ગુવાહાટી: ભારતે ગુવાહાટીમાં રમાયેલી ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચમાં શ્રીલંકાને 67 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલીના 113, રોહિત શર્માના 83 અને શુભમન ગિલના 70 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી.
Advertisement
Advertisement
વિરાટ કોહલીની 45મી સદી
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ બન્નેએ પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 70 રન બનાવીને આઉટ થયો હતો તે પછી રોહિત શર્મા 83 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ આ દરમિયાન 9 ફોર અને 3 સિક્સર સાથે 67 બોલમાં 83 રન બનાવ્યા હતા.
તે પછી વિરાટ કોહલીએ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને માત્ર 87 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વન ડે કરિયરની આ 45મી સદી હતી. શ્રીલંકા સામે વિરાટ કોહલીની 10મી સદી હતી. આ સાથે જ વિરાટ કોહલી વન ડેમાં સૌથી વધુ સદીના સચિન તેંડુલકર (49)ની નજીક પહોચી ગયો છે.
શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ 12 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો. શ્રીલંકા તરફથી ઓપનર બેટ્સમેન પ્રથુમ નીશાકાએ 72 રનની ઇનિંગ રમી હતી જ્યારે ધનંજય ડીસિલ્વાએ 47 રન બનાવ્યા હતા.
ભારત તરફથી ઉમરાન મલિકે સૌથી વધુ 3, મોહમ્મદ સિરાજે 1, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 1-1 સફળતા મળી હતી. અક્ષર પટેલને કોઇ વિકેટ મળી નહતી.
Advertisement