ચરોતર અને મધ્ય ગુજરાતના સંગમસ્થાને આવેલું મહુધા આઠમી સદીના પ્રતાપી ગુર્જરનરેશ વનરાજ ચાવડાના વંશજોએ વસાવેલું હોવાનું મનાય છે. પાટણ પર સોલંકી (ચૌલુક્ય) વંશનો કબજો થયો ત્યારે ચાવડા ક્ષત્રિયોનો એક ફાંટો અર્બુદગીરી (આબુ) તરફ ગયો અને બીજો ફાંટો માણસા થઈને કપડવંજના રસ્તે ચરોતરમાં આવ્યો. મહુધા, ઠાસરા, માતર વગેરે વિસ્તારોમાં ક્ષત્રિય વસ્તીનું મોટું પ્રમાણ તેની સાહેદી પૂરે છે. ફળદ્રુપ જમીન, ટેકીલો મિજાજ અને આખાબોલી જીભ એ આ વિસ્તારની તાસિર ગણાય છે. પાણીની છતને લીધે અહીં તમાકુના પાકમાં ખાસ્સી એવી બરકત હોવાથી આઝાદી પહેલાં પણ આ વિસ્તાર સમૃદ્ધ ગણાતો રહ્યો છે. આઝાદી પછી અહીં પશુપાલન અને અન્ય ઉદ્યોગો પણ વિકસ્યા. બેઠક ક્રમાંક 118 ધરાવતી મહુધા બેઠક પોતાના વિશિષ્ટ મિજાજના કારણે સમગ્ર ગુજરાતમાં અનોખી ગણાય છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આઝાદી પછી સ્થપાયેલ રા.સ્વ.સંઘની રાજકીય પાંખ જનસંઘે 1980માં કાયાપલટ કરીને ભાજપ નામ ધારણ કર્યું એ પછી 1990થી ગુજરાતમાં તેનો દબદબો ઊભો થયો છે અને અત્યારે તેનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આમ છતાં મહુધા બેઠકની વિશેષતા એ છે કે સમગ્ર ગુજરાતમાં દિગ્વિજય કરનાર ભાજપને અહીં કદી તક મળી નથી. કુલ 12 ચૂંટણીઓ પૈકી 10 વખત અહીં કોંગ્રેસ અને એક-એક વખત સ્વતંત્ર પક્ષ તેમજ સંસ્થા કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. ગુજરાતરૂપી ભાજપની સોનાની થાળીમાં લોઢાની મેંખ બનતી આ બેઠક યેનકેન પ્રકારે કબજે કરવા ભાજપે તમામ તાકાત અજમાવી છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ | 19,995 |
2002 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ | 11,899 |
2007 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ | 9,259 |
2012 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ | 13,230 |
2017 | ઈન્દ્રજીતસિંહ પરમાર | કોંગ્રેસ | 13,601 |
કાસ્ટ ફેબ્રિક
આ મતવિસ્તારમાં 60% ક્ષત્રિય મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહે છે અને તેમનો કાયમી ઝુકાવ કોંગ્રેસતરફી બનાવવામાં દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડા અને પછી નટવરસિંહ ઠાકોર જેવા ક્ષત્રિય નેતાઓની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ ઉપરાંત 15% મુસ્લિમ અને 7% દલિત મતદારોની નોંધપાત્ર હાજરી પણ ભાજપ માટે કપરાં ચઢાણ સર્જવામાં નિમિત્ત બને છે. બંને પક્ષે ક્ષત્રિય ઉમેદવાર હોય ત્યારે 8% પાટીદાર મતદારો પણ ગેમ ચેન્જર બનતાં હોય છે.જોકે 1972માં હરમન પટેલને બાદ કરતાં એકપણ વખત અહીં પાટીદાર ઉમેદવાર જીત્યા નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નડિયાદઃ ભાજપના ગઢમાં પાંચ ટર્મની દેસાઈગીરી કોંગ્રેસ આ વખતે તોડશે?
સમસ્યાઓઃ
ખેતીની સમૃદ્ધિનો પૂરો લાભ સ્થાનિક ખેડૂતોને મળતો નથી એવો સ્થાનિક કક્ષાએ વ્યાપક કચવાટ છે. એટલે જ એમએસપી મુદ્દે કિસાન આંદોલન દરમિયાન સમગ્ર ગુજરાત શાંત હતું ત્યારે આ વિસ્તારમાં કિસાન આંદોલન તરફી મૂવમેન્ટ જોવા મળી હતી. એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજની માંગણી પણ લાંબા સમયથી સંતોષાઈ નથી. નર્મદા કેનાલના કાંઠે હોવાનો ગેરલાભ પણ કેનાલમાં વારંવાર પડતાં ભંગાણને લીધે અહીં અનુભવાય છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
આ વિસ્તારના દિગ્ગજ નેતા અને છ વખત અહીંથી ચૂંટાયેલા નટવરસિંહ ઠાકોરના પુત્ર ઈન્દ્રજીતસિંહ પરમારને કેસરી ખેસ પહેરવા ભાજપે તમામ પ્રલોભનો આપ્યા હોવાની ચર્ચા વખતોવખત થતી રહી છે. આક્રમક યુવા નેતા તરીકે તેઓ સ્થાનિક સ્તરે ઘનિષ્ઠ જનસંપર્ક ધરાવે છે અને પિતાની રાજકીય વિરાસતનો લાભ લેવાની આવડત પણ સાબિત કરી ચૂક્યા છે. કોંગ્રેસની આંતરિક રાજનીતિમાં તેઓ ભરતસિંહ સોલંકી, અમિતસિંહ ચાવડાના વિશ્વાસુ મનાય છે. M.A.ની એક્ઝામ દરમિયાન મોબાઈલ સાથે રાખવા બદલ ચર્ચાસ્પદ બનેલાં 41 વર્ષિય ઈન્દ્રજીતને આ વખતે પણ કોંગ્રેસની ટીકિટ મળવી નિશ્ચિત મનાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
હરીફ કોણ છે?
કોંગ્રેસમાંથી આવેલાં નેતા, યુવાનેતા, બહારથી મૂકેલાં નેતા એમ ભાજપે અહીં તમામ શસ્ત્રો અજમાવી લીધા છે. આ વખતે ચૂંટાયેલા ધારાસભ્યને કેસરી ખેસ પહેરાવીને બેઠક અંકે કરવાની મહેનત પણ ઘણી કરી હોવાનું કહેવાય છે. ગત ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલાં ભારતસિંહ પરમારને ટીકિટ આપીને સ્થાનિક કાર્યકરોને નારાજ કર્યા હતા. આ વખતે સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને રાજ્યકક્ષાના મંત્રી અર્જુનસિંહ ચૌહાણને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપાઈ છે. બંને ચૌહાણોએ યુવા નેતાઓના નામની સુચિ તૈયાર કરી હોવાનું કહેવાય છે. એ મુજબ યુવા ક્ષત્રિય સેનાના અગ્રણી સ્નેહલસિંહ સોલંકી તેમજ પરબતસિંહ ઝાલાના નામ ચર્ચામાં છે. જોકે ભાજપની સ્થાનિક લોબી નીવડેલા અને અનુભવી ઉમેદવારની તરફેણમાં છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીને હજુ સુધી અહીં ખાસ તક ઊભી થઈ નથી. મહુધા શહેર કક્ષાએ બે વખત સંગઠન બન્યું અને વિખેરાયું એ પછી પ્રદેશ નેતાગીરીએ આ વિસ્તારમાં ખાસ મહેનત કરી નથી. આપના ઉમેદવાર તરીકે રવજીભાઈ વાઘેલાના નામની જાહેરાત તો થઈ ગઈ છે પણ તેનાંથી પરિણામ પર ખાસ ફરક પડવાનો નથી એ બાબતનો કોંગ્રેસ હાશકારો લઈ શકે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ શહેરાઃ ભાજપ એટલે જેઠાભાઈ એટલે જીત, અઢી દાયકાનું આ સમીકરણ હવે બદલાશે?
Advertisement