ગુજરાત વિધાનસભાની ચૂંટણીપ્રક્રિયામાં પહેલેથી જ આક્રમક રહેલી આમઆદમી પાર્ટીએ મંગળવારે ઉમેદવારોની વધુ એક યાદ જાહેર કરી એ સાથે કુલ 108 બેઠકો પર AAPના ઉમેદવારો નિશ્ચિત થઈ ગયા છે. દરેક બેઠક પર આપ ઉમેદવાર તો જાહેર કરશે જ, પરંતુ મોટાભાગના ઉમેદવારો નવાં નિશાળિયા અથવા તદ્દન અજાણ્યા ચહેરા અથવા જાહેરજીવનનો જરા સરખો અનુભવ ધરાવતા ન હોય એ સંજોગોમાં ભાજપ, કોંગ્રેસ જેવા પક્ષોના દિગ્ગજ નેતાઓ સામે ઝીંક ઝીલી નહિ શકે એવી પ્રાથમિક છાપ ઉપસે છે. જોકે દિલ્હી અને પંજાબમાં પણ ઉમેદવારો નવાં, અજાણ્યાં અને બિનઅનુભવી જ હતા છતાં સ્થાનિક મતદારોએ આપના પ્રતીક પર વિશ્વાસ મૂક્યો હતો. એવું ગુજરાતમાં થઈ શકશે કે કેમ એ તો પરિણામના દિવસે જ ખબર પડશે. આમ છતાં હાલ જાહેર થયેલ નામોનો વિચાર કરીએ તો કુલ દસ બેઠકો એવી હશે જ્યાં આપના ઉમેદવાર વિજેતા અથવા ગેમ ચેન્જર બની શકે તેમ છે.
Advertisement
Advertisement
‘માહી સરપંચ’ ભાજપનો ગઢ તોડશે?
ખેડા જિલ્લાની માતર બેઠક હંમેશાં જાયન્ટ કિલર રહી છે. અગાઉ અહીં નરહરિ અમીન જેવા દિગ્ગજ નેતાને ભાજપના નવોદિત ઉમેદવાર તરીકે દેવુસિંહ ચૌહાણે પછડાટ આપી હતી. આજે દેવુસિંહ સાંસદ બનીને હવે તો કેન્દ્રિય મંત્રી તરીકે ભાજપના ટોચના નેતા ગણાવા લાગ્યા છે ત્યારે માતર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે આમઆદમી પાર્ટીએ પડકાર ઊભો કર્યો છે. આપના ઉમેદવાર તરીકે અહીં ચૂંટણી લડનારા મહિપતસિંહ ચૌહાણ યુવાન એક્ટિવિસ્ટ તરીકે સ્થાનિક સ્તરે માહી સરપંચના હુલામણા નામે બહુ જ લોકપ્રિય છે. લવાલ ગામના સરપંચ તરીકે તેમણે પોતાના ગામમાં આદર્શ સુવિધાઓ ઊભી કરી. ત્યારબાદ ‘શિક્ષણ એ જ કલ્યાણ’ સંકૂલના માધ્યમથી છેવાડાના વિસ્તારના ગરીબ, નિરાધાર બાળકોને ક્વોલિટી એજ્યુકેશન આપવાનો સફળ પ્રયોગ કરી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે કામ કરતાં દેશભરના કર્મશીલો તેમનો આ પ્રયોગ જોવા માટે અહીં આવી ચૂક્યા છે. માતર બેઠક પર ક્ષત્રિય સમાજના આશરે 41% જેટલાં મતદારો છે. મહિપતસિંહની યંગ બ્રિગેડ ગામેગામ નેટવર્ક ધરાવે છે. તેમની લોકપ્રિયતા જોતાં ભાજપને પોતાનો ગઢ સાચવવાનું બહુ જ અઘરું થઈ જવાનું છે.
વિક્રમ સોરાણી ભાજપ, કોંગ્રેસ બંનેને હંફાવવા સક્ષમ
સુરેન્દ્રનગર જિલ્લાની વાંકાનેર બેઠકના આપના ઉમેદવાર વિક્રમ સોરાણી તેમના ગોળમટોળ ચહેરા અને આંકડા ચડાવેલી મૂછોના કારણે જાણીતા છે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા વિક્રમ સોરાણી યુવાનોમાં બહુ જ લોકપ્રિય અને આદર્શ નેતાનું સ્થાન ધરાવે છે. કોળી સમાજમાં શિક્ષણ વધે, કુરિવાજોની નાબુદી, વ્યસનમુક્તિ માટેના તેમનાં પ્રયાસોની સારી એવી સરાહના થઈ છે. માત્ર 26 વર્ષની ઉંમરે કોળીસમાજના સર્વમાન્ય નેતા તરીકે ઊભરેલા વિક્રમ સોરાણીએ સમૂહલગ્નના સફળ આયોજન થકી પોતાની ક્ષમતા પૂરવાર કરી હતી. વાંકાનેર બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ પિરઝાદા અહીંથી ફરી ચૂંટણી લડે એવી પૂરી શક્યતા છે. તેમની સામે ભાજપના દિગ્ગજ નેતા જીતુ સોમાણી હોઈ શકે છે. એ સંજોગોમાં સોરાણી અહીં બંને દિગ્ગજોને ભારે પડે તેવી શક્યતા નકારી શકાય નહિ.
આ પણ વાંચો: #ઝીણી નજરે પોલિટિકલ ડ્રેસકોડઃ નેતાઓની નવી પેઢી ઝભ્ભાની મોનોપોલી ફગાવી રહી છે
’પેડવૂમન’ સૌના ગણિત ખોટા પાડી શકે છે
પાવી જેતપુરની આદિવાસી અનામત બેઠક પર કોંગ્રેસની રાઠવા ત્રિપુટીનું વર્ચસ્વ મનાય છે. નારણ રાઠવા, સુખરામ રાઠવા અને મોહનસિંહ રાઠવાનો દબદબો ધરાવતી આ બેઠક પર આમઆદમી પાર્ટીએ નવો પડકાર ઊભો કર્યો છે. એમનું નામ છે રાધિકા રાઠવા. યુવાન, શિક્ષિત અને આ વિસ્તારમાં પેડવૂમન તરીકે ખૂબ લોકપ્રિયતા ધરાવતા રાધિકા રાઠવા પૂર્વ સાંસદ અમરસિંહ રાઠવાની દીકરી છે. એટલે રાજકીય પૃષ્ઠભૂમિ પણ મજબૂત ધરાવે છે. કોંગ્રેસ સાથે થોડોક સમય સક્રિય રહ્યા બાદ તેમણે છેડો ફાડીને આદિવાસી મહિલાઓની સમસ્યાઓ સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરી છે. ખાસ કરીને આંતરિયાળ વિસ્તારની અભણ આદિવાસી મહિલાઓને સેનેટરી પેડના ઉપયોગ માટે જાગૃત કરવાના તેમનાં પ્રયાસોને લીધે તેઓ પેડવૂમન તરીકે રાષ્ટ્રીય સ્તરે ચમકી ચૂક્યા છે. આ બેઠક પર દિગ્ગજ સુખરામ રાઠવા ચૂંટણી લડે તો નવયુવાન, સ્વચ્છ અને પ્રગતિશીલ ચહેરા તરીકે રાધિકા તેમને હંફાવવા સક્ષમ મનાય છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: ભાવનગરના પ્રિન્સ પર સૌની નજર, જયવીરરાજનું મગદળ કોની સામે ફરશે?
જેઠા ભરવાડનું તખ્ત તખતસિંહ છીનવી શકશે?
અગાઉ બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે સહેરા વિધાનસભા બેઠક પરથી ભાજપના દબંગ નેતા જેઠા ભરવાડ સામે હારી ચૂકેલા તખતસિંહ સોલંકીએ હવે પંજો છોડીને ઝાડુ પકડ્યું છે. પરંતુ આ વખતે તેમનું જોર ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ્સું હોવાનું મનાય છે. આમઆદમી પાર્ટી સાથે જોડાયા પછી તખતસિંહ મતવિસ્તારના પ્રત્યેક ગામોની એકથી વધુ વાર મુલાકાત લઈ ચૂક્યા છે. સ્થાનિક જ્ઞાતિ સમીકરણો પણ તેમની તરફેણમાં છે. તેની સામે ભાજપના જેઠાભાઈ અહીં જૂના જોગી હોવાથી હવે તેમની સામે એન્ટી ઈન્કમબન્સી પૂરતી છે. જોકે જેઠાભાઈની આર્થિક તાકાત સામે તખતસિંહ ટૂંકા પડી શકે છે. પરંતુ આ બેઠક પર તેઓ ભાજપને પગ વાળીને બેસવા નહિ દે એ તો નિશ્ચિત છે.
AAPના રાજુ જીતુ વાઘાણીનું વાજું વગાડી શકે છે
ભાવનગર પશ્ચિમની હાઈ પ્રોફાઈલ બેઠક પર આમઆદમી પાર્ટીએ માંધાતા સેનાના પ્રણેતા રાજુ સોલંકીને ઉતાર્યા છે. રાજુભાઈ લાંબા સમયથી ભાવનગર વિસ્તારમાં કોળી નેતા તરીકે પ્રભાવશાળી ગણાય છે. કોંગ્રેસ, ભાજપ બંને સાથે થોડોક સમય જોડાઈ ચૂકેલા રાજુ સોલંકી ભાવનગર પશ્ચિમની બેઠક પર ઉતર્યા એથી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને અત્યારથી જ ઊંઘ હરામ થઈ ગઈ હોય તો નવાઈ નહિ. આ બેઠક પર આશરે 50 હજાર જેટલાં કોળી મતદારો છે. 40-45 હજાર ક્ષત્રિય મતદારો છે અને 15 હજાર જેટલાં પાટીદારો છે. જીતુભાઈ દર વખતે આ ત્રણેય વોટબેન્કના સંયુક્ત સમર્થનથી જીતે છે. આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કે.કે.ગોહિલ નિશ્ચિત મનાય છે. આથી ક્ષત્રિયોના મત વહેંચાઈ શકે છે. તેની સામે રાજુ સોલંકી કોળી સમુદાયના મતનું ધ્રુવીકરણ કરી શકે તો જીતુ વાઘાણી માટે અત્યંત મુશ્કેલ સ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
સુરતની આ ત્રણ બેઠક પર આપના ઉમેદવાર મજબૂત
વરાછા, કરંજ અને કામરેજ એ સુરત શહેરની ત્રણ વિધાનસભા બેઠક પાટીદારોનો ગઢ ગણાય છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કરંજ બેઠક પરથી ઉમેદવારી કરે એવી શક્યતા છે. કામરેજના ઉમેદવાર તરીકે રામ ધડુકના નામની જાહેરાત થઈ ચૂકી છે. હાલમાં જ આપમાં જોડાયેલા પાસના અગ્રણી અલ્પેશ કથિરિયા વરાછા બેઠક પરથી ઉમેદવારી કરી શકે છે. આ ત્રણેય નેતાઓ યુવાન, આક્રમક અને લોકચાહના ધરાવે છે. પાટીદાર યુવાનોમાં લોકપ્રિય છે. આથી આ ત્રણેય બેઠક પર પણ ભાજપને પરસેવો વળી શકે છે.
Advertisement