લંડનઃ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ છે. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓસિએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે. ઓસિએ લંચ સમયે 23.1 ઓવરમાં એક વિકેટે 73 રન નોંધાવ્યા છે. આ સ્કોરે જ ઉસમાન ખવાજા અંગત 17 રન નોંધાવીને જોશ ટંગની બોલિંગમાં બોલ્ડ થતાં ઓસિની પહેલી વિકેટ પડી હતી. ડેવિડ વોર્નર 53 રને ક્રિઝ પર છે. આ સીરિઝમાં ઓસિ 1 – 0થી આગળ છે.
Advertisement
Advertisement
બેરસ્ટોએ દેખાવકારને મેદાન બહાર કર્યો
જોકે, મેચની શરૂઆત સાથે જ જસ્ટ સ્ટોપ ઓઈલનો એક દેખાવકાર બીજી ઓવરની શરૂઆત પહેલા મેદાનમાં ઘૂસી ગયો હતો. મેચ રમાતી હોય ત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવા દેખાવકારો અવારનવાર દોડી આવતા રહે છે. તે સંજોગોમાં મેચ રમતાં ખેલાડીઓ તેમનાથી દૂર જ રહેતા હોય છે. સુરક્ષાકર્મીઓ જ આવા દેખાવકારોને પકડીને મેદાનની બહાર લઈ જાય છે. જોકે, આ વખતે તો કંઈક અલગ જ જોવા મળ્યું. ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેરસ્ટોએ તે દેખાવકારને ઊંચકી લીધો. તેને લઈને તે સીધા જ મેદાન બહાર જતા રહ્યા હતા. આ કારણે મેચ લાંબા સમય સુધી અટકાવી દેવામાં આવી હતી.
દેખાવકારના હાથમાં કેસરી રંગનો પાવડર પણ હતો. તેણે તે પાવડર બેરસ્ટો પર ફેંક્યો, જેના કારણે બેરસ્ટોના કપડાં ખરાબ થઈ ગયા. કપડાં બદલવા માટે બેરસ્ટો ડ્રેસિંગ રૂમમાં પાછા ગયા. જ્યારે કેટલાક દેખાવકારોને સિક્યુરિટી સ્ટાફે ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પણ દેખાવકારોને પીચ પર જતા અટકાવતા જોવા મળ્યા હતા.
જસ્ટ સ્ટોપ ઓઈલ ગ્રુપ શું છે?
જસ્ટ સ્ટોપ ઓઇલ એ યુકેમાં પર્યાવરણીય કાર્યકર્તા જૂથ છે. તેનો ધ્યેય બ્રિટિશ સરકારને નવા ઓઈલ લાઇસન્સ જારી કરતાં અટકાવવાનો છે. આ જૂથની સ્થાપના ફેબ્રુઆરી 2022 માં કરવામાં આવી હતી. આ જૂથે એપ્રિલ 2022 માં ઈંગ્લિશ ઓઇલ ટર્મિનલ્સ પર વિરોધ દેખાવો શરૂ કર્યા હતા. તેમની વિરોધ કરવાની પદ્ધતિ બદલ આ જૂથની ટીકા કરવામાં આવે છે.
Advertisement