24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ સામે તેનો રિપોર્ટ જાહેર કર્યો. અદાણી જૂથ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અહેવાલ આવ્યા બાદ અદાણીના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ સો અબજર ડોલરથી ઘટી ગયું છે.
કંપનીના માલિક ગૌતમ અદાણી જે એક સમયે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા નંબરે હતા કે 34માં નંબરે આવી ગયા હતા. ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થતો રહ્યો. જોકે ગૌતમ અદાણીના કેટલાક મિત્રો એવા છે જેઓ મુશ્કેલીમાં તેમની પડખે ઊભા હતા. આવા જ એક મિત્ર અમેરિકાથી આવ્યા હતા.
ગૌતમ અદાણીના આ અમેરિકન મિત્ર બીજું કોઈ નહીં પણ રાજીવ જૈન છે. GQG પાર્ટનર્સ અદાણી ગ્રૂપ માટે દેવદૂતથી કમ નથી. એનઆરઆઈ રોકાણકાર રાજીવ જૈનની ઈન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યૂજીએ અદાણી ગ્રૂપમાં તેનો હિસ્સો 10 ટકા વધાર્યો છે. આ વર્ષની શરુઆતમાં આ પેઢીએ અદાણીની કંપનીઓમાં રુ. 15 હજાર કરોડનું રોકાણ કર્યું હતું.
આ રોકાણ બાદ અદાણીના શેરમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી. અદાણીની કંપનીઓના શેર રોકેટ બની ગયા હતા. અદાણી શેરમાં આવેલી તેજીની અસર ગૌતમ અદાણીની કમાણી પર દેખાવા લાગી. મંગળવારે કંપનીના શેરમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં 3.8 અબજ ડોલરનો વધારો થયો છે.
ફોર્બ્સ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર અમીરોની યાદીમાં ગૌતમ અદાણી હવે 24માં સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થ $54.8 બિલિયન સુધી પહોંચી ગઈ છે.
સોમવાર બાદ મંગળવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. અદાણીના આ શેરમાં 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત રુ. 2633.70 પહોંચી ગઈ છે.
હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરની વેલ્યૂ 159 ટકાનો વધારો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.
Advertisement