વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત મજબૂત નાણાંપ્રવાહને પગલે ભારતીય શેર બજારોએ 28મી જૂને વિક્રમી ઊંચાઈ હાંસલ કરી હતી, જ્યારે ચાલુ ખાતાની ઘટતી ખાધે રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સે અત્યાર સુધીના તેના ઈતિહાસમાં પહેલી વખત 64,000 પોઈન્ટની સપાટી વટાવી હતી. સેન્સેક્સ 64,012.16 પોઈન્ટની રેકોર્ડ હાઈએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 19,000 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ વટાવીને 19,003.20 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
Advertisement
Advertisement
આજના કામકાજના અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 500 પોઈન્ટના વધારા સાથે 63,915 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 155 પોઈન્ટની મજબૂતાઈ સાથે 18972 પોઈન્ટ પર બંધ થયો હતો.
બુધવારે શેરબજારમાં બમ્પર ખરીદી જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટી નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન જ્યાં સેન્સેક્સે પહેલીવાર 64000ની સપાટી વટાવી હતી, તો બીજી તરફ નિફ્ટી પણ પહેલીવાર 19000ની સપાટીને સ્પર્શ્યો હતો. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ લગભગ 200 પોઈન્ટની મજબૂતાઈ સાથે ટ્રેડ થયો હતો. શેરબજારના કામકાજમાં અઠવાડિયાના ત્રીજા દિવસે બુધવારે બપોરે 1.30 વાગ્યે, સેન્સેક્સ 0.88 ટકા અથવા 561 પોઇન્ટ વધીને 63,977 પોઇન્ટ અને નિફ્ટી 0.94 ટકા અથવા 177 પોઇન્ટ વધીને 18,994.74 પર હતો.
બુધવારે મેટલ સેક્ટરના શેરોએ બજારને અત્યાર સુધીની સર્વોચ્ચ ઊંચાઈ સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. અઠવાડિયાના ટ્રેડિંગ સેશનના પ્રથમ ત્રણ સત્રમાં રોકાણકારોને રૂ. 3 લાખ કરોડથી વધુનો ફાયદો થયો હતો. ચોમાસાની શરૂઆત, HDFC બેન્ક અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પના મર્જરની પૂર્ણતાની જાહેરાત અને જૂન ડેરિવેટિવ સિરીઝની સમાપ્તિએ બજારને સર્વોચ્ચ સપાટીએ પહોંચવામાં મદદ કરી હતી.
આ અગાઉ સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસની શરૂઆત સ્થાનિક શેરબજારમાં રેકોર્ડ ઉછાળા સાથે થઈ હતી. દિવસના કારોબાર દરમિયાન નિફ્ટીના મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બુધવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં સર્વોચ્ચ સપાટીએ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. સેન્સેક્સ 63,701.78 પોઈન્ટના મથાળે ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 200 પોઈન્ટ ઉપર ગયો હતો અને 63,716.00 પોઈન્ટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
Advertisement