ચૂંટણીપંચ મુજબ બેઠક ક્રમાંક 94 ધરાવતી અમરેલી વિધાનસભા બેઠક ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી અસ્તિત્વમાં છે. અમરેલી શહેરનું મૂળ નામ અમરવેલી હતું એવા જૂનામાં જૂના ઉલ્લેખ ઈસ.ની પાંચમી સદીમાં રચાયેલ મનાતાં પશ્યન્ત મીમાંસા નામના ગ્રંથમાં મળે છે. વડી અને ઠેબી બે નદી અને કામનાથ અને ત્ર્યંબકેશ્વર એ બે મહાદેવ મંદિરોની વચ્ચે પાંગરેલું આ શહેર લાંબી ઉથલપાથલ બાદ ગાયકવાડી શાસન દરમિયાન સ્થિર થયું હતું. ગુજરાતના વિભાજન વખતે પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ પોતાના વતનને જિલ્લાનો દરજ્જો આપવાનો આગ્રહ રાખ્યો તેને લીધે અમરેલી જિલ્લા મથક બની શક્યું હતું. ગુજરાતી ભાષાના મહાકવિ રમેશ પારેખના વતન તરીકેની સાહિત્યરસિકોમાં આગવી ઓળખ ધરાવતું અમરેલી સાહસિક અને દરિયાખેડુ કપોળ વણિકોનું કેન્દ્ર ગણાતું હતું. મુંબઈમાં પગ મૂકનારા પહેલાં ગુજરાતી અમરેલીના કપોળ રૂપજી ધનજી સંઘવી હતા એવું ચંદ્રકાન્ત બક્ષીએ ‘મહાજાતિ ગુજરાતી’માં નોંધ્યું છે. હવે જોકે અમરેલીમાં કપોળની વસ્તી બહુ પાંખી રહી ગઈ છે.
Advertisement
Advertisement
મિજાજઃ
અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં અમરેલી શહેર અને તાલુકા ઉપરાંત કુકાવાવ અને વડિયાના કેટલાંક ગામો પણ સામેલ છે. લોકસભામાં હરહંમેશ ભાજપને સમર્થિત રહેતી આ બેઠક વિધાનસભાની ચૂંટણીમાં યુવાન લોહીને પ્રાધાન્ય આપતી રહી છે અને ભલભલાં દિગ્ગજોને પણ અહીં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. દિગ્ગજ ખેડૂત આગેવાન દ્વારકાદાસ પટેલ (દકુભાઈ)નો દબદબો એ વખતના યુવાનેતા તરીકે દિલીપ સંઘાણી, પરશોતમ રૂપાલાએ તોડ્યો હતો. બાદમાં એ બંને દિગ્ગજ નેતાઓએ યુવાનેતા પરેશ ધાનાણી સામે પરાજય ખમવાનો વારો આવ્યો હતો. આ જ અમરેલી બેઠકની તાસિર છે. અહીંના મતદારો કામ અને જનસંપર્ક ન હોય તો ચમરબંધીને પણ હરાવી દેતાં ખચકાતાં નથી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | પરશોતમ રૂપાલા | ભાજપ | 14524 |
2002 | પરેશ ધાનાણી | કોંગ્રેસ | 598 |
2007 | દિલીપ સંઘાણી | ભાજપ | 4165 |
2012 | પરેશ ધાનાણી | કોંગ્રેસ | 8506 |
2017 | પરેશ ધાનાણી | કોંગ્રેસ | 9046 |
કાસ્ટ ફેબ્રિક
પાટીદાર મતદારોની મોટી સંખ્યા ધરાવતી આ બેઠક પર બ્રાહ્મણ, કાઠી ક્ષત્રિય, કોળી, દલિત અને મુસ્લિમ મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. જોકે લેઉવા પાટીદાર જ્ઞાતિનું સમીકરણ ફીટ બેસતું હોય તો પછી અહીં બીજા સમુદાયના મત ગૌણ બની જાય છે. 1962માં ડો. જીવરાજ મહેતા આ બેઠક પરથી ચૂંટાઈને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યાં એ એક અપવાદને બાદ કરતાં આ બેઠક પરથી હંમેશાં પાટીદાર ઉમેદવાર જ ચૂંટાતાં રહ્યાં છે. માત્ર અમરેલી જ નહિ, રાજુલા વિસ્તારને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં પાટીદાર મતદારોનો પ્રભાવ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ માંડવી (કચ્છ): વાસ્કો દ ગામાને જળમાર્ગ બતાવનારું માંડવી પોતે આ વખતે રસ્તો બદલશે?
સમસ્યાઓઃ
સમગ્ર વિસ્તાર ખેતી આધારિત હોવાથી અહીં પાક વીમા યોજના અંગે સરકાર સામે ભારોભાર નારાજગી પ્રવર્તે છે. તૌકતે વાવાઝોડાંમાં થયેલ નુકસાનીના વળતર અંગેની ફરિયાદો પણ વ્યાપક છે. માળખાગત સુવિધાઓ બાબતમાં આ વિસ્તાર આજે પણ પછાત છે. જિલ્લા મથક હોવા છતાં પાછળ રહી ગયેલાં શહેરોમાં સમગ્ર ગુજરાતમાં અમરેલી મોખરે ગણાય છે. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલન ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની નારાજગી મુખ્ય હતી. આ વખતે પાટીદાર આંદોલન નથી. ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો ઉકેલવા ભાજપે સહકાર સંમેલનો પર ભાર મૂક્યો છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કુલ ત્રણ વખત અને સળંગ બે વખત આ બેઠક પરથી વિજેતા રહેલાં કોંગ્રેસના પરેશ ધાનાણી પહેલી ચૂંટણી માત્ર 27 વર્ષની ઉંમરે જીત્યા હતા. જાયન્ટ કિલર યાને બડા શિકારી તરીકેનો એ દબદબો તેમણે કાયમ જાળવી રાખ્યો છે. દિલીપ સંઘાણી, પરશોતમ રૂપાલા અને બાવકુભાઈ ઉંધાડ જેવા મહારથીઓને તેમણે મોટા માર્જિનથી હાર આપી છે. સ્થાનિક સ્તરે તેમનો જનસંપર્ક બહુ જ અસરકારક છે. જ્ઞાતિ સમીકરણો સાધવામાં પણ તેમની હથોટી છે. આ વખતે ભાજપ દરેક બાબતનું ધ્યાન રાખીને ઉમેદવારની પસંદગી નહિ કરે તો પરેશ ધાનાણીનો રથ રોકવો અઘરો પડશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ધારીઃ ભાજપે પક્ષપલટો કરાવીને અણધારી કરી, હવે ધારીમાં કોંગ્રેસ ફરીથી ધાર્યું કરી શકશે?
હરીફ કોણ છે?
ભાજપમાં આ બેઠકના મુખ્ય દાવેદાર તરીકે આ વખતે દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણીનું નામ મુખ્ય ગણાય છે. જોકે ભાજપનું શીર્ષ નેતૃત્વ વંશવારસ નીતિનો વિરોધ કરે છે એ જોતાં દિલીપભાઈ પોતાના પુત્રને ટીકિટ ન અપાવી શકે તો પછીના ક્રમે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાને મુખ્ય દાવેદાર ગણવામાં આવે છે. કૌશિકભાઈ યુવાનેતા તરીકે ઝડપથી કાઠું કાઢીને જિલ્લાની રાજનીતિમાં સ્થાપિત થયેલાં છે. એક જમાનામાં પરેશ ધાનાણી યંગ એન્ડ ડાયનેમિક ઈમેજ સાથે દિગ્ગજોને હરાવી શક્યા હતા એવી ઈમેજ આ વખતે કૌશિકભાઈ ઉપસાવી શકે તેમ છે.
ત્રીજું પરિબળઃ
આમ આદમી પાર્ટી અહીં સંગઠન ઊભું કરવામાં કાચી પડી રહેલી જણાય છે. સ્થાનિક જ્ઞાતિ સમીકરણો સંતુલિત થાય એવો ચહેરો શોધવાનું પણ તેનાં માટે કપરું છે. એ જોતાં અહીં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો જંગ લડાય એવી પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
Advertisement