મુંબઈઃ એટલી કુમાર દ્વારા નિર્દેશિત બોલિવૂડ ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ જબરદસ્ત કમાણી કરી રહી છે. જેના કારણે તે દરરોજ કોઈકને કોઈક રેકોર્ડ તોડી રહી છે અને નવો રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. સામાજિક સંદેશ સાથે બનેલી આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે પસંદ કરવામાં આવી રહી છે તેમાં કોઈ શંકા નથી.
Advertisement
Advertisement
માસ એન્ટરટેઇનર આ ફિલ્મ શાહરૂખ ખાનનો એટલી સાથેનો માત્ર પ્રથમ સહયોગ નથી, પરંતુ નયનતારા અને વિજય સેતુપતિ પણ પહેલી વખત કિંગ ખાન સાથે સ્ક્રીન શેર કરી રહ્યાં છે.
‘જવાન’ની સફળતાને કારણે બોક્સ ઓફિસ પર મોટી મોટી ફિલ્મોનો જાદુ પણ ઓસરી રહ્યો છે. આ ફિલ્મે શનિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર 68.72 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને રેકોર્ડ બનાવ્યો હતો. એક જ દિવસમાં અને એક જ ભાષામાં આટલી કમાણી કરનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ અગાઉ ફિલ્મે સૌથી ઓછા દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ‘જવાન’ના નામે આ એકમાત્ર રેકોર્ડ નથી. રવિવારની વિશ્વવ્યાપી કમાણી બાદ આ ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
બોક્સ ઓફિસ પર એક પછી એક અનેક રેકોર્ડ તોડી રહેલી ફિલ્મ ‘જવાન’એ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ કહ્યું કે, એટલી કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે ચાર દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંક પાર કરી લીધો છે. આ કારણે ‘જવાન’ ચાર દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 384.69 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બોલિવૂડના કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન એવા પ્રથમ અભિનેતા બન્યા છે જેમની બે ફિલ્મોએ એક જ વર્ષમાં વિશ્વભરમાં રૂ. 500 કરોડથી વધુની કમાણી કરી છે. બોલિવુડમાં બ્લોકબસ્ટર ફિલ્મોનો યુગ પાછો આવી ગયો છે તેમાં કોઈ શંકા નથી. ઉલ્લેખનીય છે કે 2022માં બોલિવૂડની ઘણી સારી ફિલ્મો પણ નિષ્ફળ ગઈ હતી, જેના કારણે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટીકા કરવામાં આવી રહી હતી.
Advertisement