બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને અમેરિકામાં અકસ્માત નડ્યો છે. બોલિવુડ સુપર સ્ટાર શાહરુખ ફિલ્મના સેટ પર એક સીન કરી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. તેમાં શાહરૂખ ખાનને નાક પર ઈજા થઈ હતી. અભિનેતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની એક નાની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, હવે શાહરૂખ ખાનની તબિયત સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તે મુંબઈ પરત ફર્યો છે.
Advertisement
Advertisement
શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનને નાક પર ઈજા થઈ હતી, જેને લીધે લોહી નીકળવા લાગ્યું હતું. રક્તસ્રાવ રોકવા માટે ડૉક્ટરોએ સર્જરી કરવાની ફરજ પડી હતી. મિડિયા અહેવાલ મુજબ, આ ઘટના બની ત્યારે શાહરૂખ એક પ્રોજેક્ટના શૂટિંગ માટે લોસ એન્જલસમાં હતો. અહેવાલો અનુસાર, અભિનેતાની સર્જરી કરવામાં આવી હતી અને હવે તેના નાક પર પટ્ટી લગાવવામાં આવી છે. ડોક્ટરોએ ચિંતા કરવાની કોઈ વાત ન હોવાનું અને શાહરુખને થયેલી ઈજા નાની હોવાનું તેમની ટીમને કહ્યું હતું .
શાહરૂખ પોતાના ઘરે પરત ફર્યો
શાહરૂખ હવે ભારત પાછો ફર્યો છે અને પોતાના નિવાસસ્થાન મન્નતમાં આરામ કરી રહ્યો છે. શાહરૂખ ખાન ઘણાં મહિનાઓથી ફિલ્મના શૂટિંગ માટે વિદેશ અવર-જવર કરી રહ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, અને કામ માટે અભિનેતાને ઘણી જગ્યાએ જવું પડે છે.
‘પઠાણ’ બાદ ‘જવાન’થી મચાવશે ધમાલ
તમને જણાવી દઈએ કે બોલિવૂડના કિંગ ખાનની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોએ ભારે ધૂમ મચાવી છે. ‘પઠાણ’ ફિલ્મને હજુ પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આખી દુનિયામાં ‘પઠાણ’ ફિલ્મે 1000 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે. જ્યારે, તેના ચાહકો હવે ફિલ્મ ‘જવાન’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ જવાનનું ટ્રેલર આ મહિનામાં રિલીઝ થશે. ટ્રેલર 12 જુલાઈએ રિલીઝ થવાની શક્યતા છે. તેમાં સાઉથની લેડી સુપર સ્ટાર નયનતારા પણ અભિનય કરી રહી છે. ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. થોડા સમય પછી, શાહરૂખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં પણ જોવા મળશે, જેમાં તેની સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ જોવા મળશે.
Advertisement