બુધવારે મુંબઈ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ અથવા એક ટકા ઘટીને 67,000 ની નીચે આવી ગયો હતો. અગાઉ ટ્રેડિંગ દરમિયાન તે 66,728 પોઈન્ટની દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બીજી બાજુ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 1.18 ટકા અથવા 238 પોઈન્ટ ઘટીને 19,895 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. આજના કામકાજના અંતે સેન્સેક્સ 796.00 (1.17%) પોઈન્ટ ઘટીને 66,800.84 ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી 231.90 (1.15%) પોઈન્ટ ઘટીને 19,901.40 ના સ્તરે બંધ થયો હતો.
Advertisement
Advertisement
યુએસ ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો પહેલાં યુએસ બોન્ડની ઉપજ 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. તે દરમિયાન એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસ જેવા મુખ્ય શેરોના ભાવમાં ઘટાડાને પગલે બુધવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. યુએસ બોન્ડની ઉપજમાં વધારો, રૂપિયામાં નબળાઈ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને FII દ્વારા વેચવાલી જેવા પરિબળોનું દલાલ સ્ટ્રીટ પર દબાણ રહેતું હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું હતું. વૈશ્વિક બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી.
સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ, મારુતિ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરોના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો. HDFC બેન્કે સોમવારે જણાવ્યું હતું કે HDFC સાથે મર્જરને પગલે તેની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) 1 જુલાઈથી વધવાની શક્યતા છે. બુધવારે HDFCના શેરમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2.95 લાખ કરોડ ઘટીને રૂ. 320.04 લાખ કરોડ થઈ ગયું છે.
આજે એયુ સ્મોલ ફાઇનાન્સ, પોલીકેબ, એમએન્ડએમ ફાઇનાન્શિયલ, ડો. લાલ પાથલેબ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો ટાયર્સ, આરઇસીના શેરોના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો.નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ અને નિફ્ટી બેંકમાં ઘટાડો નોંધાયો હતો. એફએમસીજી, આઈટી, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટર પણ ઘટાડા સાથે ખુલ્યા હતા.
Advertisement