જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ માનવ જ્ઞાની બનતો જાય છે. તે સાથે લોકો એકબીજા સાથે સ્પર્ધા કરતાં હોય તેમ બીજા કરતાં વધુ સારાં, સુંદર અને વ્યવસ્થિત દેખાવાનો પ્રયત્ન કરતાં રહે છે.
એક તરફ મહિલાઓ આભ આંબવા માટે પોતાની પાંખો ફેલાવી રહી છે ત્યાં બીજી તરફ મહિલાઓના ગઢમાં પુરુષોએ પણ સેંધ મારી છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં લાગે.
આજે એક પુરુષ બ્યૂટિશિયનની સાથે ગુજરાત એક્સક્લુઝીવે વાતચીત કરી છે તેના કેટલાંક અંશો અહીં પ્રસ્તુત છે.
Advertisement
Advertisement
ગુએઃ તમારા વિશે કંઈક કહો અને જણાવો કે તમને બ્યૂટિના ફિલ્ડમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી?
હું પ્રભાસ-પાટણનો વતની છું. જ્યાં સુપ્રસિદ્ધ જય સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મારા જીવનમાં ધર્મ અને કલા આ બંને નાનપણથી વણાયેલા છે. નાનો હતો ત્યારે માર્બલ પર જે ઇન્લેવર્ક કરવામાં આવે છે તે મને ગમતું. ખાસ કરીને પ્રેશિયસ કલર સ્ટોનને અલગ-અલગ આકારમાં કોતરીને આરસ પર ચોંટાડવામાં આવે છે તેવું કામ મને ગમતું. મારા મનના ખૂણામાં ક્યાંક હતું કે હું આ પ્રકારનું કાર્ય કરું. હું નોટબુકના પહેલાં પાના પર આવી કંઈક ડિઝાઇન કરતો. લોકો તે જોઈ મારી પ્રશંસા કરતા. એવામાં મારા ઘરમાં એક પ્રસંગે મહેંદીના કોન આવ્યા. એવામાં મારા હાથમાં એવો કોન આવ્યો જેમાં થોડી મહેંદી બાકી હતી. તેનાથી મેં મહેંદીની ડિઝાઇન બનાવી. આ ડિઝાઇનની બીજાના હાથ પર પ્રેક્ટિસ કરવા લાગ્યો. જોતજોતામાં લોકોએ મહેંદી મૂકાવવાનું શરૂ કર્યું. મહેંદી મૂકવા બદલ પ્રથમ વખત 51 રૂપિયા મળેલા ત્યારે ખૂબ ખુશી થઈ હતી. આમ કલા તરફ મારું વલણ વધતું ગયું.
મહેંદીની શરૂઆત સાથે ધીરે-ધીરે મેકઅપ તરફ ધ્યાન વળ્યું. મારા એક પરિચિત બ્યૂટિશિયન બહેન જેઓ બ્રાઈડલ મેકઅપ વગેરે કરતા હતા તેમને ઘેર જાઉં ત્યારે ત્યારે મેકઅપ વિશે ચર્ચા થતી. મેં મેકઅપ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન મને સમજાયું કે તેના માટે સુંદર અને સ્વચ્છ ત્વચાની આવશ્યકતા હોય છે. એ સમયમાં ત્યાં એક વૈદ હતા જેમની પાસેથી હું ત્વચા સાફ કરવા માટેની વનસ્પતિ વિશે પૂછતો ત્યારે એમણે મને લીમડો-મીંઢોળ-કપૂર કાચરી-વાળી વગેરે વિશે કહ્યું. ધીરે ધીરે હું થ્રેડિંગ-ફેશિયલ-બ્લીચ-મેનિક્યોર શીખ્યો. મારા પરિચિત બહેને મને સલાહ આપી કે જો આ વિષયમાં રુચિ હોય તો મુંબઈ જઈને કોર્સ કરવો યોગ્ય ગણાય. આમ મારી કામની શરૂઆત થઈ.
ગુએઃ કેટલાં વર્ષથી બ્યૂટિ ફિલ્ડમાં છો?
1986માં મેં મહેંદીથી શરૂઆત કરી અને મેકઅપ તથા બ્યૂટિ સર્વિસીઝ જેમકે વાળમાં મહેંદી લગાવવી, થ્રેડિંગ બ્લિચ, ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, મેકઅપની શરૂઆત કરી. હું ત્યારે કમ્પ્લીટ બ્રાઇડને તૈયાર કરવાનું પેકેજ કરતો. અમારા ફેમિલી ફ્રેન્ડ મોનાબહેનની પ્રેરણા અને મદદથી બરોડામાં થોડું કામ શરૂ કર્યું. ધીરે-ધીરે ફેશિયલમાં ખૂબ જ રસ પડવા લાગ્યો. અને ત્યારબાદ મુંબઈ જવાનો નિર્ણય લીધો. વર્ષ 1990માં મુંબઈ આવ્યો. જેમ જેમ શીખતો ગયો તેમ તેમ મારી વધુ શીખવાની અને પ્રેક્ટિકલ કરીને મહારથ હાંસિલ કરવાની ઉત્કંઠા જાગૃત થવા લાગી.
23 વર્ષની મજલ કાપીને મહારથ હાંસિલ કરી હોય એવું તો લાગે છે પરંતુ છતાંય એવું લાગે છે કે આજે પણ ઘણું શીખવાનું બાકી છે. અનુભવની સાથે આપણાં કામમાં એક ઠહેરાવ અને ચોક્કસાઈ આવતી જાય છે.
ગુએઃ જ્યારે બ્યૂટિનું પ્રોફેશન અપનાવવાનું પરિવારજનોને જણાવ્યું ત્યારે તેમનું શું રિએક્શન હતું?
સૌપ્રથમ તો અસ્વીકાર કર્યો હતો. સાથો-સાથ ભણતર ચાલુ હતું જેથી તેની વધુ ચર્ચા ન થતી. પરંતુ મુંબઈ જવાનું નક્કી કરતી વખતે આગળનાં કામ વિષે ચર્ચા થઈ ત્યારે પણ અણગમો જતાવ્યો હતો. મારી ઈચ્છા Cosmetology (કોસ્મેટોલોજી) કરવાની હતી. તે માટે Basic Beauty (બેઝિક બ્યૂટિ) નો કોર્સ કરવા માટે મુંબઈ જવા પરવાનગી મળી. આ દરમિયાન લોકોની નેગેટિવ કોમેન્ટના કારણે થોડું ટેન્શન થતું પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહ્યો. આખરે ઘરના લોકોએ આ નિર્ણય સ્વીકારી લીધો. મુંબઈ આવ્યા બાદ મારા કામની પ્રશંસા થવા લાગી ત્યારે એવું લાગ્યું કે જાણે હું બધાં હર્ડલ પાર કરી ચૂક્યો છું અને હવે રસ્તો એકદમ સાફ દેખાવા લાગ્યો હતો.
ગુએઃ બ્યૂટિ ફિલ્ડમાં કામ કરવા માટે કેવી ટ્રેનિંગની જરૂર હોય છે?
પ્રાથમિક ટ્રેનિંગ મેં મારા જ ગામમાં લીધી હતી અને જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મુંબઈમાં ભૂલાભાઈ દેસાઈ રોડ પર આવેલા “Tokyo Academy” (ટોક્યો એકેડમી)માં બ્યૂટિ ડિપ્લોમાનો કોર્સ કર્યો. તેમના જ પાર્લર/સલૂનમાં કામ કર્યું. ત્યારબાદ 2016માં Cidesco (સીડેસ્કો)ની પરીક્ષા મુંબઈની જૂનામાં જૂની ‘Boutique Institute’ (બૂટિક ઇન્સ્ટિટયૂટ) દ્વારા આપી. આજના સમયમાં ટ્રેનિંગનો સ્ત્રોત વધ્યો છે અને ખૂબ જ ઊંડાણમાં અલગ-અલગ વિષયો પર ટ્રેનિંગ લઈ શકાય છે. સ્કીન-હેઅર-મેકઅપ-નેલ્સ આ બધા જ વિષયોને લઈને તેની અલગ-અલગ ટ્રેનિંગ્સ થાય છે. પોતાની રસરૂચિ પ્રમાણે વ્યક્તિ પોતાની કરિયર બનાવી શકે છે. આ કામ માટે પ્રેક્ટીકલ અનુભવ અતિઆવશ્યક છે. જેમ લોકો સ્નાતકનો અભ્યાસ કરવા બહારના દેશોમાં જાય છે તેવી જ રીતે આ વિષયોનાં અભ્યાસ માટે પણ જઈ શકાય છે.
ગુએઃ વધુ કરીને મહિલા બ્યૂટિશન હોય છે, તે મહિલાઓને ટ્રીટમેન્ટ આપતી હોય છે. જ્યારે તમે ફેશિયલ કરો છો ત્યારે મહિલાઓ કમ્ફર્ટેબલ ફીલ કરે છે?
લગભગ તો મારા ક્લાઇન્ટ ફેમિલી ક્લાયન્ટ છે. જેથી ખાસ કોઈ વાંધો નથી આવતો પરંતુ ક્યારેક પ્રથમ વખત ફેશિયલ કરાવતા પહેલાં થોડી અડચણ થતી. તેમને મળ્યા પછી વાતચીતનો દૌર એવો ચાલે કે તેમને સહજતા આવતાં જરાય તકલીફ નથી પડતી. સ્કીન એનાલિસિસ દરમિયાન અને ફેશિયલ કરાવવા માટે તેઓ સહજ હોય ત્યારે જ ફેશિયલ શરૂ કરું છું. જોકે, હવે લોકો સમજવા લાગ્યા છે. આમ જોઈએ તો સારામાં સારા ગાઇનેક પુરુષ ડોક્ટર્સ પણ હોય છે. ખાસ કરીને જેન્ડર્સને એટલું ધ્યાન નથી અપાતું. કામમાં ચોક્કસાઈ, વાણીમાં સ્પષ્ટતા, અને સમજાવવાની કલા હોવાથી મોટા ભાગે આવા પ્રશ્નો નથી ઉદભવતા.
ગુએઃ તમારા ફેશિયલમાં ખાસ વાત શું છે કે જેથી લોકો તમારી પાસે ફેશિયલ કરાવવાનું પસંદ કરે છે ?
આ પ્રશ્નનો જવાબ હું આપીશ તો હું જ મારી ખૂબીઓનો શંખ વગાડું છું એવું લાગશે. પરંતુ ક્લાઇન્ટસનાં મારા ફેશિયલ માટેના અભિપ્રાય પરથી હું કહેવાનો પ્રયત્ન કરીશ. ટ્રિટમેન્ટ જરૂરિયાત પ્રમાણે કરું છું, એકાગ્ર ચિત્તથી કરું છું, દરેક સ્ટેપ્સ બારીકાઇથી યોગ્ય સમય આપીને તથા સહજતાથી કરું છું.
વિશેષમાં એક આયુર્વેદિક પદ્ધતિથી એક ટ્રિટમેન્ટ ડિઝાઇન કરી છે જેમાં આયુર્વેદિક સ્ક્રબ અને પેક તથા લોટમાં હર્બ્સ ભેળવીને તેનો લુઓ બનાવીને મસાજ કરું છું. જે લોકો ખૂબ જ પસંદ કરે છે. જો ત્વચા ખરબચડી હોય તો આયુર્વેદિક પોટલીથી Microderma bresion ( માઇક્રોડર્મ બ્રેશન) કરું છું. આ પણ એક યુનિક પદ્ધતિ છે. મારી નમ્ર વિનંતી છે, આનો ઉત્તર જાણવા માટે જો આપ જાતે ટ્રીટમેન્ટ કરાવશો તો સંપૂર્ણપણે સમજાઈ જશે. કારણ કે આ ચોક્કસપણે અનુભવવાની બાબત છે. ફેશિયલ કરતી વખતે હું વધુ હાથનો જ ઉપયોગ કરું છું. બને ત્યાં સુધી મેન્યુઅલી ફેશિયલ એટલે કે થેરાપ્યુટિક ફેશિયલનો આગ્રહ રાખું છું. જરૂર હોય તો જ મશીનનો ઉપયોગ કરવાનું પસંદ કરું છું.
ગુએઃ ફેશિયલનો ઓર્ડર લઈને બીજાનાં ઘરે જઈને ફેશિયલ કરવું તે અઘરું છે, તે માટે કોઈ બિઝનેસ પ્લાન બનાવ્યો છે?
હા, એ વાત સાચી છે કે અઘરું છે. પરંતુ ઘણા સમયથી હું આ રીતે કાર્યરત છું જેના કારણે ખાસ ક્લાઇન્ટસ ઘણાં છે અને હંમેશા કો-ઓપરેટ કરતાં હોય છે. તેઓ જાતે જ આપોઇન્ટમેન્ટ લે છે માટે બહુ વાંધો નથી આવતો. ઘણા ક્લાઇન્ટનાં ઘરે સેટઅપ પણ કર્યા છે. માટે કામ માટે એટલી જ સુગમતા રહે છે.
ધીરે-ધીરે હું સંપૂર્ણપણે ફ્રિલાન્સિંગ ક્લાઈન્ટ કરવા લાગ્યો છું. જેના વડે કામ કરવાના સમયમાં પણ ચોક્કસતા રહે છે. કોરોના બાદ હું મુંબઈ-પુના-સુરત-ભરૂચ-વડોદરા-અમદાવાદ-રાજકોટ-ભાવનગર વગેરે શહેરોમાં ટ્રિટમેન્ટ કરવા જાઉં છું. અપોઇન્ટમેન્ટ અઠવાડીયા પહેલા ફિક્સ કરું છું. જે રેગ્યુલર છે તે મહિના પહેલા બુક કરાવી જ દે છે. જેથી બધાને સુગમતા રહે. આના માટે આવનાર સમયમાં જો ક્લાઈન્ટસ વધુને વધુ થશે તો જે તે શહેરમાં 1 અઠવાડીયું રહેવાનો પ્લાન કરીશ.
ગુએઃ જો ઘેર જઈને ફેશિયલ કરવું હોય તો તે માટે કઈ-કઈ વાતની કાળજી લેવી પડે છે ? અને શું સાથે રાખવું પડે છે ?
સૌથી મહત્વની વાત એ છે કે વાણીમાં (સહજ) સ્પષ્ટતા અને વર્તનમાં ચોકસાઈ ત્યારબાદ ટ્રિટમેન્ટ દરમિયાન જોઈતી બધી જ વસ્તુઓ સાથે રાખવી પડે છે. જ્યારે ક્લાઇન્ટ ટ્રિટમેન્ટ માટે ઘરે બોલાવે છે ત્યારે એ પોતે એ વાતથી સહમત અને સુરક્ષિત મહેસૂસ કરે છે કે આ વ્યક્તિ મારા ઘરે આવશે તો ચાલશે. અર્થાત આપણું વ્યક્તિત્વ એ ખરી સાલસતા છે જે આવશ્યક છે. મેં ઘણા વર્ષો પહેલાં (મારા સંઘર્ષ સમયથી) ઘરે જઈને કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે થોડું નીચી કક્ષાનું લાગે. પરંતુ મેં ત્યારે અને આજે કામને જ મહત્વ આપ્યું છે, આપું છું અને ભવિષ્યમાં પણ આપતો રહીશ.
મારા ક્લાઈન્ટ અત્યંત કો-ઓપરેટિવ છે. પૂરા માન-સન્માન સાથે મારા કામનો સ્વીકાર કરે છે.
એ વાત પણ એટલી જ સત્ય છે કે વ્યક્તિનું વર્તન અને તેની કાર્યક્ષમતા સાથે પ્રામાણિકતા હશે તો જ બીજી વખત ક્લાયન્ટ બોલાવશે. ઘણી વખત એવું બન્યું છે કે હું ઘરે જઇને જ્યારે ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં બેગ ખોલું ત્યારે તે જોઈને ક્લાઈન્ટ કહે છે કે ખૂબ જ સરસ ગોઠવીને રાખો છો. એવું પણ સંભળાય છે કે “ઉલ્હાસભાઈ તમારી બેગ જોઈને લાગ્યું તમારું કામ સારું જ હશે.” આ જે તે વ્યક્તિની બારીકાઇ છે કે એમનું નિરીક્ષણ બારીક છે. મને એ વાતનો આનંદ છે કે પંદર કે સત્તર વરસ જૂના ક્લાઈન્ટસ પણ છે કે આટલા વરસોથી આજે પણ ટ્રિટમેન્ટ માટે મને બોલાવે છે. સાથો-સાથ હું એમનો આભારી પણ છું.
ગુએઃ તમે તમારી કોઈ ખાસ પ્રોડક્ટ બનાવી છે ?
હા, પાવડર ફોર્મમાં બે પ્રોડક્ટસ છે જે હું છેલ્લા બારેક વરસથી આપું છું. 1) આયુર્વેદિક સ્ક્રબ 2) આયુર્વેદિક પેક. જે માત્ર મારા ક્લાઈન્ટસ માટે જ હોય છે. હવે તે ગિફ્ટ પેકિંગમાં પણ અવેલેબલ થશે.
દરેક વ્યક્તિએ લગભગ પંદરેક દિવસે એક વખત સ્ક્રબ કરવું જોઈએ. જેથી ત્વચામાંથી મૃત ત્વચા દૂર થાય અને છિદ્રો ખુલી જવાથી ત્વચામાં તાજગી આવે. અને તેને યોગ્ય મિશ્રણથી પેક લગાવવાથી ત્વચામાં ટોન જળવાઈ રહે. સાથે-સાથે ઉણપ હોય તેની પૂર્તિ કરતું ફૂડ ત્વચાને મળી રહે છે. ટૂંકમાં ત્વચા હેલ્ધી થાય.
- ગુએઃ તમારા સેલિબ્રિટી ક્લાઈન્ટસ કોણ છે ?
મને રોયલ ફેમિલીઝ તથા અલગ-અલગ કાર્યક્ષેત્રથી સંકળાયેલી સેલિબ્રિટીનું કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જેમ કે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ, ગાયન, મીડિયા, ગ્લેમર, સ્પોર્ટસ વગેરે-વગેરે અને એમણે પણ મારા કામની સરાહના પણ કરી. જેમાં આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીનો પણ સમાવેશ થાય છે.
ગુએઃ તમારું કોઈ પાર્લર નથી તો ક્લાઈન્ટનો સંપર્ક કઈ રીતે કરો છો ?
સાચી વાત છે. પરંતુ ક્લાઈન્ટનો સંપર્ક ક્લાઈન્ટસ દ્વારા જ થાય છે. માઉથ ટુ માઉથ પબ્લિસિટી યુ નો! મનમાં આજે પણ એવું થાય છે કે મારી પાસે સ્કિન-ટ્રીટમેન્ટ માટેનું એક સ્થળ Skin Studio (સ્કિન સ્ટુડિયો) હોવો જોઈએ. પરંતુ અલગ-અલગ શહેરોમાં જે ક્લાઈન્ટસ બન્યા છે તે જોતાં વિચાર થાય છે કે હું જે કરી રહ્યો છું તે યોગ્ય છે. આ પ્રકારના કામમાં વધુ પડતો પ્રવાસ હોવાથી સમય સૂચકતા અને ચોક્કસતા અત્યંત જરૂરી છે. આજ સુધી મારે કોઈ પણ જગ્યાએ જાહેરાત કરવાની જરૂર નથી પડી. અને છેલ્લા છ મહિનાથી હું સંપૂર્ણપણે ફ્રિલાન્સિંગ કરું છું. જેથી ક્લાઈન્ટસ વધતા પણ જાય છે. સાથે-સાથે પ્રોડક્ટ પ્રમોશનનાં પ્રોગ્રામ પણ હોય છે. ફ્રી સમયમાં તેમાં કાર્યરત હોઉં છું.
ફેશિયલ ટ્રીટમેન્ટસનાં વર્કશોપ પણ કરૂં છું. કોઈ સંસ્થામાં બ્યૂટિ વિષે વક્તવ્ય આપવા માટે પણ બોલાવવામાં આવે છે. અને કોર્પોરેટ ઓફિસનાં કર્મચારીઓ માટે કે ક્લબમાં સેલ્ફગ્રૂમિંગ માટે પ્રોગ્રામ થાય છે જેમાં કાર્યરત હોઉં છું. આમ આ બધા અલગ-અલગ સ્રોતથી ક્લાઇન્ટસની ઇન્કવાયરી આવે છે. જેમાં સિલેક્ટિવ ક્લાઇન્ટસ બનાવું છું.
ગુએઃ આજની વર્કિંગ વુમન અને ટીનેજર્સ માટે સારી સ્કિન રાખવા નિયમિત શું કરવું જોઈએ ?
ત્વચાનાં પ્રકાર અને જરૂરિયાત અનુસાર નિયમિત રીતે ક્લિન્ઝિગ-ટોનિંગ-નરિશિંગ અને પંદરેક દિવસે એક વખત Exfoliation (સ્ક્રબ) કરવું જરૂરી છે. નિયમિતપણે ત્વચાની સંભાળ જો શરૂઆતથી જ લેવામાં આવે તો ત્વચામાં ઘણો નિખાર આવતો જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે જરૂરી હોય તો તે પ્રમાણેની યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી.
ગુએઃ ભવિષ્યમાં શું પ્લાન છે ?
ક્લાઈન્ટસ વધતા જાય છે, અલગ-અલગ શહેરોમાં. માટે લોકલી જે તે શહેરમાં દર મહિને ચારથી પાંચ દિવસ કામ કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યો છું. જેના માટે યોગ્ય સ્થળ અને સેટઅપ હોય તેવા લોકો સાથે સંપર્કમાં છું.
સાથે-સાથે વધુને વધુ હાઈએન્ડ પ્રોડક્ટસની શરૂઆત કરવાનો પ્લાન છે. જેમ-જેમ ક્લાઈન્ટસની જરૂરિયાત વધશે તેમ નવી-નવી ટ્રિટમેન્ટસ પણ ધ્યાનમાં છે. અર્થાત્ આવનારા દિવસોમાં મુંબઈ, પુના, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં ટેમ્પરરી સેટઅપનો પ્લાન છે. એટલે કે મહિનામાં ત્રણથી ચાર દિવસ જે તે શહેરમાં હાજર રહી ક્લાઈન્ટસ કરવા.
ગુએઃ તમારી કલ્પના બહાર કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો હોય એવું ક્યારેય બન્યું છે ?
હા. ચોક્કસપણે. જ્યારે ગેટવે ઓફ ઇન્ડિયા કુલાબામાં આવેલી ધ તાજમહલ હોટલમાં લગભગ દસકો કામ કર્યું હતું અને એક વરસ તાજ લેન્ડસ એન્ડ, બાંદ્રામાં. આલિમહકિમ અને તાજ સલૂનનાં કોલેબોરેશન સાથે કામ કર્યું હતું. મારો ઇન્ટરવ્યૂ લેવા માટે અને મારા કામને બિરદાવવા બદલ હું ગુજરાત એક્સક્લુઝિવનો ખૂબ જ આભારી છું.
Advertisement