સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોચી ગયુ છે. ભારતે બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવીને 321 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ 120 રન બનાવીને આઉટ થયો હતો. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 66* અને અક્ષર પટેલ 52* રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 176 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતુ. ભારતે આ સાથે જ 144 રનની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટૉડ મર્ફીએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી.
Advertisement
Advertisement
બીજા દિવસે ભારતીય ઇનિંગ
પ્રથમ દિવસે અણનમ રહ્યા બાદ રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને બીજા દિવસે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી અને બન્ને વચ્ચે 104 બોલમાં 42 રનની ભાગીદારી થઇ હતી. 23 રન બનાવ્યા બાદ અશ્વિન આઉટ થયો હતો. તે પછી ભારતને ત્રણ ઝટકા લાગ્યા હતા. વિરાટ કોહલી (7), ચેતેશ્વર પૂજારા (12) અને સૂર્યકુમાર યાદવ (8) રન બનાવીને આઉટ થયા હતા.
રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માએ ભારતીય ઇનિંગને સંભાળી હતી. રોહિત શર્માએ નવમી સદી ફટકારી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ કરિયરની 18મી અડધી સદી ફટકારી હતી.
ડેબ્યૂ ટેસ્ટ મેચમાં મર્ફીએ 5 વિકેટ ઝડપી
ઓસ્ટ્રેલિયા માટે મેચમાં ડેબ્યૂ કરી રહેલા સ્પિનર ટૉડ મર્ફીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. મર્ફીએ પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી જેમાં તેને વિરાટ કોહલી, કેએલ રાહુલ, કેએસ ભરત, અશ્વિન અને ચેતેશ્વર પૂજારાને આઉટ કર્યા હતા.
22 વર્ષીય મર્ફી ભારતમાં રમતા પોતાનું ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન પાંચ કે તેથી વધારે વિકેટ લેનાર છઠ્ઠો વિદેશી બોલર બન્યો છે. આ સિવાય પેટ કમિન્સ અને નાથન લિયોનને 1-1 સફળતા મળી હતી.
કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો રોહિત શર્મા
રોહિત શર્માએ 120 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 15 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિત શર્મા પેટ કમિન્સની ઓવરમાં બોલ્ડ આઉટ થયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 9મી ટેસ્ટ સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર રોહિત શર્મા પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. વિશ્વભરના બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્મા પહેલા તિલકરત્ને દિલશાન, ફાફ ડુ પ્લેસીસ અને બાબર આઝમ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
રવિન્દ્ર જાડેજા-અક્ષર પટેલની અડધી સદી
રવિન્દ્ર જાડેજાએ બોલિંગ પછી બેટિંગમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. જાડેજાએ 114 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. જાડેજાના કરિયરની આ 18મી ટેસ્ટ અડધી સદી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાંચમી અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા સાતે આ ખેલાડીએ 61 રન અને અક્ષર પટેલ સાથે 81 રનની ભાગીદારી કરી હતી.
અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શાનદાર અડધી સદી ફટકારી હતી. નવમા નંબર પર બેટિંગ કરતા અક્ષર પટેલે 94 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી જેમાં આઠ ફોર ફટકારી હતી.
આ અક્ષરના કરિયરની બીજી ટેસ્ટ અડધી સદી છે, તેને પ્રથમ અડધી સદી ડિસેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફટકારી હતી.
Advertisement