બર્મિંગહામના એજબાસ્ટનમાં રમાયેલી એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટની પાંચમા અને અંતિમ દિવસની રમતમાં પેટ કમિન્સ અને નાથન લિયોન વચ્ચે થયેલી નવમી વિકેટ માટે 54 રનની અણનમ ભાગીદારીને લીધે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે 2 વિકેટે રોમાંચક જીત મેળવી હતી. ઓસિએ સીરિઝમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં 141 અને બીજી ઈનિંગમાં 65 રન ફટકારનારા ઉસ્માન ખવાજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.
Advertisement
Advertisement
ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગમાં આવીને પ્રથમ ઈનિંગમાં 8 વિકેટે 393 રને ઈનિંગ ડિકલેર્ડ કરી હતી.જેમાં જો રુટના અણનમ 118, બેરિસ્ટોના 78 અને ક્રોલીના 61 રન મુખ્ય હતા. તેની સામે ઓસિએ પ્રથમ ઈનિંગમાં 386 રન નોંધાવ્યા હતા. તેમાં ખવાજાના 141, એલેક્સ કેરીના 66 અને હેડના 50 રન મુખ્ય હતા. જ્યારે પેટ કમિન્સ અને ગ્રીન બન્નેએ 38-38 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગના આધારે માત્ર 7 રનની સરસાઈ મળી હતી.
બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 273 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમમાંથી એક પણ બેટ્સમેન અડધી સદી સુદ્ધાં નોંધાવી શક્યો ન હતો. સ્કોરમાં રુટ અને હેરી બ્રૂકના 46-46 અને સ્ટોક્સના 43 રન મુખ્ય હતા.
ઈંગ્લેન્ડે ટેસ્ટ વિજય માટે ઓસિને 281 રનનું લક્ષ્ય આપ્યું હતું. તેનો પીછો કરતાં ઓસિએ એક તબક્કે 227 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. વિજયની ઓસિની આશા ધૂંધળી બની ગઈ હતી. પરંતુ, પેટ કમિન્સ અને નાથન લિયોને નવમી વિકેટ માટે 54 રનની અણનમ ભાગીદારી નોંધાવીને ઓસિને બે વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો. કમિન્સે 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 44 રન જ્યારે લિયોને 2 ચોગ્ગા સાથે અણનમ 16 રન નોંધાવીને કમિન્સને સાથ આપ્યો હતો.
Advertisement