સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર તેનાં મહેનતકશ સ્વભાવ અને મોજીલા મન માટે જાણીતું છે. ધંધા-વેપાર અને મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતું રાજકોટ તનતોડ મહેનત કરી લે, પણ બપોરે ત્રણ કલાક કામધંધા બંધ રાખીને ટેસથી સૂઈ જવાની વિશિષ્ટતા ય ધરાવે છે. ગુજરાત રાજ્યની રચના પછી સૌથી તેજ ગતિએ વિકસિત થયેલાં શહેરોમાં રાજકોટ અવ્વલ ગણાય છે. એન્જિનિયરિંગ, સ્પેરપાર્ટ્સ ઉત્પાદનમાં મોખરે ગણાતું રાજકોટ ભાવનગરને હંફાવ્યા પછી હવે વડોદરા સાથે સ્પર્ધામાં ગણાય છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે મહાત્મા ગાંધી રાજકોટ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે તો રાજકોટ ઠાકોરસાહેબના દિવાન દરબાર વીરાવાળાની રાજરમતમાં ગાંધીજીએ હાર પણ અહીં જ સ્વીકારી હતી. બેઠકક્રમાંક 69 ધરાવતી રાજકોટ (પશ્ચિમ) બેઠક રાજકોટ-2 તરીકે પણ ઓળખાય છે. મોટાભાગે શહેરી વિસ્તારની આ બેઠક પર આશરે સવા ત્રણ લાખ જેટલાં મતદારો છે.
Advertisement
Advertisement
મિજાજઃ
રાજકીય પક્ષ તરીકે ભાજપનો હજુ જન્મ થયો ન હતો અને પૂર્વાવતાર જનસંઘને ક્યાંય પગ મૂકવાની ય જગ્યા ન હતી ત્યારે રાજકોટની આ બેઠકે 1975માં અરવિંદભાઈ મણિયારને જીતાડીને જનસંઘ અને બાદમાં ભાજપના દિગ્વિજયનો આરંભ કર્યો હતો. આ એવી બેઠક છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી લાંબા સમયથી ભાજપના ઉમેદવારને સમર્પિત રહી છે. હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ જીવનની પ્રથમ ચૂંટણી અહીં લડ્યા હતા. સાત વખત વજુભાઈ વાળાને અને બે વખત વિજય રુપાણીને જીતાડનાર આ બેઠક ભાજપની વિજયયાત્રાના આરંભબિંદુ સમાન મનાય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | વજુભાઈ વાળા | ભાજપ | 28,718 |
2002 | નરેન્દ્ર મોદી | ભાજપ | 14,728 |
2007 | વજુભાઈ વાળા | ભાજપ | 9,856 |
2012 | વિજય રુપાણી | ભાજપ | 23,740 |
2017 | વિજય રુપાણી | ભાજપ | 53,755 |
કાસ્ટ ફેબ્રિક
આ બેઠકની વિશેષતા એ છે કે અહીં આશરે 75 હજાર પાટીદાર મતદાર છે, જેમાં કડવા-લેઉવાનું પ્રમાણ લગભગ સરખું ગણાય છે. છતાં અહીંથી પાટીદાર ઉમેદવાર કદી જીત્યા નથી. આશરે 42,000 બ્રાહ્મણો, 35,000 વણિક અને જૈન, 25,000 લોહાણા મતદારો ધરાવતી ગુજરાતની આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં સવર્ણોનું પ્રમાણ કુલ મતદારોના 60% જેટલું છે. અહીં દલિત અને મુસ્લિમ મતદારોનું પ્રમાણ નહિવત્ત છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરેલી: શું ભાજપ કોંગ્રેસના પરેશ ધાનાણીના વિજયરથને રોકવામાં સફળ થશે?
સમસ્યાઓઃ
ભાજપની કમિટેડ સીટ અને હાઈપ્રોફાઈલ નેતાઓની બેઠક હોવા છતાં અહીં જે વિકાસ થયો છે એ કોસ્મેટિક સર્જરી જેવો દેખાવડો છે, પણ આંતરિક રીતે કથળેલો હોવાની સ્થાનિક લાગણી છે. આડેધડ ટ્રાફિક એ મુખ્ય સમસ્યા છે. વિવિધ માર્ગો પર ત્રણ ફ્લાયઓવરની જરૂરિયાત સર્વેથી આગળ વધતી નથી. રાજકોટને ફિલ્મસિટી આપવાના વચન પણ પૂરા થયા નથી. જોકે અહીં સમસ્યાના હલ કરતાં ભાજપને મત આપવાનો ઉત્સાહ સ્વયંભૂ હોય છે એટલે આ બેઠક માટે સમસ્યાઓની ચર્ચા કરવા અસ્થાને છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક જીતીને વિજય રુપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. હવે ભાજપના બદલાયેલા આંતરિક સમીકરણોમાં પીછેહઠ કરી રહેલાં વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવી દેવાયા છે અને તેઓ આ વખતે ચૂંટણી પરિદૃષ્યમાં નહિ જ હોય એ નિશ્ચિત મનાય છે. સૌ પ્રથમ વખત જનસંઘ વતી આ બેઠક જીતનાર અરવિંદભાઈ મણિયાર પરિવારના કલ્પક મણિયાર ઉપરાંત દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના પુત્ર કશ્યપ શુક્લ અને સ્વ. સાંસદ અભય ભારદ્વાજના ભાઈ નીતિન ભારદ્વાજ પણ આ બેઠકના દાવેદાર માનવામાં આવે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
હરીફ કોણ છે?
રાજકોટ (પૂર્વ)ની બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ મુખ્યમંત્રી રૂપાણીને પડકાર આપવા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ વખતે તેઓ એવી ભૂલ નહિ કરે. કોંગ્રેસ વતી આ બેઠક પરથી ઉમેદવારી કરવા માટે માત્ર ત્રણ લોકોએ દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે. એ જ દર્શાવે છે કે કોંગ્રેસ અને તેનાં નેતાઓ આ બેઠક જીતવાની આશા સુદ્ધાં રાખતાં નથી.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં મજબૂત પગપેસારો કરી લીધો છે. ખાસ કરીને યુવાઓમાં આમઆદમી પાર્ટીનો જુવાળ ઊભો થતો જણાઈ રહ્યો છે પરંતુ સ્થાનિક જાણકારોના મતે એ જુવાળ માત્ર ગોકીરો કરવા પૂરતો જ રહેશે. મતમાં પરિવર્તિત થવાનો નથી. ગત ચૂંટણીમાં ભાજપને 53 હજારથી વધુ મતોની સરસાઈ મળી હતી. આ વખતે તેમાં ઘટાડો તો થશે, પણ ભાજપની જીત નિશ્ચિત મનાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ માંડવી (કચ્છ): વાસ્કો દ ગામાને જળમાર્ગ બતાવનારું માંડવી પોતે આ વખતે રસ્તો બદલશે?
Advertisement