- સામાજિક અને ન્યાયિક દૂષણ હોવા છતાં બીજી વખત રાધનપુરથી વરરાજા બનવા માંગે છે અલ્પેશ
- ભાજપ પ્રેમમાં કોંગ્રેસને ત્રણ તલાક આપનાર અલ્પેશ ઠાકોર ફરીથી રાધનપુરના વરરાજા બનવા માંગે છે
ગુજરાત એક્સક્લૂઝિવ; ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અલ્પેશ ઠાકોર એક વખત ફરીથી સક્રિય થયા છે. અલ્પેશ ઠાકોરે એક કાર્યક્રમમાં રાધનપુર સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી છે. તેઓએ કહ્યું કે, તેઓ રાધનપુર સીટ પરથી જ પરણવા માંગે છે અને તમારે મને અહીંથી જ પરણાવવો પડશે.
Advertisement
Advertisement
અમિત શાહની ગુજરાતના નાના અને મોટા નેતાઓ સાથે એક સામટી પાંચ-છ બેઠકો દર્શાવે છે કે દિવાળી પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત ચોક્કસપણ થઇ જશે. તેથી બધા પક્ષો અને રાજકીય નેતાઓ પોત-પોતાની રીતે ચૂંટણીની તૈયારી કરવા લાગ્યા છે. આ કડીમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોરે પણ વરરાજા બનવાની જાહેરાત કરી છે, એટલે કે રાધનપુર સીટથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમને સંબોધતી વખતે કહ્યું છે કે- “મારે પરણવું છે અહીંથી તમારે મને પરણાવવાનો છે.” અલ્પેશ ઠાકોરના નિવેદનને શંકર ચૌધરીનો ટેકો પણ મળ્યો હતો. શંકર ચૌધરીએ પણ કાર્યક્રમમાં કહ્યું કે, “ગયા વખતે જાન માંડવેથી પરત ફરી હતી આ વખતે બાકી ન રહી જાય તેમ પરણાવજો.”
આ પણ વાંચો : IMPACT: ગુજરાત એક્સક્લૂઝિવના અહેવાલ પછી CMOએ DELF કન્સલ્ટન્સીને કરી બ્લેકલિસ્ટ
અલ્પેશ ઠાકોરને એક વખત તો રાધનપુરની જનતાએ ધામધૂમથી પરણાવ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ ધામધૂમથી પરણાવીને લાડી સમાન સીટ અપાવી હતી. જોકે, તે લાડીને અલ્પેશ ઠાકોરે પોતે જ ત્રણ તલાક આપી દીધા હતા. 2017માં રાધનપુર સીટ પરથી અલ્પેશ ઠાકોરને 85777 વોટ મળ્યા હતા. આ સાથે જ તેમને 14000થી વધારે મતો સાથે ચૂંટણી જીતી લીધી હતી.
જોકે, બે વર્ષ પછી તેઓ પોતાની લાડીના સાસરીયાઓથી કંટાળી ગયા અને તેને છૂટાછેડા આપી દીધા અને એક વખત ફરીથી જાન લઈને રાધનપુરના બારણે જઈ ચડ્યા. પરંતુ રાધનપુરવાસીઓનો દિલ ખુબ જ દુ:ખી હતું. કેમ કે અલ્પેશ ઠાકોરે તેમના દ્વારા અપાવેલી પહેલી લાડીને છૂટી કરીને તેમનો વિશ્વાસ તોડ્યો હતો. તેથી બીજી વખત પરણવા પહોંચેલા અલ્પેશ ઠાકોરને ખાલી હાથે જ પરત ફરવું પડ્યું હતું.
2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ તરફથી રાધનપુર સીટ પર ઉભા રહ્યા હતા, જ્યાં તેમને 85777 મતો મળ્યા હતા, જેની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લવિંગજી સોલંકીને 70920 મત મળ્યા હતા અને અલ્પેશ ઠાકોરે આ બેઠક પર 14857 મતોથી જીત મેળવી હતી.
2019ની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ઉભા રહ્યા અને તેમને 73603 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ ઉભા રહ્યા હતા, જેમને 77410 મત મળ્યા. એટલે 2017ની સરખામણીએ અલ્પેશ ઠાકોરને 12174 મત ઓછા મળ્યા હતા.
એક વખત ફરીથી અલ્પેશ ઠાકોરને રાજકીય પૈણ ચડ્યું છે
એક વખત ફરીથી અલ્પેશ ઠાકોરને રાજકીય પૈણ ચડ્યું છે. શું ભારતીય જનતા પાર્ટી એક વખત ફરીથી અલ્પેશ ઠાકોરને પરણાવવા માટે રાધનપુરના બારણે મોકલશે કે નહીં તે અંગે ચોક્કસ રીતે કહી શકાય નહીં. અલ્પેશ ઠાકોરે તો પરણવા માટે જાહેરાત કરી દીધી છે પરંતુ બીજેપી તરફથી તેમને પરણાવવા માટે કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો : #બેઠકપુરાણ ધારીઃ ભાજપે પક્ષપલટો કરાવીને અણધારી કરી, હવે ધારીમાં કોંગ્રેસ ફરીથી ધાર્યું કરી શકશે?
અલ્પેશ ઠાકોરે પોતાના સમાજને પણ આપી દીધા છૂટછેડા
ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધરે, સમાજમાં પ્રવર્તમાન સામાજિક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવા અને સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી અલ્પેશ ઠાકોરે 2011માં ‘ઠાકોરસેના’ની સ્થાપના કરી હતી.
અલ્પેશ ઠાકોર ગુજરાતના યુવા બેરોજગારો, આંગણવાડી બહેનો, આશાવર્કરોના પ્રશ્નોને લઈને 2014-17 દરમિયાન રાજ્યભરમાં અનેક આંદોલનો કર્યાં હતાં. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોરસેનાએ દારૂના અડ્ડાઓ પર જનતારેડ શરૂ કરી, જેમાં ઠાકોર સમાજનાં મહિલાઓ અને યુવા જોડાયાં હતાં.
નાગરિકોના દબાણને કારણે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક કરવો પડ્યો હતો. આ મંચ અને સરકાર સામેના કાર્યક્રમોને કારણે અલ્પેશ ઠાકોર ‘ઓબીસી સમાજનો ચહેરો’ બન્યા હતા.
2015માં 25 ઑગસ્ટના દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત માટે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું. શરૂઆતમાં પાટીદારોની માગ હતી કે તેમને ‘ઓબીસી’ના નેજા હેઠળની અનામત આપવામાં આવે. જો પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોનું હિત જોખમાય તેમ હતું એટલે ‘ઠાકોરસેના’ સક્રિય બની.
અલ્પેશ ઠાકોર ગુજરાતમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે નીકળ્યા હતા પરંતુ ખરેખર કેટલા બંધ થયા એ કોઈને ખબર નથી. આ સમય દરમિયાન ઠાકોરસેનાના ખભા પર ચડીને તેઓ રાજકારણમાં ઉતર્યા અને પછી ધારાસભ્ય બની ગયા. ધારાસભ્ય બન્યા પછી એમણે પક્ષપલટો કર્યો. પક્ષપલટો કર્યો ત્યારે તો તેઓ પ્રજાને પૂછવા નહોતા ગયા. એટલે પ્રજાને તો બંને બાજુ મરવાનો વારો જ આવ્યો.
અલ્પેશ ઠાકોરે સમાજનો ઉપયોગ કરીને એક વખત તો વરરાજા બની ગયા હતા. પરંતુ વરરાજા બનતાની સાથે જ તેમને સૌથી પહેલા તો પોતાના સમાજને જ છૂટાછેડા આપી દીધા હતા. બીજી વખત સમાજ તેમના પર ભરોશો કરીને પરણાવશે ખરો? આ પ્રશ્નનો જવાબ તો સમય જ આપશે. કેમ કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં કે બીજેપીમાં રહીને સમાજના ઉદ્ધાન માટે કંઈ કામ કર્યા હોય તેવું આંખો ઉડીને ચોટતું નથી.
Advertisement