સુરત જિલ્લાની ચોર્યાસી વિધાનસભા બેઠક એ અમદાવાદના દસક્રોઈની માફક અત્યંત પહોળા પટામાં પથરાયેલો વિસ્તાર છે. બેઠકક્રમાંક 168 ધરાવતી આ બેઠક જનરલ કેટેગરીની છે. સરેરાશ લગભગ દોઢ કે બે વિધાનસભા બેઠક થાય એટલી 5,47,193 ગંજાવર મતદાર સંખ્યા હોવાથી ઉમેદવારો માટે પણ પગના પાણી ઉતરતાં હોય છે. ચોર્યાસી તાલુકો ઉપરાંત સુરતના ભાગોળ વિસ્તાર પણ આ બેઠકમાં સમાયેલા છે. અહીં શહેરી અને ગ્રામ્ય એવાં બંને મતદારો હોવાથી સમસ્યાઓ, માગણી, લાગણી બધું જ પચરંગી જોવા મળે છે.
Advertisement
Advertisement
મિજાજઃ
મોટાભાગે ભાજપને જ જંગી માર્જિનથી જીતાડતો આ મતવિસ્તાર ઉમેદવાર કરતાં પણ પક્ષને સમર્પિત ગણાય છે. ગુજરાતમાં ભાજપની સલામત ગણાતી બેઠકોમાં સ્થાન પામે છે. વરિષ્ઠ નેતા નરોત્તમ પટેલ આ બેઠક પરથી ચાર વખત ચૂંટાયા હતા. એ પછી રાજેન્દ્ર પટેલ ઉર્ફે રાજા પટેલ આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતા. તેમનાં નિધન પછી યોજાયેલ પેટાચૂંટણીમાં તેમના પુત્રી ઝંખનાબહેન પટેલને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા. 1985 પછી સતત આ બેઠક ગુમાવીને કોંગ્રેસ અહીં સ્થાનિક સ્તરે સંગઠન અને જનઆધાર લગભગ ગુમાવી ચૂકી છે પરિણામે ભાજપે અહીં ફક્ત સરસાઈની જ ચિંતા કરવાની હોય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | નરોત્તમભાઈ પટેલ | ભાજપ | 1,47,142 |
2002 | નરોત્તમભાઈ પટેલ | ભાજપ | 1,10,706 |
2007 | નરોત્તમભાઈ પટેલ | ભાજપ | 3,46,940 |
2012 | રાજેન્દ્રભાઈ પટેલ | ભાજપ | 67,638 |
2016 | ઝંખનાબેન પટેલ | ભાજપ | 45,438 |
2017 | ઝંખનાબેન પટેલ | ભાજપ | 1,10,819 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ જેતપુરઃ રાદડિયાને કોંગ્રેસ નહિ, ભાજપમાં રહેલી વિરોધી છાવણી નડવાની ભીતિ
કાસ્ટ ફેબ્રિક
નવા સીમાંકન પહેલાં કોળી સમુદાયનું વ્યાપક પ્રભુત્વ ધરાવતી આ બેઠકમાં હવે પરપ્રાંતિયોનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. કોળી ઉપરાંત પાટીદાર, ઓબીસી ક્ષત્રિય, હળપતિ, માછી અને દલિત સમુદાય પણ સારી એવી સંખ્યામાં છે. જોકે કોળી સમાજનું અડીખમ વર્ચસ્વ છે. અહીં મોટાભાગે કોળી ઉમેદવાર જ જીતે છે. કોળી પ્રભાવિત બેઠક હોવા છતાં સૌરાષ્ટ્રના કોળી સમાજ સાથે અહીં ખાસ એકસૂત્રતા જોવા મળતી નથી.
સમસ્યાઓઃ
ખેતી અને ખેતમજૂરી એ આ મતવિસ્તારના મુખ્ય રોજગાર ક્ષેત્રો છે. અહીં જમીન સારી એવી ફળદ્રુપ હોવાથી અને પાણીની છત હોવાથી ડાંગરનો મબલખ પાક થાય છે. એ ઉપરાંત શેરડી, કેળાના બાગાયતી વાવેતર પણ સારા એવા પ્રમાણમાં છે. સરકારી કોલ્ડ સ્ટોરેજની માંગણી લાંબા સમયથી પેન્ડિંગ છે. જમીન સુધારણા અને જૂની શરતની જમીનના કાયદા નડતરરૂપ હોવાથી હટાવવાની માંગણી પણ કાયમ માટે ઊભી રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નાંદોદઃ મહેલોની વિરાસત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્તમાન ભવ્યતા વચ્ચે ખદબદતો જ્ઞાતિવાદ કોને ફળશે?
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
લોકપ્રિય ધારાસભ્ય રાજા પટેલના પુત્રી ઝંખનાબહેન પેટાચૂંટણી અને ત્યારબાદની ચૂંટણીમાં જંગી બહુમતિથી અહીં ચૂંટાઈ આવ્યા છે. પિતાની માફક તેઓ પણ વ્યાપક જનસંપર્ક ધરાવે છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તેમને સ્થાન મળે એવી ગણતરીઓ હતી પરંતુ ત્રીજી ટર્મમાં તેમની ટીકિટ નિશ્ચિત છે અને જો ભાજપની સરકાર બને તો મંત્રીમંડળમાં દાવેદારી પણ મજબૂત થઈ શકે છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે અહીં જીતી શકે તેવા ઉમેદવારની શોધ ક્યારની પડતી મૂકી દીધી જણાય છે. કોળી સમુદાયમાં કોંગ્રેસ પાસે સર્વમાન્ય ચહેરો નથી હોતો અને અન્ય સમાજના ઉમેદવારને જ્યારે જ્યારે ટીકિટ આપી ત્યારે કોળી સમુદાયના સામુહિક મતદાનના કારણે ભાજપ જંગી સરસાઈથી જીત્યું હતું. એ જોતાં કોંગ્રેસ અહીં ભાજપની સરસાઈ ઘટે એ સિવાય ખાસ કશો પ્રયત્ન કરી શકે તેમ જણાતું નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?
ત્રીજું પરિબળઃ
આમ આદમી પાર્ટીએ અહીં પ્રકાશ કોન્ટ્રાક્ટરને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે પરંતુ સ્થાનિક સ્તરે તેમની ખાસ ઓળખ નથી. મતવિસ્તાર ભૌગોલિક રીતે એટલો મોટો છે કે પ્રકાશ કોન્ટ્રાક્ટર એટલે કોણ એ જાણ થાય ત્યાં સુધીમાં મતદાન થઈ ગયું હશે. આમઆદમી પાર્ટીએ સુરત શહેરની હવા અહીં પ્રસરાવવા કોશિષ તો કરી છે પરંતુ સંગઠન કે બૂથ મેનેજમેન્ટ કશું ચૂંટણી સુધીમાં ગોઠવી શકાય એવું લાગતું નથી.
Advertisement