દિલ્હીઃ આજે જ્યારે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ બિલ પર ગૃહને સંબોધિત કરશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં મહિલાઓ માટે વિધાનસભા-લોકસભામાં 33 ટકા અનામતની માંગ કરવામાં આવી છે. આ પહેલા સોમવારે કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી.
Advertisement
Advertisement
ગઈકાલે સંસદ નવા બિલ્ડીંગમાં શિફ્ટ થઈ
ગઈકાલે સંસદ નવા બિલ્ડીંગમાં શિફ્ટ થઈ હતી અને નવા સંસદ ભવનમાં પ્રથમ સત્ર ચાલી રહ્યું છે, જેના પહેલા જ દિવસે હોબાળો થયો હતો. ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને નારી શક્તિ વંદન કાયદો નામ આપવામાં આવ્યું છે. આ બિલ પર થયેલા હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી આજે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે લોકસભામાં આ બિલ પર ચર્ચા થશે, જેમાં કોંગ્રેસ વતી સોનિયા ગાંધી ગૃહને સંબોધિત કરશે. વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે, તેવામાં આજે પણ ગૃહમાં હંગામો થવાની સંભાવના છે.
મહિલા અનામત બિલ પર ચર્ચાનો હિસ્સો બનવાના સવાલ પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે હા, સોનિયા ગાંધીજી ભાગ લેશે અને અમારી પાર્ટી વતી સોનિયા ગાંધીજી ચર્ચા શરૂ કરશે, તે નક્કી થયું છે.
રાજકીય નિવેદનબાજી ચાલુ
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બિલ વિશે કહ્યું કે અમે 2010માં રાજ્યસભામાં (મહિલા આરક્ષણ બિલ) પસાર કરી ચૂક્યા છીએ, પરંતુ કેટલાક કારણોસર આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું. આ કોઈ નવું બિલ નથી… મારું માનવું છે કે આ લોકો ચૂંટણીની દૃષ્ટિએ આવું કહી રહ્યા છે, પરંતુ તેમણે કહ્યું છે કે વસ્તીગણતરી અને સીમાંકન થયા પછીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવામાં આવશે, તેમાં સમય લાગશે, જે બિલ રાજ્યસભામાં પસાર થયું હતું તેને આગળ લઈ જઈ શકાયું હોત પણ તેમનો ઈરાદો કંઈક જુદો જ છે. અમે મહિલા અનામત બિલની તરફેણમાં છીએ પરંતુ જે ખામીઓ દૂર કરવી જોઈએ.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ ક્રેડિટ લેવાની (મહિલા આરક્ષણ બિલ પર) અથવા શ્રેયવાદની લડાઈ બંધ થવી જોઈએ. ગઈકાલે વડાપ્રધાન જૂના સંસદ ભવનથી નવા સંસદ ભવન સુધી આવ્યા. આ દેશની શરૂઆત પગપાળા ચાલીને થઈ હતી, ગાંધીજી પગપાળા ચાલ્યા હતા, સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ પગપાળા ચાલ્યા હતા. રાજીવ ગાંધી પગપાળા ચાલ્યા, રાહુલ ગાંધીએ પગપાળા ભારત જોડો યાત્રા કરી, ગઈકાલે મેં પહેલીવાર વડાપ્રધાનને પગપાળા ચાલતા જોયા પરંતુ આ પ્રવાસ અને પ્રયત્નોમાં ઘણાં કામો જૂના લોકોએ કર્યા છે. તેમાં મહિલા બિલ, ઈસરો અને ઘણું બધું સામેલ છે. આ દેશનું કામ છે, સરકાર તમારી છે, આવનારા દિવસોમાં બીજા કોઈની થશે. તમે મહિલાઓની વાત કરો છો તો તમે ક્રેડિટ લેવાની વાત કેમ કરો છો?
Advertisement