અમદાવાદના રિક્ષાચાલકો આજથી ત્રણ દિવસ માટે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળનું એલાન રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા કરવામાં આવ્યું છે. યુનિયન દ્વારા ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે સફેદ નંબર પ્લેટવાળા વાહનોને ખાનગી એપ દ્વારા ટેક્સી તરીકે ચલાવવામાં આવે છે. અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયને 5 ઓક્ટોબર સુધી હડતાળ પર રહેવાનો નિર્ણય લીધો છે.
Advertisement
Advertisement
રિક્ષાચાલકોની આજીવિકા પર માઠી અસર
અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનનો આક્ષેપ છે કે શહેરમાં સફેદ નંબર પ્લેટવાળા વાહનો ખાનગી એપ દ્વારા ટેક્સી તરીકે બેફામ દોડી રહ્યા છે. જેના કારણે તેમની આજીવિકા પર માઠી અસર થઈ રહી છે, આ બાબતે આરટીઓ, ટ્રાફિક પોલીસ અને સરકારને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આવી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવાયો છે.
રિક્ષાચાલકોની હડતાળથી મુસાફરો પરેશાન થાય તો નવાઈ નહીં. શહેરમાં ઓનલાઈન એપ્સ દ્વારા ટુ-વ્હીલર ચલાવવાનું ચલણ વધી રહ્યું છે, જેના કારણે રિક્ષાચાલકોની રોજીંદી આવક પર વિપરીત અસર પડી રહી છે. ટુ-વ્હીલર પર ભાડું ચૂકવીને મુસાફરી કરવી ગેરકાયદેસર છે, તેને બંધ કરવાની અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે. પોતાની માંગને લઈને તેમણે 3જીથી 5મી ઓક્ટોબર સુધી હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે.
રિક્ષાચાલકો 3 થી 5 ઓક્ટોબર સુધી હડતાળ પર રહેશે
રિક્ષાચાલક એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાક સમયથી ઓનલાઈન એપ્સ દ્વારા ટુ-વ્હીલરની મુસાફરી ઝડપથી વધી રહી છે, જે ગેરકાયદેસર છે અને તેને રોકવી જોઈએ, આ અંગે સરકારને આવેદનપત્ર આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વાહનવ્યવહાર કમિશનરે સૂચના આપી છે કે ટુ-વ્હીલર પર કોઈ મુસાફર બેસશે નહીં, આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામા બાદ પણ કોઈ કાર્યવાહી ન થવાના કારણે આવા વાહનો હજુ પણ માર્ગો પર દોડી રહ્યા છે. શહેરમાં ખાનગી એપ દ્વારા સફેદ નંબર પ્લેટવાળા કેટલાં વાહનો ટેક્સી તરીકે દોડી રહ્યા છે તેની માહિતી સરકાર પાસે પણ નથી.
Advertisement