નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી આશા પારેખને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી છે. આશા પારેખ અભિનેત્રીની સાથે સાથે પ્રોડ્યૂસર અને ડિરેક્ટર પણ રહ્યા છે. આ પહેલા તેમણે ભારત સરકાર તરફથી પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.
Advertisement
Advertisement
આશા પારેખ ગુજરાતી મૂળની એક લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી છે, એક્ટ્રેસ હોવાની સાથે સાથે તે એક સારા ડાન્સર પણ છે. ગુજરાતી મૂળના હોવાને કારણે અખંડ સૌભાગ્યવતી કુલવધુ જેવી સફળ ફિલ્મ સહિત કેટલીક ગુજરાતી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.
આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942માં થયો હતો. આશા પારેખે પોતાના અભિનય કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરમાં કરી હતી. ફિલ્મ કટી પતંગમાં તેમના પ્રદર્શને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો હતો. 40 વર્ષની ફિલ્મ યાત્રામાં 80થી વધારે ફિલ્મમાં કામ કર્યુ છે. 1990ના દાયકાની ટીવી સીરિયલ બ્લેક પેપર્સ આશા પારેખ દ્વારા નિર્મિત એક હિટ બની ગઇ હતી.
પ્રથમ ફિલ્મ બાદ આશા પારેખે શમ્મી કપૂર સાથે એવી ફિલ્મ કરી જેમાં તીસરી મંજિલ સૌથી સફળ રહી હતી. મહુવા ભાવનગરના મૂળ રહેવાસી આશા પારેખ વર્ષમાં એક વખત અમરેલીના લાઠી તાલુકાના ભૂરખિયા હનુમાનજી મહારાજના મંદિરનો પ્રવાસ કરે છે.
દાદા સાહેબ ફાળકે એવોર્ડનો પ્રારંભ ક્યારે થયો?
દાદા સાહેબ ફાળકે એવોર્ડનો પ્રારંભ દાદા સાહેબ ફાળકેના જન્મ દિવસ પર વર્ષ 1969થી થયો હતો, જે ભારત સરકાર દ્વારા સિનેમાના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આ એવોર્ડ તે વ્યક્તિને આપવામાં આવે છે જે સિનેમાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ એવોર્ડની સાથે એક ગોલ્ડ કમલ શાલ અને 10 લાખ રૂપિયા કેસ પ્રાઇઝ મની તરીકે આપવામાં આવે છે. સર્વ પ્રથમ આ એવોર્ડ અભિનેત્રી દેવિકા રાનીને તેમની હિન્દી ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો.
કોણ હતા દાદા સાહેબ ફાળકે?
દાદા સાહેબ ફાળકેને ભારતીય સિનેમાના જનક કહેવામાં આવે છે, તેમનો જન્મ 30 એપ્રિલ 1870માં થયો હતો. વર્ષ 1913માં તેમણે રાજા હરિશચંદ્ર નામની પ્રથમ ફીચર ફિલ્મ બનાવી હતી. ફાળકેજી માત્ર ડિરેક્ટર નહતા પણ પ્રોડ્યૂસર અને સ્ક્રીન રાઇટર પણ હતા, તેમણે 19 વર્ષની પોતાની કરિયરમાં 95 ફિલ્મ અને 27 શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યુ હતુ. ભારતીય સિનેમામાં તેમના યોગદાનને કારણે 1969થી ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમના સમ્માનમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાનું શરૂ કર્યુ હતુ. દાદા સાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે.
Advertisement