આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અભિનેતાનું કામ દરમિયાન બિલ્ડિંગ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. અખિલ મિશ્રાના અચાનક નિધનના સમાચાર સામે આવ્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
Advertisement
Advertisement
બાલ્કનીમાંથી નીચે પડી જતાં મોત થયું
અહેવાલો અનુસાર, અભિનેતા અખિલ મિશ્રા હૈદરાબાદમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે બાલ્કની પાસે કામ કરતી વખતે તે ઊંચી ઈમારત પરથી પડી ગયા હતા. અખિલના પરિવારમાં તેમની પત્ની સુઝાન બર્નર્ટ છે. સુઝાન એક જર્મન અભિનેત્રી છે. અખિલે જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની પત્ની પણ હૈદરાબાદમાં જ હતી. સુઝાને કહ્યું, “મારું દિલ તૂટી ગયું છે, મારો જીવનસાથી જતો રહ્યો છે.”
ઘણાં ટીવી શો અને ફિલ્મોમાં અખિલનું યોગદાન
અખિલ મિશ્રા ઘણાં પ્રખ્યાત ટીવી શોનો હિસ્સો રહી ચુક્યા છે. તેઓ ‘ઉતરન’, ‘ઉડાન’, ‘સીઆઈડી’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘હાતિમ’ અને અન્ય ઘણાં ટેલિવિઝન શોનો ભાગ હતા. આ ઉપરાંત અખિલ મિશ્રા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે ‘ડોન’, ‘ગાંધી’, ‘માય ફાધર’, ‘શિખર’, ‘કમલા કી મૌત’, ‘વેલ ડન અબ્બા’ જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. પરંતુ અખિલને “3 ઈડિયટ્સ” માં લાઈબ્રેરિયન દુબેની તેમની નાની પણ યાદગાર ભૂમિકાથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. તેમણે લોકપ્રિય શો ‘ઉતરન’માં ઉમેદ સિંહ બુંદેલાનું પાત્ર ભજવીને પણ પોતાની ઓળખ બનાવી હતી.
Advertisement