા દિવસે મેચ આગળ રમાશે.
ભારતીય સમય અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની સુપર-4 મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 2.30 કલાકે થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ – 2023 ટૂર્નામેન્ટની આ બીજી મેચ હશે. 2 સપ્ટેમ્બરે ગ્રુપ રાઉન્ડમાં રમાયેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. તે મેચમાં ભારતીય ટીમને બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ પાકિસ્તાની બેટ્સમેનો ક્રિઝ પર પણ આવી શક્યા ન હતા. વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ જ શરૂ થઈ શકી ન હતી.
સુપર-4માં પાકિસ્તાન એક મેચ જીત્યું છે
પાકિસ્તાનની ટીમે સુપર-4માં એક મેચ રમી છે. પાકિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. તેની નજર સતત બીજી જીત પર રહેશે. આ સાથે જ સુપર-4માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હશે.
છેલ્લે જ્યારે બંને ટીમો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં એકબીજા સામે રમી હતી ત્યારે એશિયા કપની મેચમાં જ પાકિસ્તાને 59 રને જીત મેળવી હતી. તે સમયે સૌરવ ગાંગુલી અને ઈન્ઝમામ ઉલ હક પોતપોતાની ટીમના કેપ્ટન હતા. આ સિવાય 1994માં એક મેચ અનિર્ણિત રહી હતી.
Advertisement