અહમદશાહ બાદશાહે વસાવેલા નગર અહમદઆબાદનું ગુજરાતીકરણ અમદાવાદ થઈ ગયું, એ જ રીતે મહંમદશાહ બાદશાહનું નગર મહેમુદાબાદ પણ ગુજરાતીપણાંમાં મહેમદાવાદ તરીકે લોકજીભે ચડી ગયું. ગુજરાતના પ્રતાપી સુલાતન મહેમુદ બેગડાએ વસાવેલા આ નગરને એક તબક્કે રાજધાની બનાવવાનો ઈરાદો હતો. વાત્રકના કાંઠે રાજધાની વસાવવાથી તે ચરોતરના રસ્તે વડોદરા સુધી હકુમત ચલાવે એવા ઈરાદા સાથે મહેમુદે આ નગર વસાવ્યું તેનાં થોડાં સમયમાં જ તેનું અવસાન થઈ ગયું. એ પછી તેનાં વારસો પૈકી કોઈને અમદાવાદ છોડવાનું મન ન થયું. સરવાળે ચૂંટણીપંચનો બેઠકક્રમાંક 117 ધરાવતી મહેમદાવાદ વિધાનસભા બેઠક આજે પણ ગ્રામ્ય વિસ્તાર રહી ગઈ છે. અહીં બાદશાહકાળના ભમ્મરિયા કૂવા અંગે અનેક કિંવદંતીઓ છે. એવું કહેવાય છે કે સાત માળ ધરાવતા આ વિશિષ્ટ કૂવાના ત્રીજા, પાંચમા અને સાતમા માળેથી ત્રણ ભૂગર્ભ રસ્તા નીકળે છે જે અનુક્રમે અમદાવાદ, પાવાગઢ અને જૂનાગઢ તરફ જાય છે.
Advertisement
Advertisement
મિજાજઃ
અહીંના ભમ્મરિયા કૂવામાં કોંગ્રેસ ડૂબીને ક્યા ભૂગર્ભ રસ્તે ખોવાઈ ગઈ એ કોઈને સમજાતું નથી, પરંતુ 1980 પછી આ બેઠક પરથી એકે ય વાર કોંગ્રેસના ઉમેદવાર જીતતાં નથી. ગ્રામ્ય વિસ્તાર, સવર્ણ વસ્તીનું પ્રમાણ મર્યાદિત, મુસ્લિમ અને દલિત નોંધપાત્ર એવાં તમામ પરિબળો કોંગ્રેસને માફક આવનારાં છે છતાં અહીં કોંગ્રેસ ક્યારેય કાઠું કાઢી શકી નથી એ આ વિસ્તારના મતદારોની વિશેષતા ગણવી રહી. ખેડૂતલક્ષી કે મોંઘવારી, બેરોજગારી અને વિકાસલક્ષી અનેક મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે પરંતુ ભાજપના હિન્દુત્વ સામે એ દરેક મુદ્દાઓ મોળા સાબિત થયા છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | સુંદરસિંહ ચૌહાણ | ભાજપ | 12,341 |
2002 | સુંદરસિંહ ચૌહાણ | ભાજપ | 16,066 |
2007 | સુંદરસિંહ ચૌહાણ | ભાજપ | 11,548 |
2012 | ગૌતમભાઈ ચૌહાણ | કોંગ્રેસ | 4,181 |
2017 | અર્જુનસિંહ ચૌહાણ | ભાજપ | 20,915 |
કાસ્ટ ફેબ્રિક
અહીં કુલ 2,50,521 મતદારો પૈકી ઓબીસી ક્ષત્રિયોની વસ્તી સૌથી વધુ, 28% જેટલી છે. એ ઉપરાંત દલિતો 13%, મુસ્લિમો 10%, પાટીદાર 8% અને કોળી સહિત અન્ય ઓબીસી 14% જેટલાં છે. જ્ઞાતિવાદી સમીકરણો રાજનીતિનું અનિવાર્ય દુષણ હજુ બન્યાં ન હતાં ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બંસીલાલ પંડ્યા પણ આ બેઠક પરથી ધારાસભ્ય બની શક્યા હતા. હવે જોકે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ ક્ષત્રિય ઉમેદવારને જ ટીકિટ આપે એ કાયમી શિરસ્તો બની રહ્યો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરેલી: શું ભાજપ કોંગ્રેસના પરેશ ધાનાણીના વિજયરથને રોકવામાં સફળ થશે?
સમસ્યાઓઃ
ગુજરાતના ગ્રામ્ય પછાત વિસ્તારોમાં મહેમદાવાદને મોખરે મૂકવું પડે છે. અમદાવાદ અને વડોદરા એવાં બે મહાનગરોની પાડોશમાં હોવા છતાં મહેમદાવાદનો બિલકુલ વિકાસ થઈ શક્યો નથી. અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન પર આવેલું છે અને એક્સ્પ્રેસ વેની તદ્દન નજીક છે છતાં અહીં મોટા ઉદ્યોગો લાવવામાં સરકારી નીતિઓને ખાસ સફળતા મળી નથી. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતની માફક અહીં સહકાર ક્ષેત્ર પણ ખાસ વિકસાવી શકાયું નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલાં અર્જુન ચૌહાણ ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બનવા જેટલાં બડભાગી પણ રહ્યા છે. સ્થાનિક સ્તરે વ્યાપક જનસંપર્ક ધરાવતા અર્જુનભાઈ યુવાનોમાં લોકપ્રિય છે. દરેક સમાજના સારાં-માંઠાં પ્રસંગોમાં હાજરી આપીને સક્રિયતા બતાડી જાણે છે. સ્થાનિક સંગઠન પર પણ તેમની સારી એવી પકડ છે. તેમની ટીકિટ નિશ્ચિત હોવાનું મનાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જેતપુરઃ રાદડિયાને કોંગ્રેસ નહિ, ભાજપમાં રહેલી વિરોધી છાવણી નડવાની ભીતિ
હરીફ કોણ છે?
ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને 2017ની ચૂંટણી હારી ચૂકેલા ગૌતમ ચૌહાણ આ વખતે પણ દાવેદાર ગણાય છે. તેની સામે કોંગ્રેસ તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારે એવી ચર્ચા પણ વ્યાપક છે. કોંગ્રેસના સાંસદ અમીબહેન યાજ્ઞિકે આ બેઠક માટે નેતાઓ, કાર્યકરોની મુલાકાત લીધી ત્યારે કુલ ત્રણ દાવેદારોના નામ ઉભર્યા હતા. અર્થાત્ કોંગ્રેસ પાસે પસંદગીની તક પણ ખાસ નથી.
ત્રીજું પરિબળઃ
88% જેટલાં ગ્રામ્ય મતદારો હોવાથી અહીં આમઆદમી પાર્ટીની અસર હજુ એટલી વ્યાપક નથી. મુસ્લિમ વસ્તી પણ જૂજ હોવાથી MIMની ઉપસ્થિતિ પણ અહીં અપ્રસ્તુત છે. એ સંજોગોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની પરંપરાગત લડાઈમાં આ વખતે પણ ભાજપને જ ફાવટ રહે એ શક્યતા બળવત્તર છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ રાજકોટ (પશ્ચિમ): વજુભાઈ, વિજયભાઈ કે કોઈ પણ… ઉમેદવાર નહિ, અહીં કમળ જીતે છે
Advertisement