અમરેલી જિલ્લાની ધારી બેઠક જનરલ કેટેગરીની છે અને ચૂંટણીપંચ દ્વારા 94મો ક્રમ ધરાવે છે. અમરેલી લોકસભા બેઠકમાં આવતી આ વિધાનસભા બેઠક અંતર્ગત ધારી અને બગસરા તાલુકો ઉપરાંત ખાંભા તાલુકાના 28 ગામ સામેલ છે. 2,22,080 મતદારો નોંધાયેલા છે. પૂરો મતવિસ્તાર ગ્રામ્ય છે. અહીં શિક્ષણનું પ્રમાણ 90% છે અને મોટાભાગની વસ્તી ખેતી આધારિત છે. એક સમયે મગફળીના વાવેતરમાં ગુજરાતભરમાં અવ્વલ ગણાતાં આ વિસ્તારમાં હજુ પણ તેલીબિયાંની ખેતી વ્યાપક છે પણ હવે મુખ્ય વાવેતર હવે કપાસ ગણાય છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ખેતીની માફક રાજકીય વાવેતર પણ વખતોવખત બદલવામાં આ મતવિસ્તાર માહેર છે. અહીં ખેતી આધારિત સરકારી નીતિ મુખ્યત્વે મતદાતાઓનો રાજકીય મિજાજ ઘડનારી રહી છે. અલગ ગુજરાત રાજ્યની રચના પછી 1972 સુધી ધારી વિધાનસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત હતી. 1975 પછી તેને જનરલ કેટેગરી મળી છે. એ પછી મોટાભાગે અહીં ખેડૂત અને પાટીદાર ઉમેદવારો જ જીતતા આવ્યા છે, પણ પક્ષ પ્રત્યેની આંધળી વફાદારીનું પરિબળ અહીં જોવા મળતું નથી. ચીમનભાઈ પટેલના શાસનમાં ખેડૂતતરફી નીતિના કારણે આ બેઠક પરથી મનુભાઈ કોટડિયા જીતતા રહ્યા હતા. એ પછી ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસનું ચલકચલાણું રમાતું રહે છે. ધારી, બગસરા પાલિકા અને પંચાયતમાં સત્તા ભાજપ હસ્તક છે પરંતુ કોંગ્રેસ પણ લગોલગ રહી હોવાથી મજબૂત ગણાય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | બાલુભાઈ તંતી | ભાજપ | 13752 |
2002 | બાલુભાઈ તંતી | ભાજપ | 1774 |
2007 | મનસુખભાઈ ભુવા | ભાજપ | 17862 |
2012 | નલિન કોટડીયા | જીપીપી | 1575 |
2017 | જે.વી. કાકડિયા | કોંગ્રેસ | 15336 |
2020 | જે.વી. કાકડિયા | ભાજપ | 17209 |
કાસ્ટ ફેબ્રિક
38% પાટીદાર મતદાર ધરાવતી આ બેઠક પર 27,000 કોળી મતદારો પણ નોંધપાત્ર ગણાય છે. કોળી સમુદાય સહિત ઓબીસી મતદારોની ટકાવારી લગભગ 23% જેટલી છે. કાઠી ક્ષત્રિય સમાજના મત આશરે 12,000 જેટલાં છે. દલિત મતદારો 12% અને મુસ્લિમોનું પ્રમાણ માત્ર 4% જેટલું છે. પાટીદાર પ્રભાવિત બેઠક હોવાથી અહીં રાજકીય જાગૃતિ અને મહત્વાકાંક્ષાનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. છેલ્લી બે ચૂંટણીમાં રાજ્ય સરકારના ખેડૂતનીતિના વિરોધમાં અને ખાસ તો પાટીદાર અનામત આંદોલનને લીધે સરકાર વિરોધી હવામાન હતું. એટલે જ 2012માં મનુભાઈ કોટડિયાના પુત્ર નલિન કોટડિયા અને પછી જે.વી.કાકડિયા આ બેઠક પરથી જીતી શક્યા હતા. આ વખતે એ પૈકી એકે ય પરિબળ નથી એટલે કાસ્ટ ફેક્ટર મોટાભાગે ભાજપને અનુકૂળ રહે એવી શક્યતા ઉજળી છે.
સમસ્યાઓઃ
ખેતી એ આ મતવિસ્તારની એકમાત્ર આજીવિકા છે પરંતુ ખેતી આધારિત ઉદ્યોગો અહીં વિકસ્યા નથી. એ સિવાય મોટા ઉદ્યોગો લાવવાની વાત માત્ર ચૂંટણીવચનો પૂરતી જ રહી છે. ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ અત્યંત બિસ્માર છે અને આરોગ્ય સેવાઓનું ધોરણ પણ કથળેલું રહે છે. જમીનની ફળદ્રુપતાનો ઘસારો બેહદ ચિંતાનો વિષય છે. વીશ વર્ષ પહેલાં વીઘા દીઠ જે ઉપજ થતી હતી તેમાં આજે નોંધપાત્ર ઘટાડો થયો છે. જમીન સુધારણા અંગેની સરકારની યોજનાઓથી આ વિસ્તાર વંચિત છે. ખેતીને ચોવીશ કલાક વીજળીના વચન પણ કાગળની બહાર નીકળતાં નથી. એટલે નવી પેઢીના યુવાઓ રોજગાર માટે કે વધુ વિકાસ માટે વતન છોડવા મજબૂર બને છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ તાલાળા (ગીર): ભાજપના વાવાઝોડાંમાં કોંગ્રેસના પડી ગયેલા આંબા ફરી ઊભા થશે ખરાં?
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
જે.વી.કાકડિયા 2017માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણીને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા હતા. એ વખતે તેમને ખેડૂતો અને ખાસ તો પાટીદાર આંદોલનનો બહુ મોટો સપોર્ટ મળ્યો હતો. ત્યારબાદ પક્ષપલટો કરીને કાકડિયા ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણી જીત્યા પણ ખરાં, પરંતુ તેમની સરસાઈમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. પક્ષપલટો કર્યો હોવાથી સ્થાનિક સ્તરે તેમની વિશ્વસનિયતામાં ઘટાડો થયો છે. છતાં કાકડિયાએ સ્થાનિક જનસંપર્ક રાખવા ઉપરાંત જિલ્લામાં સંગઠન સ્તરે પણ સારી એવી સક્રિયતા દાખવી છે. જોકે એમ છતાં તેમને ટીકિટ મળશે જ એવું ખાતરીપૂર્વક કહી શકાય નહિ. ટીકિટ ન મળે તો કાકડિયા શું કરશે એ અનુમાનનો અને ભાજપ માટે ચિંતાનો વિષય પણ બની શકે છે.
હરીફ કોણ છે?
સ્થાનિક વિસ્તારના એક સમયના દિગ્ગજ પાટીદાર નેતા મનુભાઈ કોટડિયા પરિવારનું આ વિસ્તારમાં સારું એવું વર્ચસ્વ મનાતું હતું. પેટાચૂંટણીમાં કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટીકિટ આપી હતી, જે 17 હજાર જેટલાં મતે હારી ગયા હતા. આ વખતે ભાજપ જો કાકડિયાને જ ટિકિટ આપે તો કોંગ્રેસ કોટડિયાને મેદાનમાં ઉતારે એવી પૂરી શક્યતા છે. એ સિવાય ધારીના વતની હોય અને સુરતમાં વસતા હોય એવાં બે પાટીદાર અગ્રણીના નામો પણ ચર્ચામાં છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: ભાવનગરના પ્રિન્સ પર સૌની નજર, જયવીરરાજનું મગદળ કોની સામે ફરશે?
ત્રીજું પરિબળઃ
ધારી વિસ્તારના પાટીદારો સુરતના વરાછા, અમરોલી, કામરેજ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસે છે એટલે આ બેઠક પરથી આમઆદમી પાર્ટી મજબૂત ઉમેદવાર ઉતારશે એ નક્કી છે. સ્થાનિક સ્તરે આપ મોટાભાગે ભાજપવિરોધી મતોમાં ભાગ પડાવે એવી શક્યતા હોવાથી આપની હાજરી ભાજપ કરતાં ય કોંગ્રેસ માટે વધુ પડકારરૂપ બનશે.
Advertisement