રામાયણ, મહાભારત સહિત અનેક ધાર્મિક, પૌરાણિક ટીવી શ્રેણીઓનું સર્જનસ્થાન ઉમરગામ એ ગુજરાતનો છેડો ગણાય છે. આદિવાસી જનસમૂહની બહોળી સંખ્યા ધરાવતી આ વિધાનસભા બેઠક અનુસુચિત જાનજાતિ માટે અનામત છે. રળિયામણો દરિયાકાંઠો અને આસપાસ અફાટ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતો આ વિસ્તાર પ્રવાસધામ તરીકે પણ જાણીતો છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ હોવાથી અહીં વ્યાપક પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ પણ રહેલી છે. ખાસ કરીને ગુજરાતના વિભાજન પછી અહીં આરંભના ત્રણ દાયકાઓ દરમિયાન જીઆઈડીસી સહિતની યોજનાઓ અમલી બની એ પછી છેવાડાનો હોવા છતાં આ વિસ્તાર નોંધપાત્ર પ્રગતિ કરી શક્યો છે. ભારતના સર્વપ્રથમ નેનોટેક્નોલોજી પ્લાન્ટ માટે પણ ઉમરગામ જાણીતું છે.
Advertisement
Advertisement
મિજાજઃ
મોટાં ગજાંના સ્થાનિક નેતા છોટુભાઈ પટેલની હયાતિમાં કોંગ્રેસ સમર્થિત રહેલા આ વિસ્તારમાં હવે ભાજપના નેતા રમણ પાટકરનો દબદબો છે. 2002ના એક અપવાદને બાદ કરતાં પાટકર પાંચ ટર્મથી અહીં પોતાનો અંગત અને ભાજપનો પણ ગઢ બનાવી દીધો છે. અહીં ભાજપ એ જ પાટકર એવું સમીકરણ સ્થાયી થઈ ચૂક્યું છે. સ્થાનિક આદિવાસી સમુદાય પક્ષ કરતાં પણ કોઈ એક નેતાના પ્રભાવ હેઠળ મતદાન કરવા ટેવાયેલો છે. એક તબક્કે છોટુભાઈનો પ્રભાવ હતો ત્યારે કોંગ્રેસને મત મળતાં હતા.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | રમણ પાટકર | ભાજપ | 4,385 |
2002 | શંકરભાઈ વારલી | કોંગ્રેસ | 73 |
2007 | રમણ પાટકર | ભાજપ | 51,611 |
2012 | રમણ પાટકર | ભાજપ | 28,299 |
2017 | રમણ પાટકર | ભાજપ | 41,690 |
કાસ્ટ ફેબ્રિક
40% જેટલી અનુસુચિત જનજાતિ અને 8% જેટલી અનુસુચિત જાતિની જનસંખ્યા ધરાવતી આ બેઠક પર આદિવાસી સમાજની પેટાજાતિઓના આંતરિક સમીકરણો બહુ નિર્ણાયક હોય છે. પેટાજાતિમાં વારલી સમુદાય સૌથી મોટો અને પ્રભાવશાળી માનવામાં આવે છે. એ ઉપરાંત હળપતિ, માછી, ધોડી અને મુસ્લિમ સમાજ પણ સારાં એવાં પ્રમાણમાં છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વલસાડઃ અહીં જીતે એ પક્ષ ગુજરાત જીતે એ કિંવદંતી સાચી કે ખોટી પડવાનો અવસર
સમસ્યાઓઃ
પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકે એવી તમામ શક્યતાઓ છતાં અહીં આનુષંગિક વિકાસનો અભાવ છે. હોટેલ, રિસોર્ટ માટે ટેક્સમાં વીશ વર્ષ સુધી છૂટ આપવાની જોગવાઈ હજુ લાગુ કરવામાં આવી નથી. ફિલ્મ શૂટિંગ માટે સ્ટુડિયોને મળતી છૂટછાટો પણ પૂરી કરી દેવાઈ છે. આથી એક સમયના ધમધમતા સ્ટુડિયો હવે મંદ પડી ગયા છે. ખેતીનું ધોવાણ થતું જતું હોવાથી આદિવાસી સમુદાય મોટાભાગે જીઆઈડીસીમાં મજૂરી કરીને રોજગાર મેળવવા તરફ ફંટાયો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પાંચ વખત અહીંથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે રમણ પાટકરનો અહીં ભાજપ સંગઠન પર પણ સારો એવો દબદબો છે. ઉંમરના કારણે આ વખતે તેમને ટીકિટ ન મળે એવી પૂરી સંભાવના છતાં અંતે તો તેમની પસંદગી જ નિર્ણાયક બને એવું સ્થાનિક સ્તરે ચર્ચાય છે. નિરીક્ષકો સમક્ષ થયેલી દાવેદારીમાં પાટકરે પોતે અને તેમનાં પુત્રવધુએ પણ દાવો કર્યો છે. પૂર્વ ધારાસભ્ય શંકર વારલી પણ મહત્વના દાવેદાર ગણાય છે. પાટકરની એકહથ્થુ સત્તા સામે વારલી સમુદાયમાં જ ખાસ્સો વિરોધ છે એથી પાટકર કે તેમનાં સમર્થિત ઉમેદવાર માટે આ વખતે કપરાં ચઢાણ હોવાની ધારણા છે.
હરીફ કોણ છે?
લાંબા સમયથી ગુમાવી દીધેલી આ બેઠક ફરીથી કબજે કરવા કોંગ્રેસ આ વખતે યુવા નેતા તરીકે હિમાંશુ વારલીને આગળ કરે તેવી શક્યતા છે. વારલી સમુદાય ઉપરાંત મુસ્લિમ સમાજની વોટબેન્કના આધારે કોંગ્રેસ આ બેઠક છીનવવા પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભરૂચઃ કોંગ્રેસનું મિશન ઈમ્પોસિબલ આ વખતે ય પોસિબલ થાય તેમ નથી
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટી અહીં માઉથ પબ્લિસિટીના સહારે સારી એવી ચર્ચામાં છે પરંતુ સ્થાનિક સ્તરે તેનું કોઈ સંગઠન નથી. એ સંજોગોમાં પ્રતિભાશાળી અને લોકપ્રિય ઉમેદવાર મળે તો પણ આપ અહીં ખાસ ફરક પાડી શકે તે શક્ય જણાતું નથી.
Advertisement