સુરત સોનાની મૂરત અમથું નથી કહેવાતું. આ શહેર સૈકાઓથી નિરાધારોનો આશરો બનતું રહ્યું છે. સૌરાષ્ટ્રના ગામડાંઓ હોય કે પરપ્રાંતના બેરોજગારો હોય, સુરતે કોઈ ફરક કર્યા વગર સૌને આશરો આપ્યો છે, રોટલો આપ્યો છે અને ઓટલો આપીને પોતીકાં કરી લીધાં છે. ભારતમાં અંગ્રેજોની સૌ પ્રથમ ફેક્ટરી અહીં હતી અને બાદશાહ જહાંગીરનો જનાના કાફલો અહીંનાં બંદરેથી વહાણમાં ચડીને હજયાત્રાએ જતો હતો. આજે હીરા, જરીઉદ્યોગ અને ડાઈંગ-પ્રિન્ટિંગમાં દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવતું સુરત 1980 પછી વડોદરાને પાછળ છોડીને ગુજરાતનું બીજા નંબરનું શહેર બની ગયું છે. ગુજરાતની રાજનીતિમાં પણ સુરતનો અવાજ ચોખ્ખો અને સ્પષ્ટ ઓળખાય એવો રહ્યો છે. સુરત લોકસભા બેઠક અંતર્ગત સુરત શહેરની કુલ સાત વિધાનસભા બેઠકો સમાવિષ્ટ છે એ પૈકી બેઠકક્રમાંક 167 ધરાવતી સુરત (પશ્ચિમ) બેઠક જનરલ કેટેગરીની છે જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ વિસ્તારના વોર્ડના કુલ 2,55,084 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
સુરત પશ્ચિમ એટલે મહદ્ અંશે અસલ સુરતીઓનો વિસ્તાર. એંશીના દાયકામાં જનસંઘ પછી ભાજપની તરીકેની ઓળખાણ સાથે ઊભરી રહેલાં હિન્દુવાદી પક્ષને ગુજરાતમાં પગ મૂકવાની જગ્યા ન હતી ત્યારે સૌ પ્રથમ સુરતે સમર્થન આપ્યું હતું. ત્યારથી આ શહેર અને આ વિધાનસભા બેઠક ભાજપની બની રહી છે. છેલ્લાં 32 વર્ષથી અહીં બીજા કોઈ પક્ષને તક મળી નથી અને ભાજપની જીતનું માર્જિન સતત વધતું જ રહ્યું છે. ભાજપના લોકપ્રિય નેતા હેમંત ચપટવાલા ચાર વખત, કિશોર વાંકાવાલા અને પૂર્ણેશ મોદી અહીંથી બબ્બે વખત જીતી ચૂક્યા છે. પ્રથમ ધારાસભ્ય ઉર્મિલાબહેન ભટ્ટથી માંડીને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સુધી સુરત (પશ્ચિમ)ની વિશેષતા એ રહી છે કે અહીંનાં ધારાસભ્યને રાજ્યના મંત્રીમંડળમાં જરૂર સ્થાન મળતું રહે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | હેમંતભાઈ ચપટવાલા | ભાજપ | 44,127 |
2002 | ભાવનાબેન ચપટવાલા | ભાજપ | 29,060 |
2007 | કિશોરભાઈ વાંકાવાલા | ભાજપ | 57,173 |
2012 | કિશોરભાઈ વાંકાવાલા | ભાજપ | 69,731 |
2013 | પૂર્ણેશભાઈ મોદી | ભાજપ | 66,292 |
2017 | પૂર્ણેશભાઈ મોદી | ભાજપ | 77,882 |
કાસ્ટ ફેબ્રિક
આ મતવિસ્તારમાં પાંચ, સાત પેઢીથી સુરતમાં વસવાટ ધરાવતા મૂળ સુરતીઓનો દબદબો છે જેમાં મોઢ વણિક, જૈન અને જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા મારવાડી પરિવારોની બહુમતી છે. વેપારી પ્રજા હોવાથી મુખ્યત્વે શાસનતરફી માનસિકતા ધરાવે છે. પછીના ક્રમે પાટીદાર અને કોળી મતદારો છે. એ ઉપરાંત મુસ્લિમો પણ અહીં 40,000 જેટલી નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. એટલે જ ભૂતકાળમાં આ બેઠક પરથી મહંમદહુસૈન ગોલંદાઝ અને મહંમદ સુરતી જેવા કોંગ્રેસના નેતાઓ જીત્યા હતા. જોકે હવે મોઢ, જૈન, પાટીદાર અને ગુર્જર ક્ષત્રિયનો બહુમતી મતદાર વર્ગ ભાજપનો ચુસ્ત સમર્થક છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?
સમસ્યાઓઃ
ટ્રેડિંગએ આ વિસ્તારની મુખ્ય રોજગારી હોવાથી જીએસટીની અનિયમિતતાઓ એ સ્થાનિક સ્તરે સૌથી મોટી સમસ્યા છે. ભાજપનો ગઢ હોવા છતાં જીએસટીનો સૌથી વધુ બોલકો વિરોધ અહીં જોવા મળ્યો હતો. સફાઈ અને ચોખ્ખાઈ માટે વિખ્યાત ગણાતાં આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી સફાઈ અને ગેરકાયદે દબાણોનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પૂર્ણેશ મોદી આ બેઠકના જ નહિ, સમગ્ર સુરત શહેરના દિગ્ગજ નેતા ગણાય છે. સી.આર.પાટીલ સાથેની હરીફાઈને લીધે તેમને પ્રધાનમંડળમાં સ્થાન નહિ મળે એવી ધારણાઓ વચ્ચે તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લઈને પોતાનું કદ સાબિત કરી દીધું હતું. જોકે અકળ કારણોસર તેમનું કેબિનેટ પદ છીનવાઈ ગયા પછી હવે તેમને ટીકિટ મળે છે કે કેમ એ પ્રશ્નાર્થ સર્જાયો છે. એટલે જ આ બેઠક પર સૌથી વધુ 62 દાવેદારો નોંધાયાં છે. જેમાં મેયર હેમાલી બોઘાવાલાનું નામ આગળ હોવાનું જણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
હરીફ કોણ છે?
મુસ્લિમ મતદારોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગત ચૂંટણીમાં અહીં મજબૂત દાવેદારને અવગણીને ઈમરાન પટેલને ઉતાર્યા હતા જેને લીધે ભાજપની લીડ વધી ગઈ હતી. આ વખતે કોંગ્રેસે એ ભૂલ સુધારીને છેલ્લી બે ટર્મના દાવેદાર અને લોકપ્રિય નેતા સંજય પટવાને ટીકિટ આપી છે. અહીં 22 વર્ષથી ન જીતાયેલ કોર્પોરેશન વોર્ડ જીતીને પટવાએ વર્ચસ્વ દર્શાવ્યું હતું. જૈન સમાજના સંજય પટવા આ વખતે ભાજપને મક્કમ હરીફાઈ પૂરી પાડે તેવી શક્યતા નકારી શકાય નહિ.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઉમરગામઃ પાટકરના પ્રભુત્વ સામે વારલીનો પડકાર કોંગ્રેસને ફળશે?
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીનો પ્રભાવ સુરતમાં સૌથી વધુ છે પરંતુ મૂળ સુરતીઓના વિસ્તારમાં હજુ ખાસ નોંધ લેવાતી નથી. આપે અહીં મોક્ષેશ સંઘવીને ઉતાર્યા છે. જૈન સમુદાયના મોક્ષેશ સંઘવી અહીં સક્રિય યુવા નેતા તરીકે જાણીતો ચહેરો ગણાય છે પરંતુ વિધાનસભા જેવડાં મોટાં વિસ્તારમાં ભાજપ સામે પડકાર ઊભો કરી શકે એવી શક્યતા હાલ તો નહિવત્ત છે.
Advertisement