પાબીબેન.કોમ પાછળ જેમનું મસ્તિષ્ક કામ કરે છે અને કારીગર સાચા અર્થમાં આત્મનિર્ભર તે માટે એનજીઓ અને કોર્પોરેટથી અલગ છતાં ગાંધીજીના ગ્રામ સ્વરાજને સ્પર્શતા આધુનિક ટેકનોલોજી સાથેના એક નવા મોડેલને જન્મ આપનાર કારીગર ક્લિનિકના પ્રણેતા નિલેશ પ્રિયદર્શી સાથે વાત.
Advertisement
Advertisement
કારીગર ક્લિનિક એટલે શું ?
જેમ આપણી તબિયત ખરાબ થાય અને ડૉક્ટર દવા આપે છે એ જ પ્રમાણે કારીગરો માટે અમે તેમના બિઝનેસમાં એક એવી સિસ્ટમ તૈયાર કરી છે તેમાં તેમને મુશ્કેલી ના આવે અને યોગ્ય દિશામાં અમારો સહકાર મળે. આ પ્રકારની સિસ્ટમને અમે બિઝનેસ ઈકો સિસ્ટમ કહીએ છીએ. બે વર્ષ સુધી અમે કારીગરને પ્રોડક્ટ ડિઝાઈનથી લઈને તમામ પ્રકારના માર્કેટિંગ માટે સહકાર આપીએ છીએ.એકવાર તેઓ તૈયાર થઈ જાય પછી અમે તેમને સ્વતંત્ર બિઝનેસ કરવા માટે ઉડાન ભરવા દઈએ છીએ. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ઘણાં પ્રોગ્રામોમાં સ્કીલ ડેવલપમેન્ટ કે એન્ટરપ્રિન્યોરશીપ છે પણ આ એક પ્રેક્ટિકલ લેવલે ઊંડાણથી કરવામાં આવતું સ્કિલ ડેપલપમેન્ટ છે.
આ પ્રકારે કારીગર ક્લિનિક શરુ કરવાનો આપનો શું ઉદ્દેશ છે ?
અમારે કોઈ એનજીઓ નોતું બનવું. કોર્પોરેટ પણ નોતું બનવું. કરવું. પણ કારીગરને સીધો લાભ થાય એવો મોડેલને શોધી રહ્યા હતા. મેં ક્રાફ્ટ સેક્ટરના લિડિંગ સેક્ટરમાં વર્ષો સુધી કામ કર્યું છે. એટલે શું કરવું એ ચોક્કસ અને નક્કી હતું. દરેક કારીગરીમાં હું એ જોતો હતો કે જે બનાવનાર કારીગર છે, તેને ક્યાંય ઓળખ નથી મળતી. તેઓ પહેલા પણ મજૂરી કરતાં હતાં અને હવે પણ મજૂરી જ કરે છે. કેટલાંક એનજીઓ એવું કરવા માંડ્યા કે એક લેવલથી બીજા લેવલે પહોંચાડવા કરતાં તેમને મજૂરીઓ જ કરાવવી છે. એક લેવલે પહોંચ્યા પછી એનજીઓએ એક્ઝિટ થવાની જરૂર હતી પણ તેઓ નથી થઈ શક્યા. તો આ બે સિસ્ટમમાંથી કારીગરને શું જોઈએ છીએ, તેનો અમે સર્વે કર્યો. બધા કારીગરોનો એક જ પ્રશ્ન હતો કે અમને પૈસા તો બધેથી મળે છે પણ અમને માન-સન્માન નથી મળતું. અમને કલારસિકો તરફથી કોઈ માન નથી મળતું. અમારું નામ ક્યારે આવશે ? કારીગરનુ સીધું નામ જાય એ માટે શું કરવુ જોઈએ? એક સમય એવો હતો આપણે એવું કહેતાં કે અમારે રામજીભાઈની વાડીનું જ શાક જોઈએ. ઉપયોગ કરનાર અને બનાવનાર બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. માર્કેટ કલ્ચર ફેસલેસ થયું અને મિડલમેન આવી ગયા. બનાવનારની ઓળખ જતી રહી. બનાવનારને નથી ખબર કે મારે કોના માટે બનાવવાનું છે. તો આવા સમયે કયો વિકલ્પ હોઈ શકે ? તો કારીગરને અંદરથી ગર્વ અને ગૌરવની ભાવના ઉત્પન્ન થાય એ માટે અમે એક ત્રીજું મોડલ બનાવીને કારગરોની ઓળખ પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. અમે ઈન્ડિવિડ્યુઅલ એન્ટરપ્રિન્યોર બનાવવાનું કામ ચાલું કર્યું. મોટા ભાગના કારીગરો પાસે બિઝનેસ સ્કીલ, મેનેજમેન્ટ સ્કીલ, ડિઝાઈન સ્કીલ અને રિસોર્સિસનો અભાવ હતો. આ માટે એમને શરુઆતમાં હેન્ડ હોલ્ડિંગના ફોર્મમાં કારીગર ક્લિનિક શરૂ કરી. અને એક લેવલે પહોંચાડીને છૂટા મૂકી દેવાનું નક્કી કર્યું.
આ પ્રકારનું મોડેલ શરુ કરવામાં તમને કેવી કેવી મુશ્કેલીઓ આવી ?
લોકો સમક્ષ લઈ જઈએ એના માટે પહેલા એક મોડેલ તૈયાર કરીએ એ જરૂરી છે. એના માટે ચૂપચાપ અમે એક મોડેલ પ્રોજેક્ટ તરીકે કામ કરવાનું ચાલું કર્યું. વિકેન્ડમાં હું કામ કરતો અને આ વખતે મેં પાબીબેન પર પસંદગી ઉતારી. પાબીબેન આ બધાં જ મુદ્દાઓમાં બરોબર ફીટ બેસતાં હતા. અમારા બધાં જ ક્રાઈટેરિયામાં તેઓ ફીટ બેસતા હતા. હું તેમને કચ્છમાં મળવા ગયો. તેમણે સ્વતંત્ર વ્યવસાય ઊભી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અમારી વચ્ચે એક વાત સ્પષ્ટ હતી કે આ કામમાં શરૂઆતથી અંત સુધી વિશ્વાસનું ધોરણ 100 ટકા હોવું જોઈશે અને તેઓ તૈયાર થયા અને સુંદર કામ ચાલું કર્યું. આજે એ વિશ્વાસ અને મહેનત અમારા બંને પક્ષે ચાલું છે. સારી એવી સફળતા મળ્યા પછી પણ અમે કામ પર જ ફોકસ કરીને સહજ રીતે આગળ વધી રહ્યા છીએ.
કારીગરના નામ પરથી જ કેમ બ્રાંડનેમ ?
એ વાતમાં હું ક્લિઅર હતો કે કારીગરની ઓળખ આપવાનું કામ છે તો પછી પાબીબેન.કોમ જ શ્રેષ્ઠ છે એવું લાગ્યું અને આ નામથી તેમને સીધી ઓળખ મળતી હતી. અનેક ફોન્સી નામો એનજીઓએ રાખ્યા છે પણ તેમાં કારીગરનું નામ લુપ્ત થઈ જાય છે. રિતુકુમાર ડિઝાઈનરનું નામ જો એમની બ્રાંડમાં લાગતું હોય તો પાબીબેનના નામની બ્રાંડ કેમ ના હોય ?
થોડું બ્રેઈન સ્ટોર્મિંગ એ કર્યું કે આપણે વધારે લોકો સુધી કેવી રીતે પ્રોડક્ટને પહોંચાડી શકીએ. ફાઈનલી પાબીબેન.ડોમ અમારો એક સ્ટ્રેટેજીકલ નિર્ણય હતો. અમારે તેમની વેબસાઈટ પણ બનાવવાની હતી. અમે એક સ્ટ્રેટેજીથી બ્રાંડનેમ અને વેબસાઈટ સરખા રાખ્યા અને અમે તેનો ફાયદો લીધો. અમે તેની ટેગલાઈન નક્કી કરી Rediscover the artisan…કારીગરોને પાછા મેળવવા કે તેમને શોધવા. ભુકંપ પછી અનેક કારીગરોએ પોતાનું કામ છોડી દીધું હતું. કચ્છના ઉદ્યોગોને કારણે ત્યાંના અનેક કારીગરો મજૂરી કરતાં થયા. રોજની રૂ.300ની મજૂરીથી તેઓ કામ કરવા લાગ્યા.તો મોટા ભાગના રબારી બહેનોએ પોતાનું પરંપરાગત કામ છોડીને અન્ય કામ ચાલુ કર્યા. પાંચ બહેનો સાથે અમે શરુઆત કરી.આજે 200થી વધુ મહિલાઓ પાબીબેન સાથે જોડાયેલી છે.
કારીગર ક્લિનિકની સફળતાઓને તમે કેવી રીતે મૂલવો છો ?
અમારા આ પ્રયોગથી રબારી પરિવારોમાં સ્થળાંતર બંધ થઈ ગયું. ઓછા વરસાદને કારણે તેઓ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જંગલો સુધી ચાલતાં ચાલતાં જતાં હતા. જેના કારણે તેમના બાળકોનું શિક્ષણ થતું ન હતું. ઘણાં ફેક્ટરીઓના કામ છોડીને પોતાના પરંપરાગત વ્યવસાયમાં પાછા આવ્યા છે.
ભારતમાં શહેરીકરણ અને ગ્રામ્ય રોજગારીના પ્રશ્નો છે. એવું પરસેપ્શન છે કે પરંપરાગત કામ છોડો અને શહેરમાં જઈને સારી જિંદગી જીવીએ. અહીં આવીને ફેક્ટરીઓમાં કામ કરે. શહેરની મોંઘવારી પોસાય નહીં એટલે ઝૂપડપટ્ટીમાં રહેવું પડે અને સ્લમ વચ્ચે અને અનેક પ્રકારના શહેરીકરણના દૂષણોનો ભોગ બને છે. ગામડાંના લોકોને ગામડાંમાં રોજગાર નથી મળતો. જો આ બધા લોકોને પોતાના ગામમાં કે નજીકમાં કામ મળે તો એક સુંદર વ્યવસ્થા સર્જાય. શહેરીકરણને રોકવા માટે એક ગામમાં એક એન્ટરપ્રિન્યોર તૈયાર થાય અને તે પચાસ કે સો કુટુંબને રોજગારી આપે તો આ મોડેલ ઊભું થાય. પાબીબેનના મોડેલમાં અમે ઘણાં અંશે સફળ થયા છીએ. હવે અમે કારીગર ક્લિનિકમાં આખા ભારતમાં અમારે એક હજાર પાબીબેન તૈયાર કરવા છે અને એમની બિઝનેસ ઈકો સિસ્ટમ ઊભી કરીને સ્થાનિક રોજગારી પૂરી પાડવી છે. એ વાત પણ નક્કી જ છે કે જે એન્ટરપ્રિન્યોર તૈયાર કરીએ તો એ બધું રૉ-મટિરિયલ લોકલ લેવલે જ સોર્સ કરે. તેઓ ક્યાંય બહાર જાય નહીં અને આ એક્સપેરિમેન્ટમાં અમે એક લોકલ ગિફ્ટ બોક્સનો પ્રયોગ કર્યો અને અમે એ વસ્તુ શીખ્યા કે આપણાં ભારતના જુના માર્કેટ સ્ટ્રક્ચરમાં રોમટિરિયલ સપ્લાયર, કારીગર અને કન્ઝૂમર આ ત્રણેય સાથે રહેતા. પરંતુ કોરોના બાદ આ ત્રણેય છૂટા પડી ગયા. અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એ 100 ટકા લોકલ છે. તેનું ફાઈનલ ફિનિશિંગ લોકલી જ તૈયાર કરીએ છીએ અને ધ્યેય પણ એ છે કે પોસાય એવી કિંમતમાં મિડલ ક્લાસ જ તેને ખરીદે. અત્યાર સુધી ક્રાફ્ટને પ્રિમિયમ ક્લાસ સુધી સીમિત કરી દીધી હતી. પરંતુ કોરોના દરમ્યાન દસ હજાર ગિફ્ટ પેકેટ તૈયાર કર્યા અને તેમાં અમને મોટી સફળતા મળી. અમને ગીરના નેસમાંથી પણ ઓર્ડર મળ્યા છે એ જોતાં એવું લાગ્યું કે આ દેશનો દરેક ગ્રાહક અમારી વસ્તુને સરળતાથી મેળવી શકે છે. મુંબઈથી એક એવો ઓર્ડર મળ્યો કે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં અમારી પ્રોડક્ટ મોકલો અને અમે મોકલી શક્યા. આ પ્રોસેસમાં ઘણીબધા લાગણીસભર સ્ટોરી જાણવા મળી. કોરોના પણ અમારા માટે ઘણું મોટું લર્નિંગ લઈને આવ્યું. તો આમ અમારી સફળતાના અનેક માપદંડો પુષ્ટ થઈ રહ્યા હોય એવું લાગે છે.
આ પ્રકારના પ્રોજેક્ટમાં ફંડની તો ખાસ જરૂર પડે તો ફંડ કેવી રીતે મેનેજ કરો છો ?
પાબીબેનનો પ્રોજેક્ટ સેલ્ફ ફંડેડ હતો. ગવર્મેન્ટની સ્કીમનો ફાયદો લીધા વિના પણ કંઈક કરી શકાય છે. એટલા માટે અમે કોઈ હેલ્પ ના લીધી. હવે અમે કારીગરોને કહીએ છીએ કે તમે ઈન્વેસ્ટ કરો. પણ કોઈ કારીગર સક્ષમ નથી તો તેમનો અમે પ્રોફાઈલ તૈયાર કરીને સારી એક્ટિવિટી કરતાં ઓર્ગેનાઈઝેશન પાસે જઈને મદદ મેળવીએ છીએ. સોશ્યલ વેન્ચર પાર્ટનરની અમેરિકમાં શરુઆત થઈ છે. એસવીપી એની ભારતીય વિંગ છે અને ગૌરવ નાણાવટી અને તેમના પુત્રી અંગના નાણાવટીએ આ સમગ્ર મુહિમમાં અમને મદદ કરવાનો નિર્ધાર કર્યો. અમને પાબીબેન અને રાજીબેનના પ્રોજેક્ટમાં પ્રોપર પ્લાનિંગ સાથે એક ફંડ મળ્યું અને અમને છ લાખ રૂપિયાની મદદ મળી અને બંને કારીગરોને ઊભા કર્યા અને એક સુંદર એન્ટરપ્રિન્યોરશીપ ક્રિએટ થઈ. ગઈકાલે જ એમણે ફોન કરીને કરીને વધુ ફંડ આપવાની વાત રજૂ કરી. આ મોડેલમાં જે સફળ થાય છે એમની સાથે એક શર્ત એ રહે છે કે જ્યારે પણ તેઓ સફળ થાય અને સારા ઉદ્યોગ સાહસિક તરીકે સ્થાપિત થાય એ પછી એમની જવાબદારી રહે છે કે આ મિશન થકી ફરી એક કારીગરને સહકાર આપીને, ફંડ આપીને ઊભા કરવામાં મદદ કરે. તો એક ચેઈન પણ બની રહી છે. આમ આવી સાઈકલથી આ સમગ્ર મોડેલ અમે રન કરી રહ્યા છીએ.
કારીગર ક્લિનિક પ્રોજેક્ટમાં આપ કોને આદર્શ ગણો છો ? આર્થિક વિતરણ કેવી રીતે થાય છે ?
મહાત્મા ગાંધીના ગ્રામસ્વરાજના આધાર પર આ સમગ્ર કામ અમે હાથમાં લીધું છે. સ્થાનિક લોકોને સ્થાનિકમાં રોજગાર મળે, કોઈને સ્થળાંતર ના કરવું પડે, ત્રીજો સિદ્ધાંત એ કે વધારેમાં વધારે હાથને જોડવાનું કામ થાય. જે લોકો કામ કરતાં હોય તેમનું શોષણ ના થાય. માત્ર વાતો જ નહીં પણ અમે વિચાર્યું કે બિઝનેસનો માલિક જ માલનો ભાવ નક્કી કરે છે પણ અમે ઉલટું કર્યું કે કામના ભાવ કારીગર નક્કી કરે અને તેમની પ્રાઇઝિંગ કમિટીમાં જ આ બધું નક્કી થાય. કારીગર પોતે જે આઉટપુટ આપવાનો છે તેનો ભાવ તે પોતે નક્કી કરે છે અને એના આધારે પ્રોડક્ટની ઓવરઓલ કિંમત નક્કી થાય છે.
ભારતમાં બે પ્રકારના સામાજિક વર્ગો ઊભા થયા છે. એક તો ઈન્ડિપેન્ડન્ટ અને બીજા ડિપેન્ડન્ટ. ગરીબ અને પૈસાદાર વચ્ચેની ભેદરેખા જે રીતે પહોળી થઈ રહી છે એ જોતાં અમે જે પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ એમાં અલગ અલગ કોમ્યુનિટી તેનો ઉપયોગ કરે. જેમ કે એ શાલ તૈયાર કરાવી જેમાં વુલ લોકલ માલધારી પાસેથી લીધું, સ્થાનિક વણકરો પાસે વણાટ કરાવ્યું, ખત્રીભાઈઓએ ડાયિંગ કર્યું, મુસ્લિમ બહેનોએ બાંધણી કરી, રબારીબહેનોએ ભરત ભર્યું અને મેઘવાળ બહેનોએ ફુમતા બનાવ્યા. આમ કરવાનું કારણ એ છે કે ઈન્ટરડિપેન્ડન્સીથી લોકો એકબીજા પર આધારિત બનીને કામ કરે છે અને તેના થકી કોમ્યુનલ હાર્મની આવે છે.
આ મોડેલ થકી તમારી દ્રષ્ટિ ક્યાં સુધી છે ?
આ મોડેલને સમજાવવા માટે અમારે સમય લેવો પડ્યો. કારીગરને સમજતા વાર લાગે એ સ્વાભાવિક છે. કારીગર એક ચકલી છે અને તેને સપના બાતવીએ એટલે દરેક વ્યક્તિને સપના બતાવીને તેને એક એવી સાઈકલમાંથી પસાર થવું પડે છે કે ફરી પાછી કોર્પોરેટ સાઈકલ બની જાય છે. ઘણીવાર કારીગરો વધુને વધુ લોકોને જોડીને એનજીઓ ફોર્મ બનાવવા માંગે છે પણ તેમને ખ્યાલ આવ્યો કે આ મોડેલ ગ્રાઉન્ડ રિયાલિટીનો બેઝ છે. અમે સ્મોલ ઈઝ બ્યુટિફુલમાં માનીએ છીએ. આપણે નજર દોડાવી શકીએ એટલું જ દોડવાનું છે.
આગળના ભયસ્થાનો કેવા કેવા આવી શકે ?
આ વાતને સરળતાથી સમજીએ તો એક કૂવો હોય અને તેમાં જો વધુ પડતું પાણી ઉભરાય તો સ્વાભાવિક છે કે આસપાસની જમીનવાળા ખેડૂતો તેમાં બોરની પાઈપો નાંખે છે. જરૂરિયાતથી વધુ દુઃખ આપે છે અને જરૂરિયાત પૂરતું શાંતિ આપે છે. આ મોડેલમાં સ્થિરતા અને સંતુલન સાથેનો વ્યવસાય પણ એની ખાસિયત છે. અમે કારીગરને જણાવીએ છીએ કે તમારી ખાસિયત જોઈ લો અને એ વસ્તુને જાળવી રાખવા માટે સંતુલિતતા પણ જોઈ લો. જે દિવસે આપણી કળા જતી રહેશે એ જ દિવસથી પડતી ચાલુ થાય છે.
તમે આમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે રહ્યા છો ?
ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અમે નવો એક કોન્સેપ્ટ લાવી રહ્યા છીએ. જેનું નામ છે ‘કારીગર કી દુકાન’ જેમાં કારીગરને ચેક કરીને તેમની જેન્યુઈનિટી ચેક કરીને તેમને આ પ્લેટફોર્મ પર મુકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાજીબેનના નામની ત્યાં એક ડિજિટલ દુકાન બનશે. ત્યાંની રિટેઈલ પ્રાઈઝ, બીટુબી પ્રાઈઝ નક્કી કરવામાં આવશે, તેમની વીડિયો સ્ટોરી અને તેમના ઘર સુધી જવાનો મેપ અને બધું જ તેમાં હશે. રો મટિરિયલ માટેની પણ વ્યવસ્થાઓ હશે. રોમટિરિયલ માટે ઓફલાઈન વાત કરે તેવી વ્યવસ્થા અમે ગોઠવી રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિને પોતાના પચાસ કિલોમીટર રેડિયસમાં પચાસ કારીગરોના લોકેશન મળી શકે એમ છે. તમારા ઘરે પ્રસંગ આવે છે અને તમારે સારી બાંધણી મંગાવવી હોય તો તમે આ કામ કરી શકો છો. આખા ભારત માટે આ પ્રોજેક્ટ અમે લોંચ કરી રહ્યા છીએ.
Advertisement