તુંવર મુજાહિદ : દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલી પશુઓની લમ્પી સ્કિન બિમારી સૌથી વધારે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા રાજ્યના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પાછલા ત્રણ મહિનાઓમાં આ બિમારી ગાયોમાં ખુબ જ ઝડપી ફેલાઈ રહી છે.
Advertisement
Advertisement
આ બિમારીના પ્રકોપથી અનેક ગાયોના મોત થઈ ચૂક્યા છે અને પ્રતિદિવસ મોટી સંખ્યામાં મોતો થઈ રહ્યાં છે. લમ્પી વાયરસ માત્ર ગાયો જ નહીં પરંતુ પશુ-પાલકો અને ખડૂતોને પણ આર્થિક રીતે મારી રહ્યું છે. તેવામાં સરકારે રસીકરણ સહિત અન્ય પગલાઓ પણ બને તેટલા ઝડપી ભરવા જોઈએ.
પશુપાલન વિભાગના ડૉ બીએસ લૌરા, ડાયરેક્ટર જનરલના જણાવ્યા અનુસાર- આ બિમારી હરિયાણાના પડોસી રાજ્ય રાજસ્થાન અને પંજાબથી આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેથી હરિયાણાના બધા ઉપાયુક્ત અને પોલીસ અધિક્ષકોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે પશુઓને તેઓ ભારત સરકારના દિશાનિર્દેશ અને ગાઈડલાઈન અનુસાર બોર્ડર ક્રોસ થવાથી રોકે, કોઈપણ પશુ એકથી બીજા રાજ્યમાં જઈ શકે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવે.
લમ્પી સ્કીન રોગ શું છે?
લમ્પી ચામડીનો રોગ એક ચેપી વાયરલ રોગ છે જે પશુઓને અસર કરે છે. આ બિમારી પોક્સવિરિડે વાયરસ પરિવારના નીથલિંગ વાયરસથી થાય છે. આ વાયરસ મચ્છરો, માખીઓ અને બગાઈ જેવા લોહી ચૂસનારા જંતુઓ દ્વારા ફેલાય છે.
જ્યારે પશુઓને લમ્પીનો ચેપ લાગે છે, ત્યારે ગાયની ચામડી પર અને તેની નીચે વિસ્તૃત લસિકા ગાંઠો અને નોડ્યુલ્સ જોવા મળે છે. ચેપગ્રસ્ત પશુઓમાં વહેતું નાક, તાવ અને પગમાં સોજા પણ જોવા મળે છે અને આ રોગ તેમની ત્વચાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આ વાયરસ તેમના આર્થિક મૂલ્યને અસર કરે છે અને આ ઢોરોના માલિકોને ભારે નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો- લમ્પીને લઈને અશોક ગેહલોતનો PM મોદીને પત્ર, રાષ્ટ્રીય મહામારી જાહેર કરવાની માંગ
ડૉ. સુધીર ચૌહાણ, ગોલ્ફ કોર્સ વેટ્સ, ગુરુગ્રામના જણાવ્યા અનુસાર- “આ રોગ કેપ્રીપોક્સ વાયરસ (Capripox virus) નામના વાયરસથી થાય છે, જે પોક્સ વાયરસના પરિવારનો છે, જેમાં વિવિધ પ્રકારના વાયરસનો સમાવેશ થાય છે. તે ખાસ કરીને ભારતમાં ગાયોને અસર કરે છે. OIE, વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થ (અગાઉ ઓફિસ ઇન્ટરનેશનલ ડેસ એપિઝુટીઝ તરીકે ઓળખાતું હતું.) અનસાર, મોરબિડિટી (એટલે બિમારીથી પ્રભાવિત થનારા જાનવર) 20% છે અને મૃત્યુદર લગભગ 5% છે.”
લમ્પી રોગ કેવી રીતે ફેલાય છે?
લમ્પી ચામડીનો રોગ લોહી પીતા જંતુઓ દ્વારા ફેલાય છે. આમાં મચ્છર, બગાઇ અને વિવિધ પ્રકારની માખીઓ જેમ કે ત્સે-ત્સે અને હોર્સફ્લાયનો પણ સમાવેશ થાય છે, જે લોહી પીનારા પરોપજીવીઓને સંચારિત (transmit)કરે છે.
લમ્પી ઊંચા તાપમાન અને ભેજમાં ઝડપથી અને વધુ સરળતાથી ફેલાય છે. પશુપાલન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે લમ્પી સ્કિન ડિસીઝનો હાલનો પ્રકોપ આફ્રિકામાં શરૂ થયો હતો અને પાકિસ્તાન થઈને ભારતમાં ફેલાયો છે.
પાકિસ્તાને ફેબ્રુઆરી 2022માં કરાચીમાં લમ્પી સ્કિન ડિસીઝ ફાટી નીકળવાની જાણ કરી હતી.
ડૉ. દીપશિખા સિંઘ, ગોલ્ફ કોર્સ વેટ્સ, ગુરુગ્રામના જણાવ્યા અનુસાર – “લમ્પી ચામડીનો રોગ ગાયની ચામડીને અસર કરે છે, તેમાં ફોલા થયા પછી તે ફાટીને ઉખડી જાય છે, તેથી બેક્ટેરિયાઓને પ્રવેશવું સરળ બની જાય છે અને ગૌણ પરોપજીવી ચેપનું કારણ બને છે. જ્યારે ગાયની ચામડી પર ચાંદા પડે છે, ત્યારે માખીઓ આવે છે, આમાં તેઓ તેમના ઇંડા મૂકી દે છે, જેમાંથી મેગોટ્સ જન્મે છે અને ગાયના શરીર પર અલ્સર થઈ જાય છે. ભારતમાં આવું ઘણું થઈ રહ્યું છે અને તેના કારણે મોટી સંખ્યામાં ગાયો મરી રહી છે. એક સારી વાત તે છે કે તેની અસર ભેંસોને થઈ નથી.”
આ પણ વાંચો- લમ્પી વાયરસ: ગુજરાતી મીડિયાને ગુજરાતના પશુ-પાલકોમાં નહીં જ્ઞાનવાપી મસ્જિદમાં રસ કેમ?
શું માણસોને લમ્પી રોગ થઈ શકે છે?
રિસર્ચોમાં કહેવામાં આવ્યું છે કે આ શતાબ્દીમાં 10,000થી વધારે જૂનોટિક (zoonotic) વાયરસો, ક્લાઈમેન્ટ ચેન્જથી વધતા તાપમાનના કારણે જાનવરોમાંથી મનુષ્યોમાં ફેલાવવાની સંભાવના છે. પરંતુ લમ્પી સ્કિન રોગ તેમાંથી એક નથી અને તે અત્યાર સુધી માનવીઓના સ્વાસ્થ્યને લઈને ખતરો નથી.
જોકે, લમ્પીથી થનારો આર્થિક નુકશાન ખુબ જ ગંભીર હોઈ શકે છે, સંક્રમિત ગાયોની ત્વચા અને સ્વાસ્થ્યને ગંભીર નુકશાન થાય છે અને બિમારીથી મોટા પ્રમાણમાં ગાયોના મોત થઈ શકે છે.
દેશમાં આ બિમારીથી સંબંધિત મુખ્ય ચિંતા છે, પશુ-પાલકો અને ખેડૂતોને થનાર આર્થિક નુકશાન. આ બિમારીથી ગાયોનું દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય છે, તેમનું એબોર્શન થઈ જાય છે, ઈન્ફર્ટિલિટી થાયછે અને સાથે જ જાનવરોની ખાલને પણ નુકશાન પહોંચે છે, જેના કારણે તેમનું આર્થિક મૂલ્ય ઓછું થઈ જાય છે.
આ પણ વાંચો- જામનગરના મહારાજા, જેમની 75 વર્ષ પછી પણ પોલેન્ડમાં પૂજા કરવામાં આવે છે
શું લમ્પી સ્કિન ડિસિઝને રોકવા અથવા તેની સારવાર કરવાની કોઈ રીત ખરી?
જે રીતે કોવિડ-19થી બચવા માટે રસી કારગર હતી તેવી જ રીતે લમ્પીથી બચવા માટે રસીકરણનો એકમાત્ર રસ્તો છે. તો એક સમાન્ય રસ્તો ચેપગ્રસ્ત ગાયો કે જાનવરોને અન્ય જાનવરોથી અલગ રાખવાનો છે. જોકે તે એટલો બધા કારગર સાબિત થઈ શકે તેમ નથી. જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 5.74 લાખથી વધુ પશુઓને લમ્પી રોગ સામે રસી આપવામાં આવી છે. જોકે, સરકારે ચેપગ્રસ્ત પશુઓ માટે રસી ઉપરાંત પણ અન્ય દવાઓ ખેડૂતોને પૂરી પાડવી જોઈએ, જેથી તેમના આર્થિક નુકશાનને અટકાવી શકાય.
ગુજરાતમાં લિમ્પીનો કેટલો કહેર?
સરકારી આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધી 20 જિલ્લામાં 58546 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 41106 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1676 પશુઓના મોત થયા છે. જયારે 15761 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે. ગુજરાતમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા અને વલસાડમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. આ રોગ 2244 ગામમાં પ્રસર્યો છે. જે પ્રતિદિવસ આગળ વધી રહ્યો છે. રસીકરણ કર્યા બાદ પણ અનેક ગાયો લિમ્પીના સંકજામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાતમાં અનેક પશુ-પાલકો એવા પણ છે, જેઓ પોતાના પશુઓની યોગ્ય દવા કરાવવા માટે આર્થિક રીતે સક્ષમ નથી. તેવામાં સરકાર તરફથી તેમને યોગ્ય દવા કરાવવાને લઈને મદદ કરવામાં આવે તો ગાયોના મરણને અટકાવીને એક મોટા આર્થિક નુકશાનથી બચી શકાશે.
Advertisement