નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત થયો છે જેમાં તેને ગંભીર ઇજા થઇ છે. આ દૂર્ઘટના રૂડકીના ગુરૂકુલ નારસન વિસ્તારમાં સર્જાઇ હતી. રિષભ પંતની કાર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. ક્રિકેટર પંતની કેટલીક તસવીર સામે આવી છે જેમાં તેની ગંભીર ઇજા જોવા મળી રહી છે.
Advertisement
Advertisement
25 વર્ષના રિષભ પંતની કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી. આ દૂર્ઘટના બાદ કારમાં આગ લાગી ગઇ હતી અને તે બળીને ખાખ થઇ ગઇ હતી. કારની બારી તોડીને તે બહાર નીકળી ગયો હતો. દૂર્ઘટના બાદ રિષભ પંતને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટર અનુસાર, રિષભ પંતના પગમાં ગંભીર ઇજા થઇ છે, તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. રિષભ પંતને મેક્સ દહેરાદૂન રેફર કરવામાં આવ્યો છે.
કહેવામાં આવે છે કે કાર દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ ત્યાના લોકોએ 108ની મદદથી રિષભ પંતને રૂડકીની સિવિલ હૉસ્પિટલ મોકલ્યો હતો. પહેલાથી જ અનફિટ રિષભ પંતને બીસીસીઆઇએ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરૂમાં રિપોર્ટ કરવા કહ્યુ હતુ.
શ્રીલંકા વિરૂદ્ધ સીરિઝમાં ટીમમાં નથી રિષભ પંત
ભારતીય ક્રિકેટ ટીમ પોતાના ઘર આંગણે શ્રીલંકા વિરૂદ્ધ જાન્યુઆરીથી ટી-20 અને વન ડે સીરિઝ રમવાની છે. ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, બન્ને સીરિઝમાંથી રિષભ પંતને બહાર કરવામાં આવ્યો છે, તેને બહાર કરવાનું બીસીસીઆઇએ કોઇ કારણ જણાવ્યુ નથી.
રિષભ પંતની આંતરરાષ્ટ્રીય કરિયર
33 ટેસ્ટ મેચ- 2271 રન- 5 સદી
30 વન ડે મેચ- 865 રન- 1 સદી
66 ટી-20 મેચ- 987 રન- 3 અડધી સદી
આઇપીએલમાં દિલ્હીની ટીમનો કેપ્ટન છે રિષભ પંત
રિષભ પંત તાજેતરમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ રમ્યો હતો, તેને અંતિમ ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરે ઢાકામાં રમી હતી જેમાં તેને પ્રથમ ઇનિંગમાં 93 રન અને બીજી ઇનિંગમાં 9 રન બનાવ્યા હતા. હવે પંત IPLમાં રમશે, તે આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી કરી રહ્યો છે.
Advertisement