અભિષેક પાંડેય, ગુજરાત એક્સક્લૂઝિવ: ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (DELF) દ્વારા તૈયાર કરવામાં આવેલ અડધા ડઝનથી વધારે મેજર બ્રિજ પડી ગયા, બેસી ગયા, તૂટ્યા હોઇ તેમજ બજેટમાં ધરખમ વધારો કરાયો હોવાના પુરાવા મળ્યા છે. અમદાવાદના તૂટેલા બોપલ બ્રિજના કન્સલટન્ટ ડેલ્ફે અડધા ડઝનથી વધારે બ્રિજમાં ગેરરિતી આચરી હોવાની શક્યતાઓ સામે આવી રહી છે.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તારમાં રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ઉદ્દઘાટન પહેલા જ તૂટી પડતા વિવાદ વકર્યો હતો. સરકાર ભીસમાં આવતા એક કમિટીની રચના કરી તપાસ શરૂ કરી હતી પરંતુ ગુજરાત એક્સક્લૂઝિવને પુરાવા મળ્યા છે કે, બોપલ બ્રિજના કન્સલટન્ટ ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (DELF) દ્વારા નિર્માણ પામેલા તેમજ નિર્માણાધીન અનેક મેજર બ્રિજમાં છબરડા કરાયા છે.
થોડા સમય પહેલા નવસારી ખાતે કાવેરી નદી પર આવેલ બ્રિજ બેસી ગયો હતો, તે બ્રિજનું કન્સલટન્ટ પણ ડેલ્ફ છે. તે સિવાય અમદાવાદના પૂર્વમાં આવેલ હાટકેશ્વર બ્રિજ છેલ્લા ત્રણ વર્ષમાં પાંચથી વધારે વખત તૂટ્યો છે. રાજકોટ ખાતે 85 કરોડનું ટેન્ડર કરાયેલા બ્રિજમાં 25 કરોડનું એક્ષટેન્શન પણ આ જ ડેલ્ફ કન્સલટન્સી દ્વારા આપવામાં આવ્યુ છે. બેટ દ્વારકા ખાતે આવેલ સ્ટ્રેઇડ કેબલ બ્રિજમાં ધરખમ બજેટ વધારો સર્જાયો છે, તે બ્રિજના કન્સલટન્ટ પણ ડેલ્ફ કન્સલટન્સી છે. ડેલ્ફ કન્સલટન્સીને ખેડા ખાતે ડિઝાઇન કરેલ ત્રણ બ્રિજમાં ખામી મળતા તેણે દંડ ફટકારવાની સાથે સાથે R&B દ્વારા બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ ડેલ્ફ દ્વારા તૈયાર કરવામાં આવેલ બીજા ચાર બ્રિજની ડિઝાઇનમાં ધરખમ ખામીઓ હોવાનો ઉલ્લેખ SVNIT (સરદાર વલ્લભભાઇ નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી) તરફથી કરવામાં આવ્યો છે. ડેલ્ફ દ્વારા તૈયાર કરાયેલ ટંકારા રાજકોટ, તાવી રોજાસર, મોરબી-ટંકારા ટોલ રોડ, જેતપુર-રાજકોટ રોડના બ્રિજની ડિઝાઇનમાં ખામીઓ મળી આવી છે.
મહત્વપૂર્ણ છે કે, એટલી બધી ખામીઓ, ગેરરીતિઓ પછી પણ ડેલ્ફને સતત કરોડો રૂપિયાના કામ સરકાર દ્વારા એનાયત કરવામાં આવી રહ્યા છે. R&B દ્વારા બ્લેકલિસ્ટ કરવાની ફાઇલ મહિનાઓ, વર્ષથી અલગ અલગ ટેબલ પર ધૂળ ખાઇ રહી છે. બોપલ બ્રિજમાં મુખ્યમંત્રીના આદેશથી વિશેષ તપાસ સમિતીની રચના કરાઇ છતાંય ડેલ્ફના કોઇ વાળ વાંકા કરી શક્યુ નથી. એવી પરિસ્થિતિમાં સરકારી બાબુઓની કામગીરી અને સરકારની ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ડામવાની નીતિ સામે પ્રશ્ન ચિહ્ન ઉભો થાય તે વ્યાજબી છે.
ડેલ્ફ કન્સલટન્સી પાર્ટ 1: બોપલ બ્રિજ પાડનાર ડેલ્ફ કન્સલ્ટન્સીને કોની છત્રછાયા? બ્લેકલિસ્ટ કંપનીની ફાઈલ મહિનાથી CMOમાં
ક્રમશ:
Advertisement