- સળંગ 12 ચૂંટણીમાં 50%થી વધુ મતદાન કરનાર ગુજરાતનો એકમાત્ર મતવિસ્તાર
- એક એવો મતવિસ્તાર જ્યાં આજ સુધીમાં મહિલાઓએ કદી ઉમેદવારી કરી નથી
ધૈવત ત્રિવેદી, ગુજરાત એક્સક્લૂઝિવ: ભરુચ જિલ્લાની જંબુસર બેઠક ચૂંટણી પંચ દ્વારા 150મો ક્રમ ધરાવે છે. જનરલ કેટેગરીની આ બેઠક અંતર્ગત જંબુસર અને આમોદ તાલુકાનો સમાવેશ થયેલો છે અને કુલ મતદારોની સંખ્યા 2,39,157 જેટલી નોંધાયેલી છે. જંબુસર એ ખંભાત, બોરસદ, પાદરા, કરજણ અને ભરુચ એમ મધ્ય ગુજરાત, ચરોતર અને દક્ષિણ ગુજરાતનો ત્રિભેટો ગણાય છે. આથી અહીંની રાજકીય માનસિકતા બહુ વિશિષ્ટ રહી છે. સળંગ 12 ચૂંટણીઓમાં 50%થી વધુ મતદાન કરનાર મતવિસ્તાર તરીકે જંબુસર સમગ્ર રાજ્યમાં અગ્રેસર છે. આ મુખ્યત્વે ગ્રામ્ય મતવિસ્તાર ગણાય છે પરંતુ રાજકીય જાગૃતિ અદકેરી છે.
Advertisement
Advertisement
મિજાજઃ
જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ મતદાન 38-40 ટકા થતું હતું ત્યારે પણ જંબુસર બેઠક પર કાયમ 50%થી વધુ મતદાન થતું રહ્યું છે. એ જ દર્શાવે છે કે આ બેઠકના મતદારો રાજકીય રીતે પરિપક્વ છે. એટલે જ અહીં કોઈ એક પક્ષનું કાયમી વર્ચસ્વ રહ્યું નથી. ઉમેદવાર અને મુદ્દાઓ ઉપરાંત રાજ્યની રાજકીય ગતિવિધિના આધારે અહીં મતદાન થતું રહે છે. હિન્દુત્વના ઉભરાની અસરમાં અહીં છત્રસિંહ મોરી સતત જીતતા રહ્યા હતા અને 2017માં યુવા ઉમેદવાર સામે હારી પણ ગયા હતા. એટલે અહીં કોઈ નિશ્ચિત પેટર્નના આધારે નિષ્કર્ષ તારવવો રાજકીય પંડિતો માટે મુશ્કેલ ગણાય છે. આ બેઠક પરથી એકપણ વખત મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા નથી એ પણ જંબુસરની વિશેષતા ગણવી પડે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પક્ષ | સરસાઈ |
1998 | છત્રસિંહ મોરી | ભાજપ | 11008 |
2002 | છત્રસિંહ મોરી | ભાજપ | 12373 |
2007 | કિરણભાઈ મકવાણા | કોંગ્રેસ | 1001 |
2012 | છત્રસિંહ મોરી | ભાજપ | 18730 |
2017 | સંજયભાઈ સોલંકી | કોંગ્રેસ | 6412 |
કાસ્ટ ફેબ્રિક
જંબુસરમાં કોળી સમાજની 16% વસ્તી સાથે સૌથી વધુ પ્રભાવશાળી છે. પછીના ક્રમે 13% મુસ્લિમો છે. એ ઉપરાંત આદિવાસી, દલિત મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. છેલ્લી પાંચ ચૂંટણીઓના પરિણામો જોઈએ તો બંને મુખ્ય પક્ષો કોળી સમાજના ઉમેદવાર મેદાનમાં ઉતારવાનું પસંદ કરે છે. એટલે આ બેઠક કોળી સમાજ માટે અનામત હોય એવી અઘોષિત સ્થિતિ સર્જાઈ છે. બ્રાહ્મણ, લોહાણા, કડિયા જેવી જ્ઞાતિઓ 5થી 7% જેટલાં પ્રમાણમાં છે એટલે તેમની નોંધ પાલિકા, પંચાયત પૂરતી સિમિત રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?
સમસ્યાઓઃ
ગ્રામ્ય વિસ્તાર હોવાથી અહીં સિંચાઈના પ્રશ્નો સૌથી વધુ ઉઠતા રહે છે. નર્મદાનો કાંઠા વિસ્તાર હોવા છતાં અહીં ખેતીલાયક જમીન ઘસારો ખમતી જાય છે. જમીનના તળ સતત ઊંડા ઉતરી રહ્યા છે. આ મુદ્દો અતિશય ગંભીર હોવા છતાં અહીં સેમિનાર, સર્વે જેવા દેખાડાને બાદ કરતાં કશું નક્કર કામ ભાગ્યે જ થયું છે. ઘરઆંગણે રોજગારીની સમસ્યા પણ બહુ મોટી છે. મોટા ઉદ્યોગોના વચનો માત્ર કાગળ પર રહ્યા છે. ભરુચ ખાતે કાર્યરત ખાતરના કારખાનાઓના પ્યોરિફિકેશન પ્લાન્ટ જંબુસરમાં નાંખવાનું આયોજન પણ આગળ વધી શક્યું નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી યુવાન અને આક્રમક મિજાજ ધરાવે છે. ભાજપના દિગ્ગજ છત્રસિંહ મોરીને ત્રિપાંખિયા જંગમાં હરાવીને પહેલી વાર વિધાનસભામાં પહોંચ્યા હતા. જોકે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સાથે ઘનિષ્ઠ મિત્રતા ધરાવતા સંજય સોલંકી પણ અક્ષય પટેલના પગલે ભાજપમાં જોડાશે એવી હવા વખતોવખત પ્રસરતી રહી છે જેને લીધે મતદારોમાં તેમની વિશ્વસનિયતાને આંચ તો આવી જ છે. આમ છતાં કોંગ્રેસ પાસે ફરીથી સંજય સોલંકી પર જ પસંદગીનો કળશ ઢોળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સ્થાનિક સ્તરે યુવા ગ્રુપના માધ્યમથી વ્યાપક સંપર્ક ધરાવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેમણે જનસંપર્ક જાળવી રાખ્યો છે. જોકે પાંચ વર્ષ દરમિયાન તેમના નામે નોંધપાત્ર કામગીરી ખાસ બતાવી શકાય તેમ નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
હરીફ કોણ છે?
આ બેઠક પરથી પાંચ વાર જીતેલા અને બે વાર હારેલા છત્રસિંહ મોરી હજુ પણ ભાજપના દાવેદાર ગણી શકાય. પરંતુ વયમર્યાદાના કારણે તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે તો ભાજપ માટે કશ્મકશ ઊભી થઈ શકે તેમ છે. 2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને આશરે સાત હજાર મત મેળવી ગયેલા અને એ રીતે કોંગ્રેસને જીતવામાં સહાય કરનાર દિગ્ગજ નેતા ખુમાનસિંહ વાંસિયા ફરી ભાજપમાં પાછા ફર્યા છે. તેમની દાવેદારી પણ મક્કમ ગણવી પડે. સંજય સોલંકીના ભાજપપ્રવેશ આડે વાંસિયાએ જ પગ મૂક્યો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાય છે. એટલે મોટાભાગે સોલંકી વિ. વાંસિયાનો જંગ થાય એવી શક્યતા બળવત્તર છે.
અહીં આમઆદમી પાર્ટીનું ખાસ કશું વજુદ નથી પરંતુ અસદુદ્દિન ઓવૈસીની પાર્ટી MIM દ્વારા અહીં નિયમિત બેઠકો થતી રહે છે. એટલે MIM અહીં ઉમેદવારી કરે એવી શક્યતા નકારી શકાય નહિ. AAP અને છોટુ વસાવાનું ગઠબંધન બાળમરણ પામ્યું છે. એટલે એ પણ પડકાર સર્જી શકે તેમ નથી. છતાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે બળવાખોર ઉમેદવારો આ બેઠક પર સૌથી મોટું સરદર્દ બનતાં હોય છે એ સ્થિતિ આ વખતે પણ જોવા મળે તો નવાઈ નહિ.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
Advertisement