જુનાગઢ, જુનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે પોલીસ વિભાગને તણાવથી મુક્ત કરવા માટે ખાસ વિપશ્યના પરિચય અને આનાપાન ધ્યાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 1635 જેટલા પોલીસ તાલીમાર્થીઓએ અને અધિકારીઓ ભાગ લીધો હતો.
Advertisement
Advertisement
ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ કર્મીઓ તણાવમુક્ત બને તે માટે વિપશ્યના સાધના કરે એ હેતુથી ખાસ પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કક્ષાએ અને પોલીસ તાલીમ કેન્દ્રોમાં વિપશ્યના પરિચય અને આનાપાનનો દોઢ કલાકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ અંગે જુનાગઢ રેન્જ આઈજી શ્રી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આજની જીવનશૈલી તણાવ ભરેલી છે. પોલીસની સેવામાં સીધા જ લોકો સાથે સંપર્ક રહેતા અન્ય વ્યવસાયો અને નોકરીઓ કરતાં વિશેષ છે. આવા સમયે એક પોલીસ કર્મી પોતે શાંતિથી જીવી શકે તે માટે વિપશ્યના એક અક્સીર વિદ્યા છે. જુનાગઢના પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે અત્યારથી જ જો મનની શાંતિ વિશે પોલીસ કર્મી સમજી શકશે તો તે આગળ જતાં વધુ સારી રીતે કામ કરી શકશે.
પુરુષ અને મહિલા તાલીમાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ ટ્રેનિંગ કોલેજના અધિકારીગણ પણ આ દોઢ કલાકના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગોધરા પોલીસ દ્વારા પણ આ પ્રકારે વિપશ્યના પરિચય કાર્યક્રમ અને આનાપાનના અભ્યાસની તાલીમ માટે મોટી સંખ્યમાં મહિલા અને પુરુષ કેડેટ્રસ અને અધિકારીઓ જોડાયા હતા.
આ અંગે જેતપુરના ગાયનેકોલોજીસ્ટ ડૉ.કિશોરભાઈ લાખાણીએ વિપશ્યના પરિચય આપતાં જણાવ્યું હતું કે વિપશ્યના વિદ્યા 2500 વર્ષ જુની ભારતની અતિ પ્રાચીન ધ્યાન પદ્ધતિ છે. આ સાધના બિનસાંપ્રદાયિક છે. વિશ્વનો કોઈપણ વ્યક્તિ જાતિ, ધર્મ, રંગ કે વર્ણના ભેદભાવ વિના આ વિદ્યા શીખી શકે છે.
જે વિપશ્યના કેન્દ્રોમાં પ્રારંભિક સ્તરે દસ દિવસીય નિવાસી શિબિર શીખવવામાં આવે છે. વિપશ્યનામાં મનને એકાગ્ર કરીને તેને નિર્મળ કેવી રીતે બનાવવું, વિકારોથીકાયમી છૂટકારો કેવી રીતે મેળવીને શાંતિથી જીવવું અને તણાવથી મુક્ત જીવન કેવી રીતે જીવવું વ્યવહારિક રીતે શીખવવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ આ સાધના વિપશ્યના કેન્દ્રમાં જઈને નિઃશુલ્ક શીખી શકે છે તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ગુજરાતમાં કચ્છ-માંડવી,રાજકોટ, અમદાવાદ-ધોળકા, મહેસાણા-મીઠા, નવસારી, પાલીતાણા, જુનાગઢ, ભરુચ, મોડાસા, નર્મદા ખાતે આઠેક જેટલાં વિપશ્યના કેન્દ્રો આવેલા છે.
વિશ્વમાં 225થી વધુ અને ભારતમાં 100થી વધુ વિપશ્યના કેન્દ્રો છે જ્યાં આખું વર્ષ નિયમિત રીતે વિપશ્યના શીખવવામાં આવે છે.
Advertisement