મધ્ય ગુજરાતનું પ્રવેશદ્વારા કહેવાતા ખેડા જિલ્લાની નડિયાદ બેઠક ક્રમાંક 116 ધરાવે છે. જનરલ કેટેગરીની આ બેઠક ખેડા લોકસભા અંતર્ગત આવે છે. જેમાં નડિયાદ, ઉત્તરસંડા, વડતાલ અને કણજરી સહિત કુલ 14 ગામોના કુલ 2,72,168 મતદારો છે. સાક્ષરભૂમિનું બિરુદ ધરાવતા નડિયાદનું પૌરાણિક નામ નટપુર હતું. ગુજરાતી ગઝલ હોય કે નવલકથા, સાહિત્યનો પહેલો દીવડો નડિયાદમાં પ્રગટ્યો છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, બાલાશંકર કંથારિયા, મણિલાલ દ્વિવેદી જેવા સાક્ષરોની આ ભૂમિ સરદાર પટેલની જન્મભૂમિનું બહુમાન પણ ભોગવે છે. હવે તમાકુની ખેતી, શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓના કેન્દ્ર તરીકે વિખ્યાત છે. બેઠકપુરાણ નડિયાદઃ
Advertisement
Advertisement
મિજાજઃ
ડાહીલક્ષ્મી લાઈબ્રેરી જેવી નમૂનેદાર સંસ્થાઓ અને સંતરામ મહારાજ જેવા દિવ્યપુરુષના આશીર્વાદ ધરાવતું નડિયાદ રાજકીય રીતે જાગૃત ગણાય છે. મહાગુજરાત આંદોલન હોય કે અનામત આંદોલન, નડિયાદે હંમેશાં મક્કમ વલણોનું સમર્થન કર્યું. રાજકીય પક્ષોની વિચારધારા ઉપરાંત નડિયાદ પોતાના પ્રતિનિધિ માટે પણ આગ્રહી છે. એટલે જ અહીં છેલ્લી બાર ચૂંટણીમાં ચહેરા ફક્ત ત્રણ જ બદલાયા છે. દિનશા પટેલ અને પંકજ દેસાઈ પાંચ પાંચ વખત ચૂંટાયા છે. જ્યારે એક વખત ધિરેન દેસાઈને તક મળી છે. અહીં જે જનતાનો વિશ્વાસ મેળવે છે તેને જનતા સતત તક આપતી રહે છે. આ બાબત પણ નડિયાદની વિશેષતા ગણવી પડે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | પંકજ દેસાઈ | ભાજપ | 13264 |
2002 | પંકજ દેસાઈ | ભાજપ | 23624 |
2007 | પંકજ દેસાઈ | ભાજપ | 13360 |
2012 | પંકજ દેસાઈ | ભાજપ | 6587 |
2017 | પંકજ દેસાઈ | ભાજપ | 20838 |
કાસ્ટ ફેબ્રિક
આશરે 30,000 જેટલાં પાટીદાર મતદારો ધરાવતી નડિયાદ વિધાનસભા બેઠક પરથી એકપણ અપવાદને બાદ કરતાં પાટીદારો જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આશરે 25,000 જેટલાં મુસ્લિમ મતદારો પછી અનુસુચિત જાતિ-જનજાતિની વસ્તી અહીં 18,000 જેટલી છે. બ્રાહ્મણો અને વાણિયા પણ અહીં 16000 જેટલી નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. દરેક રાજકીય પક્ષો પાટીદાર સિવાયના સમીકરણો ગોઠવવા પ્રયત્નશીલ હોય છે પરંતુ છેલ્લી ઘડીએ પાટીદાર સિવાયના ઉમેદવારને અજમાવવાની હિંમત કોઈ કરી શકતું નથી. પાટીદારો બંને પક્ષના ઉમેદવારો જોઈ-ચકાસીને પછી કોઈ એક ઉમેદવાર માટે સામુહિક મતદાન કરવા ટેવાયેલા છે પરિણામે બીજી જ્ઞાતિઓને ઉમેદવારી મળવાની સંભાવના ઓછી રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ધારીઃ ભાજપે પક્ષપલટો કરાવીને અણધારી કરી, હવે ધારીમાં કોંગ્રેસ ફરીથી ધાર્યું કરી શકશે?
સમસ્યાઓઃ
સતત સત્તાધારી ભાજપના ઉમેદવારને ચૂંટવા છતાં નડિયાદમાં વરસાદી પાણીના નિકાલ અને આડેધડ ટ્રાફિક જેવી સમસ્યાઓ મુખ્ય ગણવી પડે છે. અમદાવાદ-મુંબઈ રોડ પર હોવા છતાં નડિયાદને એકપણ મોટી ઈન્ડસ્ટ્રિઝ મળી નથી પરિણામે આનુષંગિક ઉદ્યોગો વિકસ્યા નથી. નગર આયોજનમાં રેઢિયાળપણું છે. નવા વિસ્તારો આડેધડ વિકસતા જાય છે જ્યાં ગટર, રસ્તા કે પાણીના નિકાલની વ્યવસ્થા હોતી નથી. સ્માર્ટ સિટી કે ગ્લોબલ સિટીના વચનો ગુલબાંગો જ સાબિત થયા છે. બેઠકપુરાણ નડિયાદ
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
સતત પાંચ ટર્મથી એકધારી સરસાઈ જાળવીને જીતતા રહેલાં પંકજ દેસાઈ અહીં જમીની સ્તર પર સારી એવી પકડ ધરાવે છે. એક સમયે દિનશા પટેલના શિષ્ય ગણાતા હતા. બાદમાં ગુરુને હરાવીને જાયન્ટ કિલર બન્યા ત્યારથી તેમનો દબદબો જળવાઈ રહ્યો છે. ભાજપમાં મોદી-શાહના નિકટના વિશ્વાસુ તરીકેની તેમની છબી છે. એટલે જ, વિજય રૂપાણી સરકારમાં બધાને ઘર ભેગા કર્યા છતાં પંકજ દેસાઈને અપવાદરૂપ ગણીને દંડક તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. એ જોતાં ટીકિટની ફાળવણીમાં પણ તેઓ ફરીથી અપવાદરૂપ ગણાય તેમ બની શકે. આ વખતે ભાજપ શહેરી વિસ્તારોમાં મહિલા ઉમેદવારોને તક આપવા ધારે છે એ સંજોગોમાં નડિયાદની બેઠક પરથી જાહ્નવી વ્યાસ માટે પણ સંજોગો ઉજળા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જંબુસરઃ કોંગ્રેસની હાલકડોલક ‘સંજયદૃષ્ટિ’ સામે ભાજપને નવા-જૂના ચહેરાની મથામણ
હરીફ કોણ છે?
કોંગ્રેસ આ બેઠક પર છેલ્લાં પચ્ચીશ વર્ષથી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. પંકજ દેસાઈએ ધારાસભ્યપદે પોતાની પાંચ ટર્મ દરમિયાન હરીફ તરીકે કોઈને ઊભા થવા દીધા નથી. પાલિકા અને પંચાયતોમાં પણ ભાજપનો દબદબો છે. એ જોતાં કોંગ્રેસે ઉમેદવાર શોધવા મુશ્કેલ છે. ગત ચૂંટણીમાં હારી ગયેલા જીતેન્દ્ર પટેલ ફરીથી દાવેદારી કરી રહ્યા છે. મહિલા ઉમેદવાર તરીકે ભાજપ જો જાહ્નવી વ્યાસને તક આપે તો કોંગ્રેસ પણ બ્રાહ્મણ ઉમેદવાર તરીકે શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટને મેદાનમાં ઉતારી શકે છે.
ત્રીજું પરિબળઃ
શહેરી વિસ્તાર તરીકે આમ આદમી પાર્ટી અહીં સતત ચર્ચામાં રહેવા પ્રયત્નશીલ છે પરંતુ યોગ્ય ઉમેદવારનો પ્રશ્ન તેને ય નડે છે. બિનરાજકીય અને પ્રભાવશાળી ચહેરાને ઉતારવાના પ્રયાસમાં એક નામાંકિત તબીબ જો તૈયાર થાય તો આમઆદમી પાર્ટી અહીં ચિત્રમાં આવી શકે છે. અલબત્ત સારા ઉમેદવાર ઊભા રાખશે તો ભાજપની સરસાઈમાં કદાચ ઘટાડો થાય. પરિણામ પર એથી વિશેષ ફરક પડે તેમ જણાતું નથી. બેઠકપુરાણ નડિયાદ
આ પણ વાંચો: #ઝીણી નજરે: ભાવનગરના પ્રિન્સ પર સૌની નજર, જયવીરરાજનું મગદળ કોની સામે ફરશે?
Advertisement