“મારો જન્મ જ મગરોના ગામમાં થયો. નાનપણથી મારા પિતા દિલિપસિંહ પ્રકૃતિપ્રેમી એટલે તેમની સાથે મને વિવિધ પ્રાણીઓ રેસ્ક્યૂ કરવાની આવડત આવવા લાગી. અમારું ગામ દેવા મગરો માટે પ્રચલિત અને મારરુચિને કારણે હું પ્રથમ પ્રયત્ને જ વનસંરક્ષક તરીકે પસંદગી પામ્યો અને એ પછી 300થી વધુ મગરોના રેસ્ક્યૂ કામ કર્યા. તેર વર્ષની ઉંમરથી મગરો સાથે મારે નાતો બંધાયો છે.”
Advertisement
Advertisement
આ શબ્દો છે દેવા ગામના વનરક્ષક અજયસિંહ મહિડાના જેમને ગણતંત્ર દિવસે મગરોના સંવર્ધન માટે ગુજરાત રાજ્યના વનવિભાગ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.
300થી વધુ રેસ્ક્યૂ કરનારા અજયસિંહનો જન્મ જ દેવા ગામમાં થયો અને તેમણે નાનપણથી મગરના રેસ્ક્યૂની તાલીમ તેમના પિતા પાસેથી લીધી હતી. દેવા ગામની આસપાસ પેટલી, મલાતજ જેવા ગામોમાં બસો ત્રણસોની સંખ્યામાં મગર હોવા સ્વાભાવિક છે. મગરોની વધુ સંખ્યા હોવાથી તેનું માનવવસ્તીમાં આવવું પણ એક સ્વાભાવિક વાત હતી ત્યારે અજયસિંહે મગરની પ્રકૃતિની અભ્યાસ કરીને તેના રહેઠાણની એ પ્રકારે વ્યવસ્થા કરી કે જેથી આ વિસ્તારમાં મગર સાથેના ઘર્ષણ નહિવત્ત થઈ જાય.
પોતાની આ સિદ્ધિ વિશે જણાવતા અજયસિંહ મહિડા જણાવે છે કે સામાન્ય રીતે મગર ઠંડા લોહીનું પ્રાણી છે. તે શિયાળામાં તડકો લેવા બહાર આવે છે, ઉનાળામાં પાણીમાં જ રહે છે અને ચોમાસામાં તે બચ્ચા આપે છે. અમારા ગામની આસપાસ અનેક તળાવો છે અને આ તળાવોમાં મગર ફરતા રહે છે. ઘણીવાર મગર કોઈ કારણોસર માનવવસ્તીમાં આવી જાય ત્યારે મગરને કે વ્યક્તિને હાનિ પહોચે એ સ્વાભાવિક છે. આવું ના થાય એ માટે અમે તળાવોમાં ટેકરા બનાવવાનું સૂચન આપ્યું. આમ કરવાથી મગરને તળાવની વચ્ચોવચ નિર્ભિક રીતે કલાકો સુધી બેસી રહેવાનું સ્થાન મળી રહે અને તે કોઈને હેરાન ન કરે અને કિનારા તરફ પણ ના આવે.
આ ઉપરાંત અહીંના તમામ રસ્તાઓ પર અને તળાવની ફરતે જે લોકો બહારથી આવે છે તેમને અહીંયા મગરોની વસ્તી છે તે માટે વાકેફ કરવા અમે દરેક સ્થળે પાટીયા લગાવી દીધા. આમ કરવાથી અમે જોઈએ છીએ કે અનેક વર્ષોથી મગર અને માનવીનું આ સહજીવન ઘણું સુમેળભર્યું થઈ ગયું છે.
અજયસિંહ વધુમાં જણાવે છે કે “ કોઈને કોઈ તળાવમાં મગર ફસાયાના ફોન કોલ આવતા. અમે ત્યાં જઈને જોઈએ તો મગરને વાગ્યું હોય ત્યારે અમે તેની પાટાપીંડી કરીને તેને ફરી તેના જ તળાવમાં જઈને મૂકી આવતા. મોટા ભાગે મગર તેના ઈંડા બખોલમાં મૂકે છે. પોતાના ઈંડાના રક્ષણ માટે માદા મગર ખૂબ જ આક્રમક બની જતી હોય છે ત્યારે આ વિસ્તારમાં લોકો તેને કેવી રીતે ડિસ્ટર્બ ના કરવા તે પણ અમે જાગૃતિના ભાગે લોકોને જણાવીએ છીએ. મગરના બચ્ચા સૂર્યના પ્રકાશથી સેવાય છે અને તે બચ્ચા જાતે જ નીકળીને તળાવમાં જતાં રહે છે. આ જે સાયકલ છે તે અહી કુદરતી રીતે સેટ થઈ ગઈ છે અને તેના સંવર્ધનને કારણે મને રાજ્ય સરકારે સન્માનિત કર્યો છે.”
Advertisement