અમદાવાદ: ભારતે ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની ટી-20 સીરિઝમાં 2-1થી હરાવ્યું છે. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાઇ હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમે 168 રને જીત મેળવી છે. આ ટી-20માં ભારતની સૌથી મોટી જીત છે.
Advertisement
Advertisement
આ પહેલા ભારતીય ટીમે આયરલેન્ડને 143 રને હરાવ્યું હતું. આ મેચ 29 જૂન 2018માં ડબલિનમાં રમાયો હતો. હવે ભારતીય ટીમે પોતાની જીતનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
શુભમન ગિલની સદી
અમદાવાદમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે 63 બોલમાં અણનમ 126 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. કીવી ટીમ સામે જીત માટે 235 રનનો પડકાર આપવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ ઝડપી હતી.
આ પહેલા વન ડે સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યુ હતુ
મહત્વપૂર્ણ છે કે આ સીરિઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઇ હતી જેમાં ન્યૂઝીલેન્ડે 21 રનના અંતરથી જીત મેળવી હતી. તે બાદ બીજી મેચ લખનઉંમાં રમાઇ હતી જેમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી અને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી હતી. હવે સતત બીજી મેચ જીતીને આ સીરિઝ પર ભારતીય ટીમે 2-1થી કબજો કરી લીધો હતો. આ પહેલા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડે વન ડે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યુ હતુ.
ટી-20માં સદી ફટકારનારા શુભમન ગિલને મેન ઓફ ધ મેચ જ્યારે હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ભારતીય ક્રિકેટ ટીમ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમશે.
Advertisement