બેનમૂન પૂરાતન ધરોહર ધરાવતું ડભોઈ ગામ અને એક જમાનામાં અત્યંત મનોહર શિલ્પો ધરાવતી તેની હીરા ભાગોળ જગવિખ્યાત છે. હીરા શિલ્પીના ગામ દર્ભવતી અને આજના ડભોઈ વચ્ચે તો ભૂતકાળની કથાઓ સિવાય બીજું કોઈ સામ્ય રહ્યું નથી. ચૂંટણી પંચ મુજબ 140મો ક્રમ ધરાવતી આ બેઠક જનરલ કેટેગરીમાં આવે છે. વડોદરાની નજીક હોવા છતાં ડભોઈ વિધાનસભા બેઠક છોટાઉદેપુર લોકસભા અંતર્ગત આવે છે. જેમાં ડભોઈ તાલુકો ઉપરાંત વડોદરા તાલુકાના 48 ગામ અને સમાવાયેલા છે. કુલ મતદાર સંખ્યા 2,28,045 નોંધાયેલી છે. ચાણોદ, કાયાવરોહણ જેવાં પ્રાચીન તીર્થસ્થાનો પણ આ મતવિસ્તાર અંતર્ગત આવે છે.
Advertisement
Advertisement
મિજાજઃ
રાજ્યભરમાં ગમે તે વેવ હોય તેને અવગણીને પોતાને માફક આવે એવો ઉમેદવાર ચૂંટવો અને પાતળી સરસાઈ આપવી એ આ બેઠકની વિશિષ્ટતા રહી છે. અહીં અત્યાર સુધીમાં કુલ 12 ચૂંટણી થઈ છે તેમાં 3000 કે એથી ઓછા મતે હાર-જીત થઈ હોય એવું 6 વખત બન્યું છે. પરિણામે અહીં દરેક ચૂંટણી વખતે મુખ્ય ઉમેદવારોને તમામ તાકાત કામે લગાડવાની ફરજ પડે છે. અહીં જાહેરસભાઓ કે રોડ શોની સરખામણીએ પ્રચાર માટે બપોરે ટીફિન બેઠક અને રાત્રે ખાટલાસભાઓનો મહિમા વિશેષ રહ્યો છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | સિદ્ધાર્થ પટેલ | કોંગ્રેસ | 10383 |
2002 | ચંદ્રકાંત પટેલ | ભાજપ | 16747 |
2007 | સિદ્ધાર્થ પટેલ | કોંગ્રેસ | 12950 |
2012 | બાલકૃષ્ણ પટેલ | ભાજપ | 5122 |
2017 | શૈલેષ મહેતા | ભાજપ | 2839 |
કાસ્ટ ફેબ્રિક
ડભોઈમાં પાટીદાર ઉપરાંત બ્રાહ્મણ, વાણિયા, સોની જેવી ઉજળિયાત કોમની વસ્તી નોંધપાત્ર છે. મુસ્લિમ અને દલિત સમાજ પણ સારી એવી સંખ્યામાં છે જે કોંગ્રેસની કમિટેડ વોટબેન્ક ગણાય છે. અહીં બાકીના જ્ઞાતિ સમુદાય હિન્દુત્વ કે બિનસાંપ્રદાયિકતાના પ્રભાવમાં આવ્યા વગર દર ચૂંટણીમાં અલગ અલગ પદ્ધતિથી મતદાન કરતાં રહે છે. આથી અહીં કોઈ નિશ્ચિત પેટર્ન પણ નથી અને એટલે જ આ બેઠક કોઈનો ગઢ પણ નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?
સમસ્યાઓઃ
શહેરી વિસ્તારોમાં અપાર ગંદકીની સમસ્યા વ્યાપક છે. તૂટેલા રસ્તાઓ અને ઉભરાતી ગટરોની સમસ્યા સામે અહીં થયેલી પોસ્ટકાર્ડ ઝુંબેશ છેક દિલ્હી ખાતે વડાપ્રધાન સુધી પહોંચી હતી. કોરોના કાળમાં સ્થાનિક ધારાસભ્યની નિષ્ક્રિયતા સામે પણ ફરિયાદો થઈ હતી. ચાણોદ, કાયવરોહણ તીર્થસ્થાનને કાશીની પેટર્ન પર વિકસાવવાના દાવા હજુ કાગળની બહાર નીકળ્યા નથી. સ્વચ્છ ડભોઈ-સમૃદ્ધ ડભોઈનો નારો હવે તો બોલવામાં મજાક સમાન ગણાવા લાગ્યો છે. ખેતીવિષયક સમસ્યાઓ પણ સ્થાનિકોએ બોલકા અવાજે વ્યક્ત કરી છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટ કાર્ડ
વડોદરાના ડેપ્યુટી મેયર રહી ચૂકેલા શૈલેશ મહેતા (સોટ્ટા)ને ગત ચૂંટણીમાં અણધારી રીતે ટીકિટ મળી ગઈ અને કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ જેવા દિગ્ગજ નેતાને હરાવીને તેઓ જાયન્ટ કિલર ગણાવા લાગ્યા હતા. યોગી આદિત્યનાથને પોતાના આદર્શ માનતાં સોટ્ટા આક્રમક હિન્દુત્વના પાણીએ ચૂંટણીના મગ ચડાવવામાં માહેર છે. જોકે પોતાના જ મતવિસ્તારમાં હિન્દુ ધર્મસ્થાનોની બદહાલી તેમનો માઈનસ પોઈન્ટ પણ બને છે. ડભોઈને તેનું પ્રાચીન નામ દર્ભવતી અપાવવાની વાતો ચૂંટણી જીતવા પૂરતી જ હોવાનું ફલિત થયું છે. વડોદરા જિલ્લામાં ભાજપ નો રિપિટ થિયરી અપનાવશે એવી હવા સાચી ઠરે તો સોટ્ટાની ટિકિટ કપાવાની શક્યતા છે. એ સંજોગોમાં ભાજપ કોઈએ ન ધાર્યો હોય તેવો મહિલા ચહેરો લાવે એમ બને.
આ પણ વાંચો: #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
હરીફ કોણ છે?
કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ આ બેઠક પરથી બે વાર ધારાસભ્ય બની ચૂક્યા છે. સોટ્ટા સામેનો સ્થાનિક સ્તરે કચવાટ જોતાં તેઓ ફરીથી અહીં ઉમેદવારી કરે એવી શક્યતા બળકટ છે. ફરીથી હારવાના ભયથી જો સિદ્ધાર્થ પટેલ જેવા જાયન્ટ અહીંથી ખસી જાય તો એમના સિવાય બીજા કોઈ મજબૂત દાવેદાર જણાતાં નથી. કોંગ્રેસ અહીં સંગઠનના સ્તરે તળિયાઝાટક છે. ઉમેદવારે પોતાના બળબૂતા પર જ પ્રચાર અભિયાન કરવું પડે એવી સ્થિતિ છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની સુસ્ત પડેલી કમિટેડ વોટબેન્કને જગાડી શકાય તો કોંગ્રેસ માટે હજુ ય અહીં આશા ઉજળી છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
ત્રીજું પરિબળઃ
આમ આદમી પાર્ટીનો અહીં નહિવત્ત પ્રભાવ છે. વડોદરા શહેરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે પરંતુ ગ્રામ્ય સ્તરે તેની કોઈ નોંધ લેવાતી નથી. ડભોઈમાં મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે પરંતુ MIM અહીં ઉમેદવાર ઉતારે એવી ય કોઈ શક્યતા હજુ સુધી જણાતી નથી. એ સંજોગોમાં અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ જામે એમ બને.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
Advertisement