બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. ‘દિલ ચાહતા હૈ’ ફેમ એક્ટર રિયો કાપડિયાનું નિધન થયું છે. જો કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ, ગયા વર્ષે રિયોને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તમને જણાવી દઈએ કે રિયો ઘણી ટીવી સિરિયલો અને મોટી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ અભિનેતાએ આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા મોટા સ્ટાર્સ સાથે કાએમ કર્યું છે.
Advertisement
Advertisement
66 વર્ષની વયે નિધન
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રિયો કાપડિયાનું નિધન થયું છે. અભિનેતાએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રિયોનું નિધન આજે બપોરે 12.30 વાગ્યે થયું હતું. રિયોએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયની કળા દર્શાવી હતી. રિયોએ ‘દિલ ચાહતા હૈ’, ‘ચક દે ઈન્ડિયા’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી ઘણી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. અભિનેતાના નિધનના સમાચાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આવતીકાલે અંતિમ સંસ્કાર થશે
રિયો કાપડિયાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર શુક્રવાર, 15 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવશે. હાલ રિયોના પરિવારમાં શોકનું વાતાવરણ છે. પરિવારે રિયોના અંતિમ સંસ્કારની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેતાના નિધનના સમાચાર સામે આવ્યા બાદ સિને જગતના ઘણાં સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. રિયોના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમની પત્ની મારિયા ફરાહ અને બે બાળકો અમન અને વીરનો સમાવેશ થાય છે.
રિયો કાપડિયા શાહરૂખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’, ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘દિલ ચાહતા હૈ’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે પ્રાઇમ વિડિયોની તાજેતરની વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન 2’ માં શોભિતા ધુલીપાલા, અર્જુન માથુર, કલ્કી કેકલન અને જિમ સારભ સાથે જોવા મળ્યા હતા.
Advertisement