કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે સજા અને દોષી ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે આ મહિનાના પહેલા સપ્તાહમાં રાહુલ ગાંધીની રિવ્યુ અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં દોષી જાહેર થયા બાદ તેઓ લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા હતા. કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ હવે ‘મોદી સરનેમ’ મુદ્દે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
Advertisement
Advertisement
ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ‘મોદી અટક’ ટિપ્પણી સામે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવાની સજા પર મનાઈ ફરમાવવાનો ઇનકાર કરીને સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં અથવા સંસદ સભ્ય (MP)તરીકેના તેમના પદના સસ્પેન્શનને રદબાતલ કરવાની માંગ કરી શકશે નહીં. તે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટનો દોષી ઠેરવવાનો આદેશ યોગ્ય છે, આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા દસ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે.
શું છે સમગ્ર મામલો ?
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલે તેમની ટિપ્પણીથી સમગ્ર મોદી સમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના ભૂતપૂર્વ લોકસભા સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક જાહેર સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. 23 માર્ચે કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. તે પછી તેમનું લોકસભાનું સભ્યપદ પણ જતું રહ્યું અને સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો.
તાજેતરમાં જ અટક માનહાનિ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી મોદી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને કહ્યું કે કોર્ટ રાહુલ ગાંધીને સાંભળે તે પહેલા તેમને પણ તેમનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ. એટલું જ નહીં, તેમણે કોર્ટને એકપક્ષી ચૂકાદો ન સંભળાવવા માટે પણ અપીલ કરી છે.
Advertisement