રાજકીય નેતા… આટલો કિ-વર્ડ આપો એટલે ગૂગલ પણ ઝભ્ભા, ટોપી, બંડી કે ખેસધારી નેતાઓની ઈમેજ સામે ધરી દે છે. હિન્દી ફિલ્મોમાં પણ એકે ય શબ્દ કહ્યા વગર નેતાનું પાત્રાંકન કરવું હોય તો ઝભ્ભો ફરજિયાત ગણાય છે. જાહેરજીવન સાથે પ્રચલિત થઈ ચૂકેલો આ ડ્રેસકોડ એટલી હદે ફરજિયાત થઈ ચૂક્યો છે કે આજે પણ રાજકીય વ્યક્તિઓ માટે ઝભ્ભા અનિવાર્ય છે. જોકે સદનસીબે હવે તેમાં ધીમું પણ મક્કમ પરિવર્તન દેખાઈ રહ્યું છે. સફેદ ઝભ્ભાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રંગીન, હાફ સ્લિવ ઝભ્ભા વડે તોડી એ પછી નવી પેઢીના નેતાઓ સમૂળો ઝભ્ભાનો જ ત્યાગ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
ખાદીના ઢીલા ઝભ્ભા આઝાદી પછી થોડાં ચુસ્ત બન્યાં
આઝાદીની લડત સાથે સંકળાયેલા નેતાઓ પર મહાત્મા ગાંધીનો પ્રભાવ હતો એટલે તેમનાં પહેરવેશમાં પણ સાદગી જોવા મળતી હતી. મહાત્મા પોતે એક ટૂંકી પોતડી પહેરતા હોય ત્યારે અનુયાયીઓ ઠાઠમાઠ રાખે એ અજૂગતું ગણાતું હતું. અંગત જિંદગીમાં સ્ટાયલિશ અને ફેશનેબલ રહેલાં જવાહરલાલ નહેરુ પણ શોર્ટ કુર્તો અને સલવાર પહેરતા હતા. કુર્તા ઉપર કોટ અને કોટના બટનમાં ગુલાબનો શિરસ્તો તેમણે આઝાદી પછી અપનાવ્યો હતો. એ કદાચ રાજનેતાઓના ડ્રેસકોડમાં પહેલું પરિવર્તન હતું. સરદાર પટેલ તેમનાં વિદ્યાર્થીકાળના કે વકીલાતના સમયના ફોટામાં કોટ-પેન્ટના વિદેશી પહેરવેશમાં જોવા મળે છે પરંતુ ગાંધીજીના રંગે રંગાયા પછી તેમણે ઝભ્ભો, ધોતી અને ક્યારેક પ્રસંગોપાત ખાદીની બંડી સિવાય બીજા કોઈ પ્રકારનો પહેરવેશ અપનાવ્યો હોય એવું જાણમાં નથી. પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ કદકાઠીમાં ઊંચા અને પ્રભાવશાળી હતા. આઝાદી પૂર્વે મોટાભાગે ખદડ કાપડના ઝભ્ભો-ધોતી પહેરનારા રાજેન્દ્રબાબુએ રાષ્ટ્રપતિ બન્યા પછી સાદા પણ સ્ટાયલિશ ઝભ્ભા અને ચસોચસ ચોયણી, મોજડી અને બનારસી ટોપીનો પહેરવેશ અપનાવ્યો હતો. રાજનેતાઓના પહેરવેશ પર ગાંધીઅસર લગભગ ત્રણ દાયકા સુધી રહી.
ઈન્દિરાની સાડી જ્યારે સ્ટાઈલ આઈકોન બની
નેતાઓ માટે ઝભ્ભા-ધોતી ફરજિયાત હતા એ યુગમાં મહિલા નેતાઓ પણ સાવ સાદી, સફેદ અને બ્લ્યુ કિનારીવાળી ખાદીની સાડીઓ જ પહેરતી હતી. કસ્તુરબા, સરોજિની નાયડુ કે રાજકુમારી અમૃતકૌરના ફોટોગ્રાફ્સમાં મોટાભાગે એ પહેરવેશ જ જોવા મળે છે. વિજયાલક્ષ્મી પંડિતને સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા ત્યારે પહેલી વાર રંગીન સાડી અને સ્ટાયલિશ ગોગલ્સ પહેરેલી તેમની તસવીરોએ ચર્ચા જગાવી હતી. જોકે ખરી ચર્ચા ઈન્દિરા ગાંધીની સાડીઓએ ઊભી કરી હતી. આઝાદી પૂર્વે અને પછીના દાયકામાં મોટાભાગે સફેદ ખાદી પહેરનારા ઈન્દિરાએ સિત્તેરના દાયકામાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યા પછી પહેરવેશમાં પણ દમામનું પ્રતિબિંબ છતું કર્યું હતું. હેન્ડીક્રાફ્ટ કે બંગાળી પ્રિન્ટની રંગીન સાડીઓમાં ઈન્દિરા જાજરમાન લાગતા હતા. સાડી પહેરવાની તેમની ઢબ પણ દેશભરની મહિલાઓમાં અનુકરણિય બની હતી.
દક્ષિણના નેતાઓએ ખેસ ઉમેર્યો
જોકે ઈન્દિરાના ઠાઠમાઠ છતાં ય મોટાભાગે પુરુષ નેતાઓના પહેરવેશમાં ખાસ પરિવર્તન આવ્યું ન હતું. મોરારજી દેસાઈ કે બાબુ જગજીવનરામ જેવા ગાંધીયુગના નેતાઓ હજુ ય ઝભ્ભા, બંડી અને ધોતીના પહેરવેશના જ આગ્રહી હતા. પછીની પેઢીના ચંદ્રશેખર, રાજનારાયણ, ચૌધરી ચરણસિંઘ, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ પણ પહેરવેશની પરંપરાને અનુસરનારા હતા. એકમાત્ર જ્યોર્જ ફર્નાન્ડિઝ શર્ટ-પેન્ટ અને ચંપલમાં સૌથી અલગ લાગતાં હતા. એ અરસામાં ઊભરેલા દક્ષિણ ભારતના ફિલ્મસ્ટાર ટર્ન્ડ રાજકારણીઓએ પહેરવેશના સફેદપણાંમાં થોડો રંગ ઉમેર્યો. એમ.જી.રામચંદ્રન અને એન.ટી.રામારાવ સફેદ કપડાં પર રંગીન ખેસ ધારણ કરતાં એ તેમને શોભતું હતું. એ જોઈને પછી ભાજપના મુરલી મનોહર જોશીએ પણ લાલ કિનારીવાળા ખેસ શરૂ કર્યા અને ધીમે ધીમે ખેસ નેતાઓના ડ્રેસકોડનો હિસ્સો બની ગયો.
આ પણ વાંચો: #ઝીણી નજરે: ભાવનગરના પ્રિન્સ પર સૌની નજર, જયવીરરાજનું મગદળ કોની સામે ફરશે?
રાજીવ ગાંધીએ જોધપુરીનો ટ્રેન્ડ શરૂ કર્યો
એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં રાજીવ ગાંધીએ ઝભ્ભાની સરખામણીએ જોધપુરી સુટને ચલણી બનાવ્યો. ઊંચા અને સપ્રમાણ શરીર ધરાવતા રાજીવ જોધપુરીમાં સોહામણા લાગતા હતા. એ જોઈને અરુણ નહેરુ, રામવિલાસ પાસવાન, શરદ પવાર જેવા નેતાઓ પણ જોધપુરીમાં દેખાવા લાગ્યા. વી.પી.સિંઘ જોધપુરી ઉપર ફરની કેપ પહેરવાનો શોખ પણ પોષતા હતા. જોકે નેતાઓના પહેરવેશને રંગીન બનાવવાનું શ્રેય વર્તમાન વડાપ્રધાન મોદીને આપવું પડે. તેમણે ખાદીની જગ્યાએ લિનનના હળવા પરંતુ આકર્ષક રંગોના અડધી બાંયના ઝભ્ભા પહેરવાના શરૂ કર્યા, જે આજે દેશભરમાં મોદી કુર્તા તરીકે ફેશન સિમ્બોલ બની ગયા છે. મોદીએ રંગ આપ્યો, પરંતુ પહેરવેશના ડ્રેસકોડમાં તો ઝભ્ભો અણનમ જ હતો. એ બદલવાનું શ્રેય (ભાજપછાવણીને ન ગમે તો પણ) અરવિંદ કેજરીવાલને આપવું પડશે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
હવે કેજરીવાલ સ્ટાઈલ
ગુજરાતની રાજનીતિમાં કેટલાંક રાજકારણીઓ એવાં છે જે ડ્રેસકોડને અનુસરતા નથી. વિધાનસભામાં જીન્સ પહેરનારા ધારાસભ્યોમાં પહેલું નામ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું મૂકવું પડે. નવી પેઢીએ ધોતીનો તો ક્યારનો ત્યાગ કરી દીધો છે, પણ ઝભ્ભો ય હવે ધીમે ધીમે ઉતરતો જાય છે. આમઆદમી પાર્ટીના કેજરીવાલ સાદા ચેક્સના શર્ટ અને લૂઝ પેન્ટમાં જ જોવા મળે છે. એ જ રીતે ગોપાલ ઈટાલિયા પણ પેન્ટ અને ઈન કરેલ શર્ટમાં જ જોવા મળ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઝભ્ભાનું ફરજિયાતપણું સ્વીકારવાને બદલે મંત્રાલયમાં પણ પેન્ટ-શર્ટમાં જોવા મળે છે. તેમના પૂરોગામી પ્રદીપસિંહ જાડેજાને ભાગ્યે જ કોઈએ ઝભ્ભા-લેંઘામાં જોયા હશે. ચુસ્ત સિલાઈ કરેલાં મેચિંગ પેન્ટ-શર્ટ અને ચકચકતા બ્લેક લેધર શૂઝ એ પ્રદીપસિંહની કાયમી ઓળખ રહી છે. આપના ઈસુદાન ગઢવી પણ મોટાભાગે પ્રદીપસિંહ જાડેજા જેવા ડ્રેસકોડને પસંદ કરતાં જણાય છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરિષ ડેર જીન્સ અને ઓપન શર્ટ વિશેષ પસંદ કરે છે. ઝભ્ભો-લેંઘો પહેરેલી તેમની તસવીર દુર્લભ ગણાય છે. નવી પેઢી હવે ડ્રેસકોડમાં મક્કમ બદલાવ લાવી રહી છે એ જોતાં નવી વિધાનસભામાં ઝભ્ભાનું ચલણ ઘણું ઘટ્યું હશે એમ ધારી શકાય.
Advertisement